Madhya Gujarat

મેડિકલ કોલેજની 1995ની બેચનો સ્નેહમિલન સમારંભ યોજાયો

આણંદ : આણંદના કરમસદ ખાતે આવેલી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજની વર્ષ 1995ની બેચનો સ્નેહ સંમેલન યોજાયો હતો. જેમાં 55 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે જોડાયાં હતાં અને જુના યાદો તાજી કરી આનંદ માણ્યો હતો. હાલ આ બેચના અનેક વિદ્યાર્થી વિદેશમાં સ્થાયી થયાં છે. કરમસદ સ્થિત પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજની વર્ષ 1995ની બેચનો સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ભાઇકાકા યુનિવર્સિટી ખાતે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ એલમ્ની એસોસિએશનના સહયોગથી યોજાયો હતો. જેમાં 1995ની બેચના 55 વિદ્યાર્થીઓએ પરિવાર સહિત ભાગ લીધો હતો. આ ઉપરાંત આ બેચને શિક્ષણ પુરૂ પાડનારા ફેકલ્ટીને પણ આમંત્રિત કરવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમ યુનિવર્સિટીના લેક્ચર હોલમાં યોજાયો હતો. જ્યાં પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ડીન ડો. હિમાંશુ પંડ્યાએ સંસ્થાની માહિતી પુરી પાડી હતી. ભાઇકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડે ભાઇકાકા યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમની માહિતી આપી હતી. પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ એલમ્ની એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ ડો. મનિષા ગોહેલે ભાઇકાકા યુનિવર્સિટીના ચેરમેન અને માનદ્દ સેક્રેટરીનો શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે એલમ્ની એસોસિએશનના સેક્રેટરી ડો. રાજેશ પટેલ, ટ્રેઝરર ડો. ઉત્કર્ષ શાહ અને વિદ્યાર્થીઓએ જુની વાતો વાગોળી હતી. પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ફેકલ્ટી ડો. જ્યોતિ મન્નારી, ડો. ભાલેન્દુ વૈષ્ણવ, ડો. સ્મૃિત વૈષ્ણવ, ડો. ગિરિશ મિશ્રા, ડો. ભરત ગજજર, ડો. અલ્પા પટેલ અને ડો. હિતેશ શાહે પણ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી જૂની વાતો વાગોળી હતી. આ સ્નેહ સંમેલન કાર્યક્રમમાં નિયામકની ભૂમિકા 1995ની બેચના ડો. ચેતના રામાનુજે નિભાવી હતી.

Most Popular

To Top