અમદાવાદ: સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોના (Corona)ની કહેર વધી રહ્યો છે. ખાસ કરીને ચીનમાં જે પ્રકારે કોરોના ફેલાઈ રહ્યો છે તેને લઈને વિશ્વના અનેક દેશો ચિંતામાં આવી ગયા છે. ભારત સરકાર પણ કોરોના ફરી દેશમાં ન ફેલાઈ તે માટે અનેક પ્રયાસો કરી રહી છે. આ વચ્ચે ગુજરાત (Gujarat) રાજ્યમાં આરોગ્ય વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. કોરોનાનો ફેલાવો અટકાવવા માટે સરકારે જે લોકોએ કોરોનાની રસી (Vaccine) નથી લીધી તેઓને રસી લઇ લેવા માટે અપીલ કરી રહી છે. પરંતુ આ અપીલ વચ્ચે જ્યાં એક તરફ કોરોનાની રસીની અછત વર્તાઈ રહી છે ત્યાં બીજી તરફ ગુજરાતમાં કોરોનાની રસીના લાખો ડોઝ બગડી ગયા છે. આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે આજે આટલો મોટી સંખ્યામાં ડોઝ બગડી (Waste) જતા લોકોમાં રોષ ફેલાયો છે.
કોરોના રસીનો સૌથી વધારે બગાડ ગુજરાતમાં થયો
રાજ્યમાં કોરોનાના કેસો ભલે ઓછા આવી રહ્યા છે. પરંતુ તેમ છતાં સરકાર તેમજ આરોગ્ય વિભાગ લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી રહી છે. પરંતુ અહી તો આરોગ્ય વિભાગ જ બેદરકારી દાખવતું હોય તો લોકોને શું કહેવું? ગુજરાત આરોગ્ય વિભાગની બેકાળજીને લીધે કોરોનાની રસીના 22,28,435 ડોઝ બગડી ગયા હતા. કોરોનાની રસી લેવા માટે લોકો હેલ્થ સેન્ટર પર જાય છે તો તેઓને અહી રસીનો કોઈ સ્ટોક નથી તેવા બોર્ડ મારેલા જોવા મળે છે. આ વચ્ચે આ પ્રકારની બેદરકારીનાં પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કર્ણાટક, બિહાર, મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ અને પંજાબ કરતાં કોરોના રસીનો સૌથી વધારે બગાડ ગુજરાતમાં થયો છે. રસી સચાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં રસીનો બગાડ થયો છે. કોવિશિલ્ડ કરતાં કોવેક્સિન રસીનો વધુ બગાડ થયો છે. આમ ગુજરાત સરકારની બેદરકારી બહાર આવી છે.
છેલ્લા 10 દિવસથી કોરોનાના રસીનો સ્ટોક પૂરો થઇ ગયો છે
કેન્દ્રીય આરોગ્ય વિભાગે રજૂ કરેલાં રિપોર્ટ અનુસાર, તા. 3જી ઓગષ્ટ 2021 સુધી કેન્દ્રએ 1,92,60,400 ૨સીનો જથ્થો આપ્યો હતો. જયારે રાજ્યની ખાનગી હોસ્પિટલોએ ૯.૫૫ લાખ કોવિશિલ્ડ અને 40,410 કોવિક્શીન રસી ખરીદી હતી. કેન્દ્ર સરકારે ગુજરાતને કોવિશિલ્ડ અને કોવેક્સીન રસીનો જથ્થો પુરો પાડ્યો હતો. જોકે, ગુજરાતમાં મોટાભાગના લોકોએ કોવિશિલ્ડ જ ૨સી લીધી છે. મ્યુનિસિપલ સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસથી કોરોનાના રસીનો સ્ટોક પૂરો થઇ ગયો છે. રાજ્ય સરકાર પાસે મંગાવવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી સ્ટોક આવ્યો નથી. આમ એક બાજુ લોકોને ડોઝ મળી રહ્યાં નથી બીજી તરફ રસીનો બગાડ થઇ રહ્યો છે.