ગાંધીનગર: હાલમાં ઉતરાયણ (Uttarayana) નો તહેવાર આવી રહ્યો છે. ગુજરાત (Gujarat) માં ઉતરાયણનાં તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ઉતરાયણમાં પ્રતિબંધિત પતંગની ચાઇનીઝ દોરીનું બેફામ વેચાણ થઇ રહ્યું છે. આ પ્રકારના દોરાના કારણે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે કેટલાક કિસ્સાઓમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. જેથી ઉતરાયણ પહેલા જ ગુજરાતમાં બેફામ વેચાતી જીવલેણ ચાઇનીઝ દોરી (Chinese lace)ના વેચાણને લઈને હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. ચાઇનીઝ દોરી મામલે હાઈકોર્ટે ગુજરાત સરકાર (Gujarat High Court)ને ટકોર કરી છે. હાઈકોર્ટે કડક શબ્દોમાં કહી દીધું છે કે ઘાતક દોરીથી નાગરિકોનું મોત થાય તે ચલાવી લેવામાં આવશે નહીં. તેમજ આ મામલે ખુલાસો માંગ્યો છે. બે દિવસમાં સરકાર (Government) ને જવાબ આપવા આદેશ કરવામાં આવ્યો છે.
પ્રતિબંધ છતાં બેફામ વેચાઈ રહી છે ચાઇનીઝ દોરી
ગુજરાતમાં ચાઇનીઝ દોરીનાં વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમ છતાં રાજ્યમાં અનેક શહેરોમાં બેફામ પણે ચાઇનીઝ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ચાઈનીઝ દોરી ખુબ જ ઘાતક હોય છે. સરકાર દર વર્ષે પોતે કાર્યવાહી કરતી હોવાની વાતો તો કરે છે તેમ છતાં દર વર્ષે ચાઇનીઝ દોરીનું વેચાણ પણ થાય છે અને આ જ દોરાના કારણે લોકો મોતને પણ ભેટે છે. જેથી આ મામલે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.
સરકારને બે દિવસમાં જવાબ આપવા આદેશ
આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. સરકાર ચાઇનીઝ દોરી પર પ્રતિબંધનો અમલ કઈ રીતે કરાવી રહી છે તેની જાણકારી માંગવામાં આવી છે. આ બાબતે બે જ દિવસમાં જવાબ આપવા આદેશ કરવામાં આવ્યો છે. સરકારની કાર્યવાહીને લઈને આગામી છઠ્ઠી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણીમાં હાઇકોર્ટ મોટા આદેશ પણ આપી શકે છે.
સુરત અને વડોદરામાં પતંગનાં દોરાથી મોત
હાલમાં જ સુરત અને વડોદરામાં પતંગના દોરાથી બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઉતરાયણ પહેલા જ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં કામરેજ વિસ્તારમાં ચાઈનીઝ દોરીથી એક શ્રમજીવીનું ગળું કપાઈ ગયુ હતું અને તેનું મોત નિપજ્યુ હતું. આ ઘાતક પતંગની દોરીથી આધેડ બાઈક ચાલકને ગળાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેનાથી તેઓ મોત થઈ ગયુ હતું. એવી જ રીતે વડોદરામાં આ ચાઇનીઝ દોરાના કારણે એક હોકી પ્લેયરે જીવ ગુમાવ્યો હતો. નવાપુરા વિસ્તારમાં રબારી વાસ પાસે ચાઇનીઝ દોરાનાં કારણે ગળું કપાતા આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું.