નડિયાદ: નડિયાદ નગરપાલિકાના અણગટ વહીવટના કારણે નાગરીકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પ્રશાસન પાસે ચોક્કસ આયોજન ન હોવાના કારણે શહેરીજનો ગંદકી વચ્ચે રહેવા મજબૂર બની રહ્યા છે. સફાઈ જેવી પ્રાથમિક સુવિધા મામલે પણ નગરપાલિકાના કર્મચારીઓને અનેકો રજૂઆત કરવા બાદ જ સફાઈ થતી હોવાનો પણ ગણગણાટ છે. આ તરફ નડિયાદ નગરમાં ગંદકીનો ભરમાર વધી રહ્યો છે, તો બીજીતરફ પાલિકાના જ સંકુલમાં નવી ખરીદાયેલી કચરાપેટી ધૂળ ખાતી હોવાનો ઘાટ સર્જાયો છે.
નડિયાદ નગરપાલિકાના વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી છે. અનેક વિસ્તારોમાં કચરાના ઢગ વાગી ગયેલા દેખાઈ રહ્યા છે. તો બીજીતરફ નડિયાદ નગરપાલિકાના સંકુલમાં પ્રશાસન દ્વારા નવી ખરીદાયેલી 30 જેટલી કચરાપેટી છેલ્લા દોઢેક માસથી પડી રહી છે. લાંબો સમય થતા તેની પર ધૂળના થર બાઝી રહ્યા છે. તંત્ર પાસે ચોક્કસ આયોજનના અભાવે અનેક વિસ્તારમાં કચરાપેટીઓ મૂકવાની રજૂઆતો થઈ હોવા છતાં હજુ સુધી મુકાઈ નથી. તંત્રની નબળી કામગીરી પર નગરજનો રોષે ભરાયા છે. પ્રશાસન દ્વારા વહેલામાં વહેલીતકે આ કચરાપેટીઓને યોગ્ય સ્થળ પર મુકાય તે જરૂરી બન્યુ છે. શહેરમાં ગણતરીના વિસ્તારોમાં જ ઘરે-ઘરે કચરો ઉઘરવવાનું કામ ચાલી રહ્યુ છે. મોટા ભાગના વિસ્તારોમાં પ્રશાસન કચરો ઉઘરાવતુ ન હોવાના કારણે સ્થાનિકો રોડ પર જ કચરો નાખવા મજબૂર બને છે. જેના કારણે જાહેર માર્ગો પર જ કચરો કચરાના ઢગ વાગે છે. ત્યારે આવા વિસ્તારોનું લિસ્ટ બનાવી તેવા વિસ્તારોમાં કચરાપેટી મૂકવામાં આવે તે જરૂરી બન્યુ છે.
કચરાપેટી મુકવા રજૂઆત કરી હતી
‘ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર શરૂઆતમાં જ ઠાકોરવાસની બહાર અને ગુરુકૃપા સોસાયટીની બહાર રોડ પર નખાતા કચરા અંગે વિસ્તારના નાગરીક દ્વારા નગરપાલિકાને લેખિત રજૂઆત કરાઈ હતી અને કચરાપેટી મુકી સમયસર ત્યાંથી કચરાનો નિકાલ કરવા સંદર્ભે માગ કરવામાં આવી હતી. ત્રણેક મહિના થયા છતાં હજુ સુધી આ અંગે નિર્ણય લેવાયો નથી. જ્યારે કેટલાય દિવસોથી નડિયાદ નગરપાલિકામાં જ કચરાપેટી પડી રહી છે. ત્યારે આસપાસમાં સ્કૂલ હોવાના કારણે ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ બિમાર પડી શકે છે.’ – અશોકભાઈ, સ્થાનિક રહિશ.
શહેરના અનેક જાહેરમાર્ગો પર સફાઈ કર્મીઓ ફાળવ્યા જ નથી
નડિયાદ નગરપાલિકાના સેનેટરી વિભાગ શહેરના માત્ર મુખ્ય રસ્તા જ ચમકાવામાં વ્યસ્ત રહેતો હોય તેમ જણાઈ રહ્યુ છે. રાત્રિ સફાઈ અને વહેલી સવારે થતી સફાઈમાં જૂજ માત્ર મુખ્ય રસ્તાઓની પસંદગી કરાઈ છે અને ત્યાં જ સફાઈકર્મીઓ ફાળવી સફાઈ થઈ રહી છે. તેની બદલે અનેક જાહેરમાર્ગો પર સફાઈકર્મીઓ ફાળવાયા નથી. જેમાં મરીડા રોડથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તરફ, મરીડા ભાગોળથી ચકલાસી ભાગોળ, ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ, મરીડા ભાગોળથી કબ્રસ્તાન ચોકડી, સંતઅન્ના ચોકડીથી જવાહરનગર તરફ તો મીલ રોડ સર્કલથી ફાટક સહિતના જાહેરમાર્ગો પર સફાઈ થતી નથી.