ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ખૂબ સરળ સ્વભાવના માણસ તરીકે ઓળખાય છે. શનિવારે તેઓએ અચાનક જ ગાંધીનગર (Gandhinagar) જિલ્લાનાં ત્રણ જુદાં જુદાં ગામોની મુલાકાત લીધી હતી, અને લોકોના પ્રશ્નો, સમસ્યાઓ સાંભળી સ્થળ ઉપર જ તેનો યોગ્ય નિર્ણય લેવા સ્થાનિક અધિકારીઓને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીના આ અચાનક પ્રવાસથી ગામના સૌ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા, સાથે જ અધિકારીઓ પણ અચંબિત થઈ ગયા હતા.
મુખ્યમંત્રી સ્વયં આવેલા જોઇને અધિકારીઓ પણ અચંબિત થઈ ગયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ જનસંવેદના અભિગમને આગળ ધપાવતાં શનિવારે સવારે મુખ્ય સચિવ પંકજકુમાર સાથે ગાંધીનગરના માણસાના બાપુપુરા અને વડાસણ તથા વિહાર ગામે ઓચિંતા મુલાકાતે પહોચી ગયા હતા. ગ્રામજનો મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને પોતાના ગામમાં લોકપ્રશ્નો સાંભળવા સ્વયં આવેલા જોઇને અચંબિત થયા હતા.
આ ગામોમાં ભૂપેન્દ્ર પટેલે લોકો વચ્ચે બેસી, ગ્રામજનોને પ્રત્યક્ષ મળી તેમની કોઇ સમસ્યા, પ્રશ્ન હોય તો કહેવા જણાવ્યું હતું. ત્યારબાદ ગામના વડીલો, વરિષ્ઠ નાગરિકો, યુવાઓ, શિક્ષકો, ગ્રામીણ માતાઓ વગેરે સાથે વાતચીતનો દૌર આરંભ્યો અને લોકપ્રશ્નો જાણ્યા હતા.
મેદાન માટે જગ્યા ફાળવવા જેવી રજૂઆતો
આ ગામના લોકોએ ગામમાં ખેતરોમાં પાકને ઢોરઢાંખરથી બચાવવા કાંટાળી તારની વાડ માટે, પશુ દવાખાનામાં વધુ સુવિધા માટે, લાઇબ્રેરી શરૂ કરવા માટે તેમજ બે ગામનાં તળાવો લિંક કરી તેના પાણી ખેતી-સિંચાઇ માટે આપવા અને ગામની હાઇસ્કૂલના મેદાન માટે જગ્યા ફાળવવા જેવી રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ કોઇ જ હિચકિચાટ વિના કરી હતી.
મુખ્યમંત્રીએ આ બધી જ રજૂઆતો સંદર્ભે મુખ્ય સચિવ પંકજકુમાર અને મુલાકાત દરમિયાન સાથે રહેલા જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમ, પ્રાંત અધિકારી, મામલતદાર વગેરેને ત્વરિત અને વાજબી નિવારણ માટેની સ્થળ પર જ સૂચનાઓ આપી હતી. ભૂપેન્દ્ર પટેલે વિહાર ગ્રામ પંચાયત ઘરની મુલાકાત લીધી હતી અને ગામમાં હનુમાનજી મંદિરમાં દર્શન પણ કર્યાં હતાં.