જૈનોની ગણના મહાજન તરીકે થાય છે. તેઓ બળથી નહીં પણ કળથી સરકારમાં પોતાનાં કામો કઢાવી લેતાં હોય છે. જૈનો પોતાની માગણીઓને લઈને ક્યારેય રસ્તા પર આવ્યાં હોય તેવું બનતું નથી. તેમ છતાં ભારતભરનાં શ્વેતાંબર અને દિગંબર જૈનો ગુસ્સામાં છે અને તેઓ રસ્તા પર આવી ગયાં છે, કારણ કે તેમના શ્રી શત્રુંજય ગિરિરાજ અને શ્રી સમ્મેતશિખરજી તીર્થની પવિત્રતા જોખમાઈ ગઈ છે. શ્રી શત્રુંજય ગિરિરાજ પર શ્રી આદેશ્વર ભગવાનની પ્રાચીન પાદુકા તોડી પાડનારાં તોફાનીઓને ગુજરાત સરકાર છાવરી રહી છે તો શ્રી સમ્મેતશિખરજી ઉપર ઝારખંડની સરકાર પર્યટન સ્થળ બનાવવા માગતી હોવાથી જૈનો નારાજ છે. તેમને લાગે છે કે જો શ્રી સમ્મેતખિખરજી પર્યટન સ્થળ બનશે તો ત્યાં માંસ અને મદિરાનું દૂષણ વધી જશે. જૈનો દ્વારા સરકારશ્રી સમક્ષ રજૂ કરવામાં આવેલી ૨૦ માગણીઓ પરથી તેમના આટલા ગુસ્સાનું કારણ જાણવા મળે છે.
(૧) તા. ૨૬-૧૧-૨૦૨૨ના શ્રી શત્રુંજયની તળેટીમાં આવેલાં રોહીશાળામાં શ્રી આદેશ્વર પ્રભુના પવિત્ર અને પ્રાચીન પગલાંને જૈનોની ધાર્મિક લાગણી દુભવવાના બદઇરાદાથી ખંડિત કરનારા તેમ જ તેની ઉશ્કેરણી કરનારાં તમામ તત્ત્વોની અટકાયત કરીને તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવે. (૨) શ્રી શત્રુંજય ગિરિરાજમાં ઠેકઠેકાણે ગેરકાયદે ખોદકામ ચાલી રહ્યું છે, જેમાંથી રેતી, કપચી, પથ્થર વગેરેનો કરોડો રૂપિયાનો ગેરકાયદે કારોબાર ચાલી રહ્યો છે. આ ખાણકામને કારણે શ્રી શત્રુંજય ગિરિરાજની ટેકરીઓ અંદરથી પોલી થઇ રહી છે અને તેમાં તિરાડો પડી રહી છે. આ ગેરકાયદે ખાણકામ તાત્કાલિક અટકાવવામાં આવે અને તેમાં જે ઇસમો સંડોવાયેલા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.
(૩) જૈન ધર્મનાં દ્વેષી તત્ત્વો શરણાનંદ બાપુ નામના સાધુને હાથો બનાવીને પાલીતાણામાં અને સમગ્ર ગુજરાતમાં જૈન ધર્મ અને સનાતન ધર્મના અનુયાયીઓ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માગે છે. આ માટે તેઓ ભાષણો, લેખો, વીડિયો વગેરે દ્વારા સોશ્યલ મીડિયામાં જૈનો સામે ઝેરી પ્રચાર કરી રહ્યાં છે. આવાં તમામ અસામાજિક તત્ત્વો સામે આઇ.પી.સી. ૧૫૩ A મુજબ કાર્યવાહી કરીને તેમને તડીપાર કરવામાં આવે. (૪) નીલકંઠ મહાદેવના મંદિરની નજીક આવેલા જૈનોના પ્રાચીન અને પવિત્ર સૂરજકુંડમાં પણ કેટલાંક અસામાજિક તત્ત્વો પોતાનો અડ્ડો જમાવીને બેસે છે અને જૈનોની ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃત્તિઓ કરે છે. તેમણે આજુબાજુની જમીનો પર જે અતિક્રમણ કર્યું છે તેને પણ તાત્કાલિક દૂર કરવામાં આવે.
(૫) સૂરજકુંડ વિસ્તારમાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ ગુંડાઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. તેને કારણે સૂરજકુંડનાં દર્શન કરવા જતાં યાત્રિકોમાં અસલામતી પેદા થઈ છે. ભૂતકાળમાં યાત્રિક બહેનનું અપહરણ કરીને તેમની હત્યા પણ કરી નાખવામાં આવી હતી. સરકાર સત્વરે સૂરજકુંડમાં અડ્ડો જમાવીને બેઠેલાં અસામાજિક તત્ત્વોને દૂર કરે તેવી જૈનોની માગણી છે. (૬) શ્રી શત્રુંજય ગિરિરાજનું ચડાણ શરૂ થાય ત્યાં મના ભરવાડ નામના માથાભારે ઇસમ દ્વારા ગેરકાયદે દુકાન ઊભી કરી દેવામાં આવી છે, તે અતિક્રમણ તાત્કાલિક દૂર કરવામાં આવે. મના ભરવાડ દ્વારા ગરીબ ડોળીવાળાઓ પાસેથી જબરદસ્તી વસૂલી કરવામાં આવી રહી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે.
(૭) શ્રી શત્રુંજયની તળેટીમાં મુખ્ય સડકની બાજુમાં લારી-ગલ્લા દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, જેને કારણે રસ્તે ચાલતાં યાત્રિકો અને પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને અડચણ થાય છે. આ દબાણો દૂર કરવામાં આવે અને લારી-ગલ્લાવાળાની રોજીરોટી ટકી રહે તે માટે તેમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે. (૮) શ્રી શત્રુંજય ગિરિરાજની તળેટી નજીક, ડુંગર પર આવેલી ગોચર જમીનમાં કેટલાંક લોકોને ગેરકાયદે વસાવવામાં આવી રહ્યાં છે. તેને કારણે પવિત્ર ગિરિરાજ પર ગંદકી વધી રહી છે. સરકારે ગોચરની જમીન પર થતું અતિક્રમણ રોકવું જોઈએ અને ગિરિરાજ પર કોઈ વસવાટ ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ.
(૯) શ્રી શત્રુંજય ગિરિરાજ પરાપૂર્વથી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આધિપત્ય હેઠળ હતો. અકબર બાદશાહે ફરમાન દ્વારા પણ આ હકીકતની પુષ્ટિ કરી હતી. વચ્ચેના કાળમાં જૈનોના ન્યાયપૂર્ણ અધિકારો પર જે અતિક્રમણ થયું હતું તે સુધારી લેવામાં આવે અને જૈનોના તમામ અધિકારો માન્ય રાખવામાં આવે. (૧૦) શ્રી શત્રુંજયની તળેટીમાં શ્રી જંબુદ્વીપના પાછળના ભાગમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. તેમાં દેશી દારૂ ગાળીને તેને પાલીતાણામાં તેમ જ આજુબાજુનાં ગામડાંઓમાં વેચવામાં આવે છે.આ દારૂની ભઠ્ઠીઓ તાત્કાલિક બંધ થવી જોઈએ અને તે ચલાવનારા ઈસમો સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ.
(૧૧) શ્રી શત્રુંજય ગિરિરાજની ઉપરની અનેક મિલકતો ખોટી રીતે ખાનગી નામે ચડી ગઈ છે. તેનો ઉપયોગ રિસોર્ટ આદિ બનાવવા માટે થાય છે, જેને કારણે તીર્થની પવિત્રતા ખતમ થઈ જવાનો ભય પેદા થયો છે. આ ફેરફારોને રદ કરવામાં આવે અને શત્રુંજય તીર્થની જમીન જૈનોને પાછી સુપરત કરવામાં આવે. (૧૨) પાલીતાણા ડોળી એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ મનાભાઈ ભરવાડ દ્વારા ગિરિરાજની જમીન પર અતિક્રમણ કરીને ગેરકાયદે મકાન વગેરે બાંધી કાઢવામાં આવ્યાં છે, તેને તાત્કાલિક દૂર કરવામાં આવે. (૧૩) મનાભાઈ ભરવાડ દ્વારા પાલીતાણા ડોળી એસોસિયેશનના હિસાબોમાં મોટા પાયે ગોટાળા કરવામાં આવ્યા છે. તેના હિસાબોનું ઓડિટ કરવામાં આવે અને પૈસાની ઘાલમેલ કરનારાને સજા કરવામાં આવે.
(૧૪) પાલીતાણાની ધર્મશાળાઓ પાસેથી સરકાર ટેક્સ ઉઘરાવતી હોવા છતાં નગરપાલિકા દ્વારા પીવાનાં શુદ્ધ પાણીની સવલત આપવામાં આવતી નથી, જેને કારણે ટેન્કરોનું અશુદ્ધ પાણી પીને લોકો માંદાં પડે છે. પાલીતાણા નગરપાલિકા દ્વારા તમામ ધર્મશાળાઓને પીવાનું શુદ્ધ પાણી મળે તેની વ્યવસ્થા થવી જોઈએ. (૧૫) ભારતનાં અનેક તીર્થોમાં સરકારશ્રી દ્વારા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેનાથી યાત્રિકોની સલામતી સચવાય અને તીર્થ અતિક્રમણથી મુક્ત રહે. શ્રી શત્રુંજય ગિરિરાજ જૈન ધર્મનું ટોચનું તીર્થ હોવાથી સરકાર દ્વારા આ સુવિધા પૂરી પાડવી જોઈએ.
(૧૬) શ્રી શત્રુંજય ગિરિરાજ પર ચડવાના રસ્તામાં ઘણી વખત માલધારીનાં ઢોરો આવી જાય છે, જેને કારણે યાત્રિકોને ઇજા થવાની સંભાવના રહે છે. જૈનો જીવદયામાં માનતાં હોવાથી આ ઢોરો પણ નાહકનાં હેરાન ન થાય તે માટે તેમના માટે ગોચરની ઉચિત વ્યવસ્થા સરકારશ્રી તરફથી થવી જોઈએ. (૧૭ ) પાલીતાણા નગરમાં ઇંડાં, માંસ, મચ્છી વગેરેના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં તેનો કાયમ ભંગ થતો હોય છે, જેને કારણે તીર્થની પવિત્રતા જોખમાઇ જતી હોય છે. સરકારે આ પ્રતિબંધનો કડક અમલ કરાવવો જોઈએ અને શેત્રુંજી નદીમાં ક્યાંય મચ્છીમારી ન થાય તેનો બંદોબસ્ત કરવો જોઈએ.
(૧૮) તા.૧૬-૯-૨૦૨૨ના ભાવનગરના કલેક્ટરની હાજરીમાં જે મીટિંગ મળી તેમાં નક્કી થયા મુજબ શ્રી શત્રુંજય ગિરિરાજની માપણી કરાવીને તેના પર કરવામાં આવેલાં તમામ દબાણો દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયનો અમલ કરીને તમામ દબાણો તાત્કાલિક દૂર કરવાં જોઈએ. (૧૯) ગુજરાત હાઈ કોર્ટના ચુકાદામાં પણ શ્રી શત્રુંજય ગિરિરાજ પરના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના અધિકારોને માન્ય રાખવામાં આવ્યા છે. આ અધિકારોનો અમલ કરવાની જવાબદારી સરકારની છે. સરકારશ્રી તેમની જવાબદારી નિભાવે અને ગિરિરાજની પવિત્રતા ટકાવી રાખે તેવી જૈનોની માગણી છે. (૨૦) શ્રી સમ્મેતશિખરજી તીર્થની પવિત્રતાની રક્ષા કરવા માટે તેને પર્યટન સ્થળ ઘોષિત કરવાની કાર્યવાહી પર કાયમી રોક લગાવી તેને જૈન પૂજાસ્થળ (Jain Place of Worship) જાહેર કરવામાં આવે.