જી -20ની થીમ પર સુરત સહિત રાજયમાં પતંગોત્સવ ઉજવાશે
રાજયમાં જી -20 ની છીમ પર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી કરાશે, આ માટે કેબીનેટ બેઠક પર આજે ચર્ચા થવા પામી છે. અગાઉ કોરોનાના પહેલી કે બીજી લહેરના કારણે ગુજરાતમાં પતંગોત્સવ ઉજવાયો નહોતો. જયારે યા વખથે સુરતમાં પણ ધામધૂમથી પતંગોત્સવ ઉજવાય તેવી તૈયારી ચાલી રહી છે. અમદાવાદ રિવરફ્રન્ટ, વડોદરા, વડનગર, કેવડિયામાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવશે. સોમનાથ, સુરત, રાજકોટ, ધોલેરા અને ધોરડોમાં પણ પતંગોત્સવનું આયોજન કરાશે. અંદાજીત 68 દેશોના 250 પતંગબાજોને આમંત્રણ આપવામાં આવશે. કોવિડ પ્રોટોકોલના પાલન સાથે પતંગોત્સવ ઉજવાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે અંતરરાષ્ટ્રીય પતંગોત્સવની તૈયારી થઇ રહી છે. જો કે, પતંગરસિયાઓને અન્ય સ્થાને પણ પતંગમહોત્સવનો લ્હાવો મળશે. જેમાં વડનગર, દ્વારકામાં પણ આયોજન કરાશે. સોમનાથ, સુરત, રાજકોટ, ધોલેરા અને ધોરડો ખાતે પણ પતંગોત્સવ યોજાશે.
નર્મદા નદી ઉપર માલસર યાત્રાધામનો પુલ તૈયાર થઇ જશે
નર્મદા નદી પર આવેલ યાત્રાધામ માલસર ખાતે નવા પુલની કામગીરી પ્રગતિમાં છે, જે આગામી સમયમાં પૂર્ણ થનાર છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર તરફ જતા તેમજ બારડોલી-માંડવી તેમજ સાપુતારા તરફ જતા ટ્રાફિકને લાંબુ અંતર કાપવું ન પડે અને સીધા સાપુતારા પ્રવાસન સ્થળનો લાભ લઇ શકે તે માટે મોટી કોરલ-નારેશ્વર નજીક નર્મદા નદી પર એક નવો પુલ અંદાજિત રૂ. ૩૦૦ કરોડના ખર્ચે બનાવી કરજણ-નારેશ્વર-મોટી કોરલ-ભાલોદ-નેત્રંગ-માંડવીનો એક નવો કોરીડોર નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત નેશનલ હાઇવે-૮ પર ખાસ કરીને વડોદરા-સુરત નજીક ઉભેણ ગામ પાસે થતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ઉભેણ ખાતે અંદાજે રૂ. ૨૭ કરોડના ખર્ચે એક નવો પુલ તેમજ સર્વિસ રોડ બનાવવામાં આવશે. જેનાથી આ સ્થળે ટ્રાફિક જામની સમસ્યામાંથી લોકોને રાહત મળી શકશે.
2440 કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવે 1600 કિમી લાંબા કિનારાને સાંકળશે
દરિયાકિનારાના પ્રવાસન સ્થળોની ટુરિસ્ટ સર્કિટ વિકસાવવા માટે અંદાજે રૂ. ૨,૪૪૦ કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવેનું નિર્માણ કરાશે. આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા હતા. ૧,૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠાના પ્રવાસન સ્થળો વિકસે એ માટે ઉભરાટ, તિથલ, ચોરવાડને સાંકળતો વ્યૂહાત્મક કોસ્ટલ હાઈ-વે ૧૩૫ કિ.મી.ની નવી લિંક સાથે વિકસાવાશે. આ ઉપરાંત ભિલાડથી વલસાડ, વલસાડથી નવસારી, નવસારીથી સુરત, સુરતથી ભરૂચ અને ભરૂચથી ખંભાતના દરિયાકિનારાને સાંકળીને બનાવાશે.
સોમનાથ સહિતના રેલવે સ્ટેશનનો વિકાસ થશે
પશ્ચિમ રેલવેનો સ્ટેશનોના પુન:વિકાસનો મૌલિક વિચાર શહેરનો પણ અભિન્ન વિકાસ કરવો અને શહેરના કેન્દ્ર જેવી જગ્યા સાથે શહેરનું ખાસ સ્થાન બનાવવાનો છે. સોમનાથ, સુરત, ઉધના, સાબરમતી, ન્યૂ ભૂજ અને અમદાવાદના દરેક સ્ટેશન પર પ્લેટફોર્મ પર એક વિશાળ રૂફ પ્લાઝા હશે, જેમાં રીટેઈલ, કાફેટેરિયા અને મનોરંજનની સગવડો જેમ કે, ફૂડ કોર્ટ, વેઈટીંગ લાઉન્જ, સ્થાનિક ઉત્પાદનો માટે કેઓસ્ટ માટેની જગ્યા વગેરે જેવી તમામ સગવડો એક જ સ્થળે મળી રહેશે. યાત્રીઓને વધુ સગવડ આપવા માટે દિવ્યાંગ અનુકૂળ સગવડો પર ખાસ ધ્યાન આપીને યોગ્ય સાઈનેઝ, લિફ્ટ-એસ્કેલેટર કે પછી ટ્રાવેલેટર હશે. પૂરતી પાર્કિંગ સગવડની સાથે આગમન અને પ્રસ્થાનને અલગ કરવામાં આવશે. વાહન વ્યવહાર સારી રીતે થઈ શકે તેમજ પરિવહનના અન્ય સાધનો જેવા કે, મેટ્રો, બસ વગેરેની પણ સતત કનેક્ટિવિટી રહે તે માટે સ્કાઈવોક, ટ્રાવેલેટર વગેરે દ્વારા સમાન બનાવવામાં આવશે.
MBBS બાદ પ્રેક્ટિસ માટે ફરજિયાત નેક્સ્ટ પરીક્ષા 2023માં લેવાશે
નેશનલ મેડિકલ કમિશન દ્વારા એમબીબીએસના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે નેશનલ એક્ઝિટ ટેસ્ટ (નેક્સ્ટ) પરીક્ષા ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષા માટે નેશનલ મેડિકલ કમિશન દ્વારા સુચિત ડ્રાફ્ટ સાથે નિયમો તૈયાર કરાયા છે. આ પરીક્ષા ડિસેમ્બર 2023 માં લેવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ પરીક્ષા પાસ કર્યા બાદ જ મેડિકલ પ્રેક્ટિસ માટે લાયસન્સ મળશે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા નેટ પરીક્ષા માટે સૂચિત ડ્રાફ્ટ કરવા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 2022-23ના શૈક્ષણિક વર્ષના એમબીબીએસમાં અભ્યાસ કરતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે નેક્સ્ટની પરીક્ષા ડિસેમ્બર 2023માં લેવાશે. આ પરીક્ષા ઓલ ઇન્ડિયા લેવલ પર લેવામાં આવશે, અને તેનો અભ્યાસક્રમ પણ તે મુજબનો રહેશે. યુનિવર્સિટી દ્વારા ફક્ત પ્રેક્ટીકલ પરીક્ષા લેવાની રહેશે. આ પરીક્ષાના મેરીટના આધારે પીજીમાં પ્રવેશ આપવામાં આવશે. નેક્સ્ટ પરીક્ષાનું કટ ઓફ 50 ટકા રાખવામાં આવ્યું છે. એમબીબીએસ સ્નાતક થયા પછી પ્રેક્ટિસ કરવા માટે નેક્સ્ટ પરીક્ષા ફરજિયાત આપવાની રહેશે. આ પરીક્ષા પાસ કર્યા બાદ જ મેડિકલ પ્રેક્ટિસ માટે લાયસન્સ મળશે.
આધ્યાત્મિક અને સામાજિક- પવિત્ર પ્રેરણાનો સંદેશ આપતા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની 2023ના શરૂઆતમાં પૂર્ણાહુતિ સમારોહ યોજાશે
દેશ અને દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત બીએપીએસ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન અમદાવાદના એસપી રીંગ રોડ ભાડજ સર્કલ થી ઓગણજ સર્કલ વચ્ચે કરવામાં આવ્યું છે. આ મહોત્સવની પૂર્ણાહુતિ આગામી વર્ષ 2023ની શરૂઆતમાં 15મી જાન્યુઆરીના રોજ થશે. સમગ્ર ભારત અને દુનિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી છાપ ઊભીર કરનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન 15 ડિસેમ્બર 2022 થી 15 જાન્યુઆરી 2023 દરમિયાન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું ઉદઘાટન 14 મી ડિસેમ્બર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. અમદાવાદના એસપી રીંગ રોડ પર તૈયાર કરાયેલા ભવ્ય પ્રમુખસ્વામી નગરમાં અત્યાર સુધીમાં વિવિધ કાર્યક્રમો, મહોત્સવ, પ્રવચનો, પરિસંવાદ, સંમેલનો, આધ્યાત્મિક- સામાજિક વાર્તાલાપ, સેમિનારો યોજાયા છે. આ મહોત્સવમાં દેશ અને દુનિયાના અનેક મહાનુભાવો, ઉદ્યોગ જગતની અનેક હસ્તીઓ, સાધુ, સંતો, મહંતો તેમજ જાણીતા કલાકારો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી મોટી હસ્તીઓ ભાગ લઈ ચૂકી છે. આ મહોત્સવમાં એક વિશાળ રાષ્ટ્રીય સંત સંમેલન પણ યોજાયુ હતું. આ મહોત્સવમાં દરરોજ જુદા જુદા દિવસોએ જુદા જુદા વિષયો ઉપર પરિસંવાદો યોજાઇ રહ્યા છે. જેમાં સંસ્કૃતિ દિન, મંદિર ગૌરવ દિન, ગુરુ ભક્તિ દિન, સંવાદિતા દિન, સમરસતા દિન, આદિવાસી ગૌરવ દિન, આધ્યાત્મ અને આરોગ્ય દિન, વ્યસન મુક્તિ જીવન પરિવર્તન દિન, રાષ્ટ્રીય સંત સંમેલન, વિચરણ સ્મૃતિ દિન, સેવા દિન, પારિવારિક એકતા દિન, સંસ્કાર અને શિક્ષણ દિન, દર્શન અને શાસ્ત્ર દિન, મહિલા ગૌરવ દિન, દર્શન શાસ્ત્ર દિનની ઉજવણી થઈ ચૂકી છે. જ્યારે આગામી નવા વર્ષ 2013માં બાળ યુવા દિન, કીર્તન આરાધના, બાળ સંસ્કાર દિન, યુવા સંસ્કાર દિન, ગુજરાત ગૌરવ દિન, મહિલા દિન, સંત કીર્તન આરાધના સહિતના અનેક મહોત્સવ યોજાશે. અને 15મી જાન્યુઆરી 2023ના રોજ મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
2023માં ભાજપને રાજયસભાની ચૂંટણીમાં ફાયદો થશે
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હોવાથી હવે રાજ્યસભાની ખાલી પડનારી બેઠકોની આવનારી ચૂંટણીમાં પાર્ટીને મોટું નુકશાન સહન કરવું પડશે, કેમ કે સંખ્યાબળના આધારે ભાજપને વધુ સાત બેઠકો મળી શકશે.ગુજરાતમાં હાલ રાજ્યસભામાં કુલ 11 પૈકી ભાજપ પાસે આઠ અને કોંગ્રેસ પાસે ત્રણ બેઠકો છે. ઓગષ્ટ 2023માં ખાલી પડનારી તેમજ એપ્રિલ 2024માં ખાલી પડનારી બેઠકોમાં ભાજપને મોટો ફાયદો થવાનો છે. 2023માં ભાજપના ત્રણ સભ્યોની ટર્મ પૂરી થાય છે, જે પૈકી કોંગ્રેસને ફાળે એક પણ બેઠક આવે તેમ નથી.એવી જ રીતે 2024માં ભાજપના બે અને કોંગ્રેસના બે સભ્યોની ટર્મ પૂર્ણ થાય છે. કોંગ્રેસના નારણ રાઠવા અને અમી યાજ્ઞિક નિવૃત્ત થતાં હોઇ તેમને કે કોંગ્રેસના અન્ય નેતાઓને ફાળે આ બેઠક આવી શકે તેમ નથી, કેમ કે સંખ્યાબળની દ્રષ્ટિએ કોંગ્રેસ રિપીટ કરી શકે તેમ નથી.
સૌની યોજના થકી સૌરાષ્ટ્રના 115 જળાશયો ભરીને 970 ગામોને મળશે જીવનદાન
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સૌના યોજનાને પ્રારંભ કરાવવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે. નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના વારંવાર પાણીની જરૂરિયાતવાળા જિલ્લાઓમાં 115 જળાશયો ભરીને 970 કરતાં વધુ ગામોના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ બનાવવા અને પીવાના પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવાની દિશામાં કાર્ય શરૂ છે. જેના કારણે અંદાજિચ અઢી લાખ એકર વિસ્તારને સિંચાઈનો લાભ થશે.
મોરબીમાં સિરામિક પાર્ક તૈયાર થઈ જશે
મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વકક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલો છે અને અહીંથી સિરામિક ટાઈલ્સને દેશના દરેક ખૂણામાં અને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતી હોય છે. ત્યારે દેશના જુદા-જુદા રાજ્યોમાંથી તેમજ વિદેશી નાગરિકો મોરબી આવતા હોય છે. તેથી અહીંની પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવાના હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા મોરબીના સિરામિક ઝોનની અંદર 400 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ કક્ષાનો સિરામિક પાર્ક બનાવવામાં આવી રહ્યો છે.
2023માં આવી રહી છે આ ગુજરાતી ફિલ્મો
‘માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ’
13 જાન્યુઆરી 2023માં થિયેટરોમાં રીલિઝ થનાર આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા મુવી છે. ફિલ્મની કહાની માતા-પિતાથી અલગ થવા માગતા દીકરાના જીવન પર આધારિત છે. જેણે પોતાના માતા-પિતા વિરૂદ્ધ કેસ ર્ક્યો છે. પ્રોડ્યુસર જશવંત ગગાણી નિર્મિત આ ફિલ્મમાં પ્રશાંત બારોટ, ઉર્વશી હરસોરા, ઉમંશ આચાર્ય, સીમા પાંડે, રાધી શુક્લા જેવા કલાકારો જોવા મળશે.
લોકડાઉન એક ષડયંત્ર
લોકડાઉન દરમિયાન કેવા-કેવા ષડયંત્રો થતાં એની રજૂઆત કરતી ફિલ્મ ‘લોકડાઉન: એક ષડયંત્ર’લઈને જાણીતા સર્જક બરકત વઢવાણિયા આવી રહ્યા છે. ફિલ્મના કહાની લોકડાઉન દરમિયાન વતન જવા નીકળેલા એક યુવાન પર આધારિત છે. ફિલ્મમાં નદીમ વઢવાણિયા, પ્રિનલ ઓબેરાય, રાજુ બારોટ, યામિની જોશી, ગૌરાંગ જેડી, પ્રવિણ મહેતા, પરેશ ભટ્ટ, નિલેશ બ્રમ્હ્યભટ્ટ, પરેશ લિમ્બાચિયા, પ્રકાશ મંડોરા અ્ને બરકત વઢવાણિયા જેવા કલાકારો જેવા મળશે.
‘કચ્છ એક્સપ્રેસ’
વિરલ શાહ ડિરેક્ટેડ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ના પ્રોડ્યુસર પાર્થિવ અને માનસી પારેખ ગોહિલ છે જ્યારે મ્યુઝિક સચિન-જીગરે આપ્યું છે. અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ (Kutch Express)નું ટ્રેલર આવી ગયું છે. જે વર્ષ 2023ની તારીખ 6 જાન્યુઆરીએ રિલીઝ થશે. વિરલ શાહ ડિરેક્ટેડ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ના પ્રોડ્યુસર પાર્થિવ અને માનસી પારેખ ગોહિલ છે જ્યારે મ્યુઝિક સચિન-જીગરે આપ્યું છે. ‘કચ્છ એક્સપ્રેસ’ ફિલ્મમાં બોલિવૂડ એક્ટર દર્શીલ સફારી પણ મહત્વના રોલમાં જોવા મળશે. આમિર ખાનની ફિલ્મ ‘તારે જમીન પર’થી જાણીતો એક્ટર દર્શીલ સફારી આ ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં અવી નામના રોલમાં જોવા મળશે.
ત્રણ એક્કા
સપ્ટેમ્બર મહિનામાં આ ગુજરાતી ફિલ્મ રજૂ થાય તેવી શક્યતા છે. આ ફિલ્લમાં મલહાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવી જોવા મળશે. આ ફિલ્મનું ઓફિશિયલ પોસ્ટર ફિલ્મ મેકર દ્વારા તેમના ઓફિસિયલ સોશિયલ મીડિયા ઉપર રિલિઝ કરી દેવામાં આવ્યું છે.
લકીરો
અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘લકીરો’નું આજે મીડિયા ઈવેન્ટમાં ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ‘લકીરો’ એક રોમેન્ટિક ડ્રામા છે જે એક યુગલ અને લગ્ન પછીની સફરની આસપાસની વાર્તા છે. આ ફિલ્મ લાગણીઓ, સંબંધ અને પ્રેમની રોલર કોસ્ટર રાઈડ સમાન છે. આ ફિલ્મ ડો.દર્શન અશ્વિન ત્રિવેદીએ લખી છે અને દિગ્દર્શિત કરી છે. રૌનક કામદાર, દીક્ષા જોશી, નેત્રી ત્રિવેદી, શિવાની જોશી, વિશાલ શાહ અને ધર્મેશ વ્યાસ મુખ્ય ભૂમિકામાં છે. રાજયોગી પ્રોડક્શન્સ દ્વારા ટ્વેન્ટી21 સ્ટુડિયોના સહયોગમાં આ ફિલ્મ બનાવવામાં આવી છે, જેનું નિર્માણ સ્નેહ શાહ, પ્રણવ જોષી, દર્શન અશ્વિન ત્રિવેદી, સૂર્યવીર સિંહ, ભરત મિસ્ત્રી અને હેમેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે, રાજયોગી પ્રોડક્શન્સ એ રાજયોગી ગ્રુપ ઑફ કંપનીઝનું એક વેન્ચર છે જેનું વિઝન છે ગુજરાતી સિનેમા અને કન્ટેન્ટ ને જરૂરી ફેરફારો સાથે કેવી રીતે દર્શકો સમક્ષ રજુ કરવા જોઈએ. આ કંપનીની શરૂઆત સ્નેહ શાહ, એક પ્રોફેશનલ ક્રિકેટર અને ઉદ્યોગસાહસિક અને પ્રણવ જોષી, એક સેલિબ્રિટી શેફ દ્વારા કરવામાં આવી હતી. ‘લકીરો’નું ટાઈટલ ટ્રેક જે બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 20 મિલિયનથી પણ વધારે વ્યૂઝ સાથે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે.