સુરત : ચીનમાં (China) કોરોનાની (Corona) નવી લહેરને લીધે મિડલ ઇસ્ટ અને અમેરિકા સહિતના યુરોપના દેશોમાં બેક્ટેરિયા અને વાઇરસ ફ્રી ફેબ્રિક્સની ડિમાન્ડ નીકળી છે. કોરોના પછી નિટિંગ અને ગારમેન્ટિંગનાં આ પ્રકારના ફેબ્રિક્સ માટે બાંગ્લાદેશ, નેપાળ અને ઇન્ડોનેશિયા જેવા દેશ ચીન પર નિર્ભર હતાં. પણ હવે આ દેશોએ ભારતનાં ટેક્સટાઈલ સિટી સુરત (Surat) તરફ નજર દોડાવી ફેબ્રિક્સનાં ઓર્ડર આપવાનું શરૂ કર્યું છે.
દક્ષિણ ગુજરાતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને વૈશ્વિક કક્ષાએ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં આવી રહેલા નવા ટ્રેન્ડ વિશે માહિતગાર કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત સમાપન કાર્યક્રમને સંબોધતા આ ક્ષેત્રના નિષ્ણાંત વિષ્ણુ અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરતમાં વર્ષ 2000 માં સકર્યુલર નિટીંગમાં માત્ર 15 પ્લેયર હતા. તે સમયે નિટીંગનું કપડું સાડીના કપડા તરીકે ઓળખાયું હતું. ત્યારબાદ 200 જેટલા ઉદ્યોગકારોએ સકર્યુલર નિટીંગના મશીનો લગાવ્યા હતા.
દસ વર્ષ પહેલાં ચાઇનાથી કપડું આયાત થતું હતું, પરંતુ હવે સુરતમાં જ બનવા લાગ્યું છે. અને સુરતમાં ટોટલ કન્ઝમ્પ્શન થાય છે. નેપાળ, ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશ એ ચાઇના પર ડિપેન્ડ હતા. પણ હવે તેઓ સુરત તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. સુરતમાં વર્કીંગ પ્રોસેસ ઘણી ફાસ્ટ છે, આથી સુરત એ વર્ષ 2024-25 સુધીમાં ભારતનું ગારમેન્ટીંગ હબ બનવા જઇ રહ્યું છે. એસઆરટીઇપીસીનાં ચેરમેન ધીરુભાઈ શાહ કહે છે કે, ભારતમાં વપરાતા કુલ એમએમએફમાંથી 60 ટકા એમએમએફ સુરતમાં બને છે. સુરતથી જ બ્રાન્ડેડ કંપનીઓને કપડું જાય છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીએ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરવું પડશે અને આઇએસઓ સર્ટિફિકેશન વિગેરે તરફ ફોકસ કરવું પડશે.
કોર્પોરેટ પણ હવે કપડું ખરીદવા માટે સુરત આવી રહ્યા છે ત્યારે સુરત આખા વિશ્વ માટે મોટુ માર્કેટ છે. અશોક રાઠીએ જણાવ્યું હતું કે, કપડાં હવે સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયા છે. ખાસ કરીને કીડ્ઝ ગારમેન્ટમાં નેચરલ ફાયબરનો ઉપયોગ થાય છે. હવે મેન મેઇડ ફાયબરનો પણ ઉપયોગ થઇ રહ્યો છે. 1 થી 14 વર્ષ સુધીના બાળકોના સિઝન વાઇઝ તથા ઇવેન્ટ વાઇઝ કપડા બને છે. એમાં ગારમેન્ટ, મેથડ ઓફ એપ્લિકેશન, સોર્સ, જેન્ડર, શેપ એન્ડ સ્ટાઇલીંગને ધ્યાનમાં લેવામાં આવે છે. અત્યારે કીડ્ઝ વેરમાં જે માર્કેટ છે એ આગામી 5 વર્ષમાં હજી વધશે.
વોર્પ નિટિંગ અને સરકુલર નિટિંગ ઈન્ડસ્ટ્રી એ સુરતને મોટી તક આપી છે
વોર્પ-નિટિંગ ઇન્ડસ્ટ્રીનાં નિષ્ણાંત સુદર્શન મુંદડાએ જણાવ્યું હતું કે, સુરતમાં વોર્પ નિટીંગ અને સકર્યુલર નિટીંગ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ ગઇ છે. સુરતમાં ત્રણ પ્રકારની નિટીંગ થાય છે. જેમાં ટ્રાયકોટ, રાશલ અને વેફ્ટ ઇન્સર્શનનો સમાવેશ થાય છે. નિટીંગને કારણે ફેબ્રિકસમાં સ્ટ્રેન્થનેસ આવે છે. એની પ્રોડક્ટિવીટી ઘણી સારી છે. વર્તમાન સિનારીયોમાં સુરતના ફેબ્રિક્સનો ફેશન એપરલમાં 50%, સ્પોર્ટ્સ ફેબ્રિકસમાં 10%, ઓટોમોટીવ ફેબ્રિકસમાં 5% જ્યારે, હોમ ટેકસટાઇલ, ટેક્નિકલ ટેકસટાઇલ અને અન્ય ફેબ્રિક્સમાં ઉપયોગ થાય છે. વોર્ટ નિટીંગમાં સરળતાથી ડિઝાઇનીંગ થઇ રહ્યું છે. વર્ષ 2025 સુધીમાં વોર્પ નિટીંગનું માર્કેટ એ 35 બિલિયન યુએસ ડોલર થવા જઇ રહ્યું છે.