ચીન થોડા થોડા સમયે ભારતની સીમામાં ઘૂસવાનો અને ભારતની જમીન પર કબજો જમાવવાના પ્રયાસો કરતું રહે છે અને દર વખતે તે ભારતીય જવાનોના હાથે માર ખાતું રહે છે. ચીન એક એવો દેશ છે જેને તેના તમામ પડોશી દેશો સાથે સીમાવિવાદ છે અને એ તમામ પડોશી દેશોની જમીન હડપવાના પ્રયાસ કરતું રહે છે. ભારત હાલ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ વિકાસના પંથે છે. ભારત નવાં નવાં શસ્ત્રો વિકસાવવા તરફ આગળ વધી રહ્યું છે. આપણે હવે આવનાર સમયમાં આયાતી શસ્ત્રોની એટલી જરૂર પડવાની નથી. ભારત હવે આત્મનિર્ભર થતું જાય છે તેમ છતાં પાકિસ્તાન અને ચીનની અવળચંડાઇને કારણે આપણે સીમા સાચવવા લશ્કર અને શસ્ત્ર સરંજામમાં પુષ્કળ ખર્ચો કરવો પડે છે.
કંગાળ થઇ ગયેલું પાકિસ્તાન હજુય ભારત સાથે દુશ્મની છોડવા તૈયાર નથી અને આ જ કારણે પાકિસ્તાન હાલ બરબાદીના પંથે છે. ભારતે હવે પાકિસ્તાનને અને ચીનને સબક શીખવવાની જરૂર છે. ચીનના તમામ દુશ્મન દેશોને ભેગા કરી રણનીતિ બનાવી એકજૂથ થઇ ચીન પર એક મોટું આક્રમણ કરીને તેને ખોખરું કરવાની જરૂર છે. બદલાયેલા સમયમાં ભારતે હવે ચીનથી ડરવાની કોઈ જરૂર નથી. મજબૂત ગણાતા રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે ગણતરી હતી કે યુક્રેન 10 15 દિવસમાં જ હથિયાર ફેંકી શરણે આવશે પરંતુ એવું થઈ શક્યું નથી.
યુનોના ઘણા દેશોએ યુક્રેનને હથિયારની અને અન્ય મદદ પહોંચાડતા રશિયાને હજુએ જીત મળી શકી નથી તેવી જ રીતે જો ભારત પણ ચીન પર આક્રમણ કરે તો પછી ચીનની દાદાગીરીથી કંટાળેલા દેશો પણ જો યુદ્ધમાં જોડાય તો પરિણામ કંઈક જુદું જ હોય, જેવી રીતના યુક્રેનમાં આપણે જોઈ રહ્યા છીએ ..વારંવારની ચીન પાકિસ્તાનની દાદાગીરી સહન કરવા કરતાં તો એક વખતનું યુદ્ધ લડી લેવું એ જ કાયમી ઉપાય છે. યુદ્ધ લડવાથી કોઈનું ભલું થતું નથી એ સાચું છે પરંતુ સંજોગોવશાત્ યુદ્ધ લડવું પડે તો જ ભલું થતું હોય તો એ યુદ્ધ લડી જ લેવું જોઈએ.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પ્રાઈવેટ ક્લિનિકમાં ફ્રોડની આશંકા
આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. તમો પ્રાઈવેટ ક્લીનીકમાં તમારી શારીરિક સમસ્યાના નિદાન માટે જાઓ એટલે રિસેપ્શન કાઉન્ટર પર તમારું નામ, ઉંમર, એડ્રેસ અને પછી જન્મ તારીખ પણ પૂછવામાં આવે. ક્લીનિકવાળાને તમારી જન્મ તારીખ સાથે શું લેવાદેવા છે? નિદાનના પૈસા (ફી) તો પહેલેથી જ લઈ લેવામાં આવે છે પછી દર્દીના ભાગી જવાનો કે પૈસા ના ચૂકવવાનો તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. શા માટે DOB આપી દે એના તેમને પૈસા મળે અને ભવિષ્યમાં તમારી સાથે ફ્રોડ થવાના ચાન્સ રહે. આવી ક્લીનિકોનું સ્ટીંગ ઓપરેશન થાય તો જ ખબર પડે કે આ લોકો આવી માહિતીનો શું ઉપયોગ કરે છે? કોઈ પણ વ્યકિતએ પોતાની DOB આવી જગ્યાઓ પર આપવી જોઈએ નહિ.
સુરત – પ્રફુલ એમ. કંસારા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.