સુરત : સચિન જીઆઈડીસી (Sachin GIDC) પોલીસ સ્ટેશનમાં એમડી ડ્રગ્સના (MD Drugs) કેસમાં વોન્ટેડ (Wanted) આરોપીને (Accused) પકડવા માટે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી હતી. આરોપી ફરાર હતો પણ તેના પિતા દોઢેક મહિનાથી ઘરમાં પથારીવશ હાલતમાં પડેલા હતા. તેમની દયનિય હાલત જોઈને પોલીસ એક સંસ્થાને જાણ કરી હતી. અને વૃદ્ધને આશ્રમમાં સોંપ્યા હતા.
- સચિન જીઆઈડીસી પોલીસના એએસઆઈ કીશોર પાટીલ અને સહદેવસિંહએ સંસ્થાને બોલાવી વૃદ્ધને આશ્રમમાં મોકલ્યા
- પોલીસ એમડી ડ્રગ્સ કેસના વોન્ટેડ આરોપીને પકડવા ઘરે જતા પિતા દોઢેક મહિનાથી પથારીવશ હાલતમાં પડેલા હતા
- ખાખીનો માનવતાનો વધુ એક રંગ છલકાયો, ફરાર આરોપીના દયનીય હાલતમાં પડેલા પિતાને આશ્રમમાં સોંપ્યા
ડ્રગ્સના રવાડે ચડેલા પુત્રને તેના પરિવારની પણ પડી નથી હોતી તેનો જીવંત કિસ્સો આજે જોવા મળ્યો હતો. ડ્રગ્સ કઈ હદ સુધી યુવાનોને હેવાન બનાવી શકે છે તેનો આ દાખલો છે. સુરત પોલીસના ચોપડે મોસ્ટ વોન્ટેડ આરોપી પપ્પુને ઉર્ફે પ્રવિણ વખારેને શોધવા સચિન જીઆઈડીસી પોલીસના એએસઆઈ કીશોર પાટીલ અને સહદેવસિંહ ઉધના ખાતે શક્તિ નગર, પ્લોટ નંબર – 74 માં તેની શોધખોળ કરવા ગયા હતા. ત્યારે દરવાજાને બહારથી આંકડો હતો. અને અંદરથી દુર્ગંધ આવતી હતી. પોલીસે અંદર જઈને જોતા આરોપીના પિતા રામલાલ કાંતિલાલ વખારે (ઉ.વ.67) કફોડી સ્થિતિમાં પથારીવશ પડેલા હતા. અંદરના દ્રશ્યો જોઈને પોલીસની આંખો પહોળી થઈ ગઈ હતી. અને ખાખીની અંદર રહેલા વ્યક્તિની આંખો પણ નમ થઈ ગઈ હતી. આ વૃદ્ધ અંદર પથારીવશ હતા, તેમની આજુબાજુ કીડા ચાલતા હતા. તેઓ ચાલી નહીં શકતા હોવાથી આસપાસ ટોયલેટ અને શૌચ પડેલું હતું. જેના લીધે ખુબ જ ખરાબ અને દુર્ગંધ મારતી હતી. આ જોઈને સચિન ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કિશોરભાઈ પાટીલ અને હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહે તાત્કાલિક વૃદ્ધને પરવટ પાટિયાની એક સંસ્થાને જાણ કરી હતી. અને આ સંસ્થાને સોંપતા ત્યાં આ વૃદ્ધને નવુ સ્વસ્થ જીવન અપાયું હતું. આમ ખાખીનો વધુ એક માનવતાનો રંગ આજે જોવા મળ્યો હતો.
આરોપીએ પડોશીઓને મારુ ઘર અને મારા પિતા છે, હું ગમે તેમ રાખું તેમ કહ્યું હતુ
સચિનનો વોન્ટેડ આરોપી પપ્પુ અઢી મહિનાથી પિતાને ઘરમાં એકલો છોડી ફરાર થયો હતો. તો બીજી તરફ પપ્પુના પિતા પથારીવશ છે, તેથી ઘરમાં કોઈ નહીં હોવાથી તેમના શરીરની આસપાસ કીડા પડવા લાગ્યા હતા. પોલીસ તપાસ કરવા જતા પપ્પુના પિતાની સ્થિતિ સામે આવી હતી. પોલીસે પડોશીઓને પુછ્યું તો જાણવા મળ્યું કે તે એક બે વખત ઘરે આવ્યો ત્યારે ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાનું કહેતા આ પપ્પુએ પડોશીઓને તેનું ઘર છે અને તેના પિતા છે તમારે ચિંતા કરવાની જરૂર નથી તેવું કહીને જતો રહ્યો હતો.