ભરૂચ: દહેજ ફેઝ-2માં વડદલા ગામે આવેલી કેન્સરની (Cancer) બીમારીઓના ઉપચારની દવા બનાવતી શિવાલીક રસાયણના ઓન્કોલોજી વેરહાઉસમાંથી 710.50 ગ્રામ કેન્સરની ₹39 લાખની કિંમતની બે દવાઓની (Medicines) ચોરીથી (Stealing) ખળભળાટ મચી ગયો હતો. વડદલા ગામે દહેજ ફેજ-2માં શિવાલીક રસાયણ કંપની આવેલી છે. કંપની કેન્સરના ઉપચારમાં વપરાતી જીવનરક્ષક દવાઓ બનાવે છે. ઓન્કોલોજી ફિનિશડ પ્રોડક્ટ વેરહાઉસમાં બાયોમેટ્રિક લોક ડોર સાથે અન્ય બે લોક દરવાજા વચ્ચે મુકાય છે. બ્રેસ્ટ કેન્સર, લુકેમિયા, કેમોથેરાપી સહિતની કેન્સરની બીમારીમાં વપરાતી કેપેસીટાબીન, બુસલફન, લેનાલીડોમાઇડ, બેન્ડામુસ્ટીન HCL અને બોરટીઝોમીબ દવા તૈયાર થયા બાદ તેને પ્લાસ્ટિકના 4 ડબ્બામાં ઓનકોલોજી વિભાગમાં મૂકવામાં આવે છે.
- ઓન્કોલોજીના ફિનિશ્ડ વેરહાઉસના વેન્ટિલેશનનો કાચ ખોલી તસ્કરોએ પ્રવેશ કર્યો
- બેન્ડામુસ્ટીન HCL અને બોરટીઝોમીબના 8 પ્લાસ્ટિકના ડબ્બામાંથી તૈયાર જીવનરક્ષક દવા ગાયબ
- ઓન્કોલોજી વેરહાઉસમાં સિનિયર એક્ઝિક્યુટિવ ત્રણ દરવાજા ખોલી દવાઓ લેવા જતાં ડબ્બા વેરવિખેર અને સીલ તૂટેલાં મળી આવ્યાં
- કંપની કેન્સરના ઉપચારમાં વપરાતી જીવનરક્ષક દવાઓ બનાવે છે
ગત 8 ડિસેમ્બરે ઓન્કોલોજી વેરહાઉસમાં સિનિયર એક્ઝિક્યુટિવ ત્રણ દરવાજા ખોલી દવાઓ લેવા જતાં ડબ્બા વેરવિખેર અને સીલ તૂટેલાં મળી આવ્યાં હતાં. ઘટનાની જાણ કંપનીના ઉચ્ચ અધિકારીઓ, પ્લાન્ટ હેડને કરાતાં તેઓ વેરહાઉસમાં દોડી આવ્યા હતા. જ્યાં વેરહાઉસના પાછળના ભાગે કાચની વેન્ટિલેશન કોઈ હથિયાર વડે ખોલી ચોરીને અંજામ અપાયો હોવાનું માલૂમ પડ્યું હતું.
દવાની તપાસ કરતાં બેન્ડામુસ્ટીન HCL 4 ડબ્બામાંથી 567 ગ્રામ ગાયબ હતો. જ્યારે અલગ અલગ 4 બેચનો બોરટીઝોમીબ 4 ડબ્બામાંથી 143.50 ગ્રામ ચોરી થયો હતો. કેન્સરની બંને દવાનો 710.50 ગ્રામ જથ્થો કિંમત રૂપિયા 39 લાખની ચોરી અંગે MD વિજય શેરાવતને જાણ કરાઈ હતી. જો કે, તેઓ અમેરિકા હોય બોર્ડ મીટિંગમાં ઠરાવ કર્યા બાદ એમ.ડી. પરત આવતાં પ્લાન્ટ હેડ જસવેન્દ્ર શેરાવતે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી .