આજકાલ મોસમ છે વેકેશનની. બધા વેકેશન મોડમાં છે અને ક્યાંક ને કયાંક ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે.રાજ અને નિશાએ પણ મિત્રો સાથે ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો.ચાર દિવસના વેકેશન માટે ઘણી તૈયારી કરી ..શોપિંગ અને મેકિંગમાં આઠ દિવસની તૈયારી હતી.બંને જણ મિત્રો સાથે ફરવા ગયા.જતાં જતાં ઘરમાં બધાને આવજો કહેતાં બોલ્યાં, ‘હાશ, અહીં તો સાવ કંટાળી જવાય છે, થોડો બ્રેક મળશે તો મજા આવશે.’આ વાક્ય પપ્પાને ગમ્યું નહિ, પણ જતી વખતે કૈંક ટોકવાનું સારું ન લાગતાં તેઓ ચૂપ રહ્યા અને માત્ર આવજો કહ્યું.
રાજ અને નિશા ચાર દિવસે થાકીને લોથપોથ થઇ પાછા આવ્યા. ચામડી પણ ફાટી જઈને કાળી પડી ગઈ હતી. એવા થાકી ગયા હતા કે વેકેશનનો થાક ઉતારવા ઓફિસમાંથી બીજા બે દિવસની રજા લેવી પડી.આખો દિવસ સૂતાં જ રહ્યાં.રાત્રે જમવા બધા સાથે બેઠા.ં મમ્મીએ સાદી રસોઈ કરી હતી. રાજ તરત બોલ્યો, ‘ચાર દિવસ બહારનું ખાધું પણ આજે એમ લાગ્યું કે જમ્યો…મમ્મી ઘર જેવું જમવાનું તો ક્યાંય ન મળે.’નિશા બોલી, ‘મમ્મી અમે બહુ થાકી ગયાં છીએ. કાલે પણ ઓફીસ નથી જવાના અને હજી આ કપડાના ઢગલા તો પછી જ સાફ થશે.’ પપ્પા બોલ્યા, ‘આવું કેવું વેકેશન …જે થકવી નાખે !!’રાજ અને નિશા તેમની સામે જોવા લાગ્યા.
પપ્પાએ કહ્યું, ‘વેકેશન એટલે શું? વેકેશન એટલે તનને આરામ અને મનને આનંદ …રજાઓની મોસમનો આનંદ એવો હોવો જોઈએ જે તમને થકવી ન નાંખે પણ વધુ ઊર્જાથી ભરી દે.અને જો આનંદ તો ક્ષણે ક્ષણે લેવાનો હોય તેમાં સ્થળ કે સ્થાનનું કે હોટલનું મહત્ત્વ નથી. જો તમે એક જગ્યાએ ખુશ નથી તો સ્થાન બદલવાથી બીજી જગ્યાએ જવાથી પણ ખુશ નહિ થઇ શકો કારણ કે ખુશ મનથી થવું પડે અને આનંદ મનમાં હોવો જોઈએ.જો તમને એક નાવ ચલાવતાં નહિ આવડે તો તમને બીજી નાવ ચલાવતાં પણ નહિ જ આવડે. જો તમે દિલથી અહીં ખુશ નથી તો કોઈ ગેરેંટી નથી કે વેકેશન પર તમે જ્યાં જશો ત્યાં તમે બહુ બધી ખુશી મેળવી શકશો.વેકેશનમાં જયાં જાવ ત્યાં મનની ફરિયાદો અને સંદેહો છોડીને જાવ …વેકેશનમાં જે પણ કરો તેમાં થોડું કૈક મનને ગમતું સર્જનાત્મક કરો અને સમાજને મદદરૂપ થઇ શકે તેવું પણ કૈંક વિચારો અને હા વેકેશન હોય કે વર્કીગ મનને શાંત અને ખુશ રાખવા નાનકડી પ્રાર્થના અચૂક કરો.’પપ્પાએ સાચો વેકેશનનો અર્થ સમજાવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.