Dakshin Gujarat

વ્યારામાં ટેમ્પો પલટી જતાં બે બાળકનાં મોત, 25થી વધુ ઘાયલ

વ્યારા: (Vyara) વ્યારા નાની ચીખલી ગામની સીમમાં ચોરવાડ તરફ જતા વળાંક પર પુરપાટ ઝડપે જતો ટેમ્પો (Tempo) પલ્ટી ખાઈ જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં (Accident) બે બાળકોનાં કરૂણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં 20થી 25 લોકો ઘવાયા હતા. અકસ્માતમાં બે બાળકોનાં મોતના પગલે ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. ઇજાગ્રસ્તોની ચિચિયારીથી લોકો ભેગા થઈ ગયા હતા અને ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ અને ખાનગી વાહનની મદદથી સારવાર અર્થે વ્યારા સરકારી હોસ્પિટલ (Government Hospital) ખસેડાયા હતા. આ તમામ સોનગઢમાં આવેલ દેવલીમાડી માતાજીનાં દર્શન કરવા જઈ રહ્યા હતા તે વેળાએ આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.

  • માંડવીના પારડી ગામના આશરે ૧૫૦ જણા જુદાં જુદાં વાહનોમાં સોનગઢ દેવલીમાડી માતાનાં દર્શને નીકળ્યા હતા
  • નાની ચીખલીથી ચોરવાડ તરફ જતા ભયજનક વળાંક પાસે ગમખ્વાર અકસ્માત

સોનગઢ તાલુકાના દેવલીમાડી માતાજીના દર્શને જવાનુ નક્કી કરાયું હતુ. જેનાં માટે ઘર દીઠ રૂ. ૫૦૦ ફાળો ગામનાં આગેવાન કીકાભાઇ બનાભાઇ ચૌધરીએ ઉઘરાવ્યો હતો. આ ફળીયાના આશરે ૧૫૦ જેટલા લોકો દર્શને જવા તૈયાર થયા હતા પરંતુ તા. ૦૧/૦૧/૨૦૨૩ના રોજ ફળીયામા મૈયત થઇ ગયેલ હોવાથી તા.૦૨/૦૧/૨૦૨૩ના રોજ દેવલીવાડી માતાજીના દર્શને જવાનુ નક્કી કર્યુ હતુ, તા.૦૨/૦૧/૨૦૨૩ના રોજ સવારે છ વાગે ફળીયાના આશરે ૧૫૦ જેટલા લોકો દેવલીમાડી જવા માટે ભેગા થયા હતા. દેવલીમાડી જવા બોલેરો ગાડી ૦૨ તથા છોટા હાથી ૦૧ તથા ટેમ્પો નંબર GJ 19 X 6481 વાહનો ભાડા પર રાખ્યા હતા.

ટેમ્પો નંબર GJ 19 X 6481 ફળીયાના હેંમતભાઇ ગોવિંદભાઇ ચૌધરીનો હતો, તેમાં ફળીયાનાં આશરે ૨૫ થી ૨૭ જેટલા લોકો આ ટેમ્પોમાં પાછળ બેસેલ હતા. સવારના આશરે સાડા સાતેક વાગ્યાનાં અરસામાં તેઓ પોતાનાં ગામથી દેવલીમાડી માતાજીના દર્શન કરવા નિકળ્યા હતા.તરસાડા, રતનીયાગામ થઇ વ્યારા અને વ્યારાથી નાની ચીખલી ગામ થઇ દેવલીમાડી મંદિરે જતી વેળાએ નાની ચીખલી ગામની સીમમાંથી પસાર થતા હતા. તે સમયે નવેક વાગ્યાનાં અરસામાં હેંમતભાઇ ગોવિંદભાઇ ચૌધરીએ પોતાનો ટેમ્પો સ્પીડમાં હોય વળાંકમાં કાબુ ગુમાવી દેતા પલ્ટી ખાઈ ગયો હતો.
અકસ્માતને પગલે ટેમ્પામાં બેસેલ ગામનાં ૨૫થી ૨૭ જેટલાં લોકો રોડની બાજુમાં ફંગોળાઇને પડી ગયા હતા.

જેમાં ટેમ્પા ચાલક સાથે આશરે ૨૦ થી ૨૫ લોકોને માથા, મોઢે તથા શરીરે ઇજાઓ થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં સોહમ વિપીનભાઇ ચૌધરી ઉ.વ.આશરે ૧૨, આયુષકુમાર જીજ્ઞેશભાઇ ચૌધરી ઉ.વ.આશરે ૧૩ (બંન્ને રહે. પારડી ગામ, માલીકુવા ફળીયુ તા.માંડવી જી. સુરત) નાઓ ગંભીર રીતે ઘવાયેલ હોય બંનેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યુ હતું. આ અકસ્માત અંગેની ગામનાં જ નિમેષભાઇ ધીરૂભાઇ ચૌધરીની ફરિયાદનાં આધારે પોલીસે ટેમ્પો ચાલક હેંમતભાઇ ગોવિદભાઇ ચૌધરી વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુંમાં કાર્યવાહી હાથ ધરી છે.

ઇજાગ્રસ્તોની યાદી: (૦૧) ધવલભાઇ રાજેન્દ્રભાઇ ચૌધરી (૦૨) મહેન્દ્રભાઇ રૂમશીભાઇ ચૌધરી (૦૩) વિજયભાઇ ઇશ્વરભાઇ ચૌધરી (૦૪) જયલાભાઇ રૂપાભાઇ ચૌધરી (૦૫) નટુભાઇ નાનુભાઇ ચૌધરી (૦૬) સોનજી વેલીયાભાઇ ચૌધરી (૦૭) શંકરભાઇ રામસીગભાઇ ચૌધરી સહિત ટેમ્પામાં બેસેલ આશરે ૨૦ થી ૨૫ તથા પોતાને ઓછી વતી ઇજાઓ થઇ છે.
મરણ જનાર: (૦૧) સોહમ વિપીનભાઇ ચૌધરી (૦૨) આયુષકુમાર જીજ્ઞેશભાઇ ચૌધરી (બંન્ને રહે. પારડી ગામ માલીકુવા ફળીયુ તા.માંડવી જીલ્લો સુરત)

Most Popular

To Top