ભારતની રાજધાની નવી દિલ્હી અમીર અને વગદાર બાપાઓના વંઠી ગયેલા નબીરાઓ માટે જાણીતું છે. દિલ્હીની સડકો પર માતેલા સાંઢની જેમ ભટકતાં અને દાટ વાળતાં દરેક યુવાનો દાવો કરતા હોય છે કે તેઓ કોઈ નેતા સાથે કે કોઈ ઉચ્ચ અમલદાર સાથે સંબંધો ધરાવે છે. દિલ્હીની પોલીસ તેમાંના કોઈ નબીરાને કોઈ ગુના માટે પકડે કે તરત તેના ઉપરી અધિકારી પર ઉપરથી ફોન આવવાના શરૂ થઈ જાય છે અને તેને તત્કાળ છોડી દેવાની પોલીસને ફરજ પડતી હોય છે.
ગઈ ૩૧મી ડિસેમ્બરની કમનસીબ રાતે જે પાંચ નશેબાજ યુવાનો દ્વારા ૨૦ વર્ષની યુવતીને બલેનો કાર નીચે કચડી નાખવામાં આવી તેમાંનો એક મનોજ મિત્તલ દિલ્હી મહાનગરપાલિકાના વોર્ડ ૪૨માં ભાજપનો સહસંયોજક હતો, તેવું રસ્તા પર લટકાવવામાં આવેલા હોર્ડિંગ પરથી ફલિત થાય છે. દેશભરમાં ૩૧મી ડિસેમ્બરની રાતે બળાત્કાર, અપહરણ અને હત્યાની સંખ્યાબંધ ઘટનાઓ બનતી હોય છે. દિવાળીમાં ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવામાં હોંશિયાર આપણી સરકાર ક્યારેય ૩૧મી ડિસેમ્બરની રાતે યોજાતી શરાબ અને શબાબની મહેફિલો પર પ્રતિબંધ મૂકતી નથી.
દિલ્હીમાં ૨૦ વર્ષની અંજલિની ઘટના જોયા પછી અમદાવાદમાં વર્ષો પહેલાં બનેલી બિજલ જોષીની ઘટના યાદ આવી જાય છે. ૨૦૦૩ની ૩૧મી ડિસેમ્બરે પોતાના પાંચ મિત્રો સાથે પાર્ટી કરવા ગયેલી બિજલ પર તેના મિત્રો દ્વારા હોટેલની રૂમમાં ગેન્ગરેપ કરવામાં આવ્યો હતો. બેભાન બિજલને હાઇ વે પર ફેંકી દેવામાં આવી હતી. ગેન્ગરેપને કારણે થયેલી બદનામી સહન ન થવાથી બિજલે એક અઠવાડિયા પછી આપઘાત કર્યો હતો. નવી દિલ્હીની ઘટનામાં જે યુવતીને પૂરપાટ વેગે દોડતી કાર દ્વારા કચડી નાખવામાં આવી તે પણ પોતાની સહેલી સાથે ખ્રિસ્તી નવા વર્ષની પાર્ટી કરવા નીકળી હતી. કહેવાય છે કે તે યુવતી દારૂના નશામાં ચકચૂર થઈને પોતાની સ્કુટિ ચલાવતી હતી. તેનો અકસ્માત થયો તે પછી યુવાનો તેના શરીરને ઘસડીને ૧૨ કિલોમીટર સુધી કારમાં ઘૂમતા રહ્યા હતા.
નવી દિલ્હીમાં ૩૧મી ડિસેમ્બરની મધરાત પછી જે દુર્ઘટના ઘટી તેના પરથી સંખ્યાબંધ અણગમતા સવાલો પેદા થાય છે, જેના જવાબો સમાજના હિતચિંતકોએ શોધવા જરૂરી છે. (૧) બે યુવતીઓ રાતે ૩ વાગ્યે દિલ્હીની સડકો પર કેમ સ્કુટિમાં ફરી રહી હતી? દિલ્હીની સડકો પર પૈસાદાર નબીરાઓ વહેલી સવાર સુધી કારમાં સડકો પર આવારા બનીને ઘૂમતા હોય તે સહજ વાત છે, જેની કોઈને નવાઈ નથી. ચાલતી કારે તેઓ દારૂ ઢીંચતા હોય છે, યુવતીઓનાં અપહરણો કરતાં હોય છે અને ગેન્ગરેપ પણ કરતા હોય છે. દર વર્ષે પોલીસના ચોપડે તેવી સંખ્યાબંધ ફરિયાદો નોંધાતી હોય છે. આ કિસ્સામાં સવાલ એ થાય છે કે બે યુવતીઓ રાતે ૩ કલાકે દિલ્હીની સડકો પર શું કરતી હતી? તેના જવાબમાં જાણવા મળે છે કે તેઓ પણ દિલ્હીની કોઈ હોટેલમાં ખ્રિસ્તી નવા વર્ષની પાર્ટી કરવા નીકળી હતી.
તેમણે પણ ચિક્કાર દારૂ પીધો હતો. હોટેલમાં તેમને કોઈ યુવાનો સાથે બોલાચાલી થઈ હતી. હોટેલમાંથી બહાર નીકળ્યા પછી નિધિ સ્કુટિ ચલાવતી હતી, કારણ કે અંજલિ નશામાં ચકચૂર હતી. અંજલિએ ઝઘડો કરીને નિધિ પાસેથી સ્કુટિની ચાવી લઈ લીધી હતી અને તે સ્કુટિ ચલાવવા લાગી હતી. અંજલિએ બોલેનો કાર સાથે સ્કુટિ પાછળથી ઠોકાવી હતી. સવાલ એ થાય છે કે અંજલિના અને નિધિનાં માબાપે તેમને આ રીતે મોડી રાતે પાર્ટી કરવાની મંજૂરી કેમ આપી હતી? શું સ્ત્રીએ પુરુષસમોવડી બનવા આ બધું કરવું જરૂરી છે?
(૨) યુવાનોએ અંજલિનો અકસ્માત થયો તે પછી કારને કેમ રોકી નહોતી? અંજલિની સ્કુટિ પાછળથી કાર સાથે અથડાઈ તેની જાણ કારમાં બેઠેલા યુવાનોને થવી જોઈતી હતી અને તેમણે કાર ઊભી રાખવી જોઈતી હતી. જો તેમણે સમયસર કારને ઊભી રાખી હોત તો કદાચ અંજલિ બચી ગઈ હોત. તેને બદલે નશામાં ભાન ભૂલેલા તે યુવાનો દિલ્હીની સડકો પર કારને દોડાવતા રહ્યા હતા. કારમાં ઘૂમતા તેઓ શરાબની અઢી બોટલ ગટગટાવી ગયા હતા. ૩૧મી ડિસેમ્બરની રાતે તેમને પાર્ટી કરવા માટે કોઈ હોટેલમાં જગ્યા ન મળવાને કારણે તેમણે ચાલતી કારમાં જ પાર્ટી કરવાનું નક્કી કર્યું હતું. અંજલિનો પગ કારમાં ફસાઈ ગયો ત્યારે તે જીવતી હતી. તેની ચીસો સાંભળીને યુવાનોએ કાર ઊભી રાખી હોત તો કદાચ અંજલિ બચી ગઈ હોત. તેઓ સુલતાનપુરીથી કાંઝાવાલાના ૧૨ કિલોમીટર લાંબા રસ્તા પર કારમાં ફસાઈ ગયેલી અંજલિને ઘસડતા રહ્યા હતા, જેને કારણે અંજલિ મરી ગઈ હતી. છેવટે અંજલિનો હાથ દેખાઈ જતાં તેઓ તેના મૃતદેહને રસ્તા પર મૂકીને ભાગી ગયા હતા. તેમણે અકસ્માત બાબતમાં પોલીસને જાણ કરવાની પોતાની ફરજ પણ બજાવી નહોતી.
(૩) સુલતાનપુરી અને કાંઝાવાલા વચ્ચે દિલ્હીની પોલીસ શું કરતી હતી? દિલ્હી પોલીસનો દાવો હોય છે કે તેઓ રાતના સમયે દિલ્હીની સડકો પર મજબૂત પહેરો ભરતા હોય છે. ૩૧મી ડિસેમ્બરની રાતે તો દારૂ પીને ડ્રાઇવિંગ કરવાના સંખ્યાબંધ બનાવો બનતા હોવાથી દિલ્હી પોલીસના દાવા મુજબ તેમનો ચોકીપહેરો અત્યંત કડક હોય છે. અહીં સવાલ એ થાય છે કે ૩૧મી ડિસેમ્બરની રાતે બલેનો કાર અંજલિના દેહને લઈને ૧૨ કિલોમીટર સુધી દિલ્હીની સડકો પર ઘૂમતી રહી તો પણ પોલીસને તેની કેમ જાણ નહોતી થઈ? શું સુલતાનપુરી અને કાંઝાવાલા વચ્ચેના ૧૨ કિલોમીટરના વિસ્તારમાં એક પણ પોલીસ ચોકી નથી? શું તેમાં પહેરો ભરી રહેલા પોલીસો ઊંઘતા હતા? શું તેમને દારૂ પીને કાર ચલાવતા યુવાનો દેખાયા નહોતા? કે તેમાંનો એક ભાજપ સાથે સંકળાયેલો હોવાથી પોલીસે તેમને અટકાવ્યા નહોતા? શું તેમને કારમાં ફસાઈ ગયેલો અંજલિનો દેહ દેખાયો નહોતો? આ ઘટનાના એક સાક્ષીએ જણાવ્યું હતું કે તેણે પોલીસને માહિતી પણ આપી હતી કે બલેનો કાર એક યુવતીના દેહને ઘસડીને લઈ જઈ રહી છે, પણ પોલીસ દ્વારા તેને રોકવામાં આવી નહોતી. જો તેમણે સમયસર કારને અટકાવી હોત તો કદાચ અંજલિનો જીવ ન બચાવી શકાયો હોત?
(૪) અંજલિની સ્કુટિને અકસ્માત નડ્યો તે પછી નિધિ શું કરતી હતી? હોટેલમાં પાર્ટી કરીને આવેલી અંજલિ અને નિધિ બંને સ્કુટિ પર સવાર થઈને પાછા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યાં તેમની સ્કુટિને અકસ્માત નડ્યો હતો. અંજલિ કાર સાથે ઘસડાઈ ગઈ પણ નિધિ રોડ તરફ ફેંકાઈ ગઈ હતી. તેના શરીર પર સામાન્ય ઉઝરડા પડ્યા હતા પણ તે બચી ગઈ હતી. તે તરત ઊભી થઈ ગઈ હતી અને પોતાના ઘરે પહોંચી ગઈ હતી. અહીં સવાલ એ થાય છે કે નિધિ બચી ગઈ ત્યારે તેને ખબર હતી કે અંજલિ રોડ પર નહોતી પણ કાર સાથે ઘસડાઈ ગઈ હતી.
તો તેણે પોલીસને કેમ તરત જાણ નહોતી કરી? જો તેણે ૧૦૦ નંબર પર ફોન કરીને પોતાની ઓળખ આપ્યા વિના પણ પોલીસને જાણ કરી હોત તો કદાચ અંજલિ બચી ગઈ હોત. નિધિ એવી કેવી મિત્ર હતી કે તેણે અંજલિ સાથે દારૂ પીધો હતો, પણ તેનો અકસ્માત થયો તે પછી તેનો જીવ બચાવવા કંઈ ન કર્યું? શું આજના જમાનામાં મિત્રો પણ એવા જ હોય છે કે પોતાનો સ્વાર્થ સરી જાય તે પછી છોડીને જતા રહે છે? શું આજના યુવાનોને જિંદગી જીવતા નથી આવડતું કે ક્ષુલ્લક સુખ મેળવવા મધરાતે દારૂની પાર્ટી કરવી પડે છે અને સડકો પર રખડવું પડે છે? શું આ યુવકયુવતીનાં માતાપિતાઓ તેમની જવાબદારી ચૂકી નથી રહ્યાં? શું ભારતનું યુવાધન આ રીતે વેડફાઈ રહ્યું છે તે જોઈને સરકારને કંઈ ફરક પડતો નથી?