અમદાવાદ : વિધાનસભા અને લોકસભામાં ગુજરાતમાં (Gujarat) બનેલી બળાત્કાર (Rape) અને સામુહિક બળાત્કારના ગુનાના આંકડાની વિસંગતતા દર્શાવે છે કે કેન્દ્રની સરકાર અથવા ગુજરાતની સરકાર બેમાંથી કોઇ એક જૂઠ્ઠુ બોલી રહી છે. પહેલા ભાજપ (BJP) નક્કી કરે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં ખોટા આંકડા દર્શાવ્યા છે કે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહએ લોકસભામાં ખોટા આંકડા દર્શાવ્યા છે ? કેન્દ્ર અને ગુજરાતના ગૃહ વિભાગમાંથી એક જેણે ખોટા આંકડા આપ્યાં હોય તેમની ઉપર કાર્યવાહી થવી જોઈએ. નૈતિકતાના આધારે વિધાનસભા કે લોકસભામાં ખોટા આંકડા આપનાર ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતુ કે, ગુજરાત રાજ્યની વિધાનસભામાં તારીખ ૧૦ માર્ચ ૨૦૨૨ના રોજ પુછાયેલા પ્રશ્નના જવાબમાં ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરેલા જવાબમાં વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ના બે વર્ષ દરમિયાન રાજ્યમાં બળાત્કારની ૩,૭૯૬ અને સામુહિક બળાત્કારની ૬૧ સામુહિક બળાત્કારના ગુના નોંધાયા છે. જ્યારે તારીખ ૨૦ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ લોકસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગુજરાત રાજ્યમાં નોંધાયેલા બળાત્કાર અને સામૂહિક બળાત્કારના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. લોકસભામાં દર્શાવેલા આંકડા પ્રમાણે વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ દરમિયાન બે વર્ષમાં ૧૦૭૫ બળાત્કાર અને સામૂહિક બળાત્કારના ૩૫ ગુના નોંધાયા હતા. લોકસભામાં કેન્દ્રની સરકાર દ્વારા ૨૦૨૦ અને ૨૦૨૧ના બે વર્ષની બળાત્કારના ૨૭૨૧ અને સામૂહિક બળાત્કારના ૨૬ ગુના, ગુજરાત વિધાનસભા કરતાં ઓછા દર્શાવવામાં આવ્યા છે.