વ્યારા: સોનગઢના (Songarh) નવી ઉકાઇ પાછળ ઉકાઈ જળાશયમાં (Ukai Reservoir) જાણે કોઇએ કેમિકલ્સ (chemicals) યુક્ત પ્રવાહી છોડ્યું હોય તેમ આશરે 2 કિ.મી. નરી આંખે જોઇ શકાય ત્યાં સુધીના કિનારે લીલા કલરનું ફીણયુક્ત શંકાસ્પદ પ્રવાહી તરતુ જોવા મળ્યું છે. જો કે, પ્રથમ તબક્કે આ ડેમની લીલ હોવાની આશંકા ડેમ ઓથોરિટીએ વ્યક્ત કરી હતી. પણ સ્થળ મુલાકાત વેળાએ ઉચ્ચ અધિકારીઓ પોતે પણ આ જોઇ આશ્ચર્યમાં મુકાયા છે. કિનારે મૃત હાલતમાં માછલી પણ જોવા મળી છે. જેથી ફીણયુક્ત લીલું નાક ફાડી નાંખે તેવી તીવ્ર વાસવાળું આ પાણી મહદ અંશે ઝેરી હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે. આ જળાશયનું પાણી દૂષિત કેમિકલ્સયુક્ત હોવાની આશંકા વ્યક્ત કરતાં આશરે ૧૨ દિવસ પહેલાં તાપી જિલ્લા કલેક્ટરને આ જળાશયના ફીણયુક્ત દૂષિત પાણીનો વિડીયો મોકલાયો હતો. પણ જળાશયનાં પાણીનું પૃથકરણ કરવા અહીં કોઇ ફરક્યું ન હતું. જેથી હાલ આ પાણી કેમિકલ્સ યુક્ત ઝેરી છે કે કેમ ? તેની કોઇ સ્પષ્ટતા થઈ શકી નથી.
જળાશયમાં સંગ્રહ થયેલ હજારો ક્યુસેક પાણી દૂષિત થઈ રહ્યું છે
આ જળાશય નજીક આવેલી મિલમાંથી કેમિકલ્સનું પાણી આ જળાશયમાં છોડાયું હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે.
નવી ઉકાઇ પાછળ આવેલા ઉકાઈ જળાશય વિસ્તારમાં ઝેરી કેમિકલ્સયુક્ત પાણીથી દૂષિત થઈ રહ્યો હોવાનો વિડિયો હાલ જોરશોરમાં વાયરલ થતાં લોકો ભયભીત થઈ ઊઠ્યા છે. ખેડૂતો અને ગ્રામજનોના આરોગ્યને ગંભીર ખતરો ઊભો થવાની આશંકાને પગલે સમગ્ર મામલે વાસ્તવિકતાનું સ્થળ નિરીક્ષણ કરતાં આ મામલે વહીવટી તંત્રની ઘોર બેદરકારી બહાર આવી છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરીસમાન આ ઉકાઈ જળાશયમાં સંગ્રહ થયેલ હજારો ક્યુસેક પાણી દૂષિત થઈ રહ્યું છે કે કેમ ? કોઇ ઔદ્યોગિક એકમ દ્વારા આ જળાશયમાં કેમિકલ્સયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે કે કેમ ? આ મામલે તંત્રે તાબડતોબ પાણીની ચકાસણી કરાવવાની પણ કોઇ દરકાર લીધી ન હતી. જો કે, સમગ્ર ઘટના અત્યંત ગંભીર હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્રે તેની કોઇ ખાસ ગંભીરતા લીધી હોય તેમ જણાતું નથી. જળાશયનું નરી આંખે દેખાતા દૂષિત પાણીને લઈ લોકોમાં એક ચિંતાનો વિષય બન્યો છે.
ઔદ્યોગિક એકમો તો ઠીક પણ પીવા માટે પણ ઉપયોગમાં લેવાય છે
આ બનાવ નજીક એકમાત્ર જે.કે.પેપર મિલ આવેલી હોય તેમજ સ્થાનિક જાગૃત નાગરિકોએ પણ આ મિલ સામે શંકાની સોઈ ચીંધી છે.આ જે.કે. પેપર મિલમાંથી કોઇ અંડરગ્રાઉન્ડ પાઇપ લાઇન ખેંચીને વેસ્ટેઝ કેમિકલ્સનો નિકાલ કરવાની કોઇ ગતિવિધિ શરૂ કરાઈ છે કે કેમ ? સમગ્ર બાબત શંકાના ઘેરામાં હોય આ મામલે જે.કે.પેપર મિલની કોલોનીના આસપાસનો ઉકાઈ જળાશયને અડીને આવેલા વિસ્તારની ઉચ્ચસ્તરીય તપાસ થવી જરૂરી બની છે. હાલ તો દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ ઉકાઈ ડેમના પાણીનો ઉપયોગ ઔદ્યોગિક એકમો તો ઠીક પણ પીવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. જો આમાં કેમિકલયુક્ત પાણી છોડાયું હોય તો તેની સીધી અસર પર્યાવરણ અને જળચર પ્રાણી તેમજ લોકોનાં આરોગ્ય ઉપર ગંભીર પ્રશ્નાર્થ ઊભો થાય છે.
GPCB અને GERIમાં સેમ્પલ મોકલાયાં
વ્યારા: ઉકાઇ ડેમના અધિક્ષક ઇજનેર પી.જી.વસાવાને આ જળાશયના દૂષિત પાણી અંગે તા.૨૭ ડિસેમ્બરે સાંજે ધ્યાન દોરતાં તેઓ તાત્કાલિક સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગંધાતું ફીણયુક્ત જળાશયનું પાણી જોઇ તેઓ પણ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા. તેઓએ તાબડતોબ GPCB અને GERIમાં આ જળાશયનાં પાણી અને ફીણનાં સેમ્પલો મોકલ્યાં હતાં. તેઓએ રીપોર્ટ આવ્યા પછી જ જળાશયનાં પાણી વિશે જાણી શકાશે તેવું જણાવ્યું હતું.
વિડીયો ઉતારી કલેક્ટરને જાણ કરાઈ
વ્યારા બાર એસોશિએશનના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પ્રધાને જણાવ્યું હતું કે, નવી ઉકાઈ પાછળ ઉકાઈ જળાશયનું લીલા કલરનું ફીણયુક્ત પાણી ગંધાતું હતું. જેથી પર્યાવરણ સાથે ખીલવાડ થતાં તેમજ જળાશયનું પાણી પીવા માટે પણ ઉપયોગમાં લેવાતું હોવાથી લોકોનાં આરોગ્ય સાથે ખીલવાડ થઇ રહ્યો હોય તેમ લાગતાં આ સમગ્ર બાબતે તેનો વિડીયો ઉતારી કલેક્ટરને તેની જાણ કરી હતી. આ બનાવને 12 દિવસ થયા બાદ પણ આ મામલે ઉચ્ચ કક્ષાએથી કોઇ કાર્યવાહી થઈ નથી. કલેક્ટરે આ મામલે સુઓમોટો લઈ જવાબદારો સામે ગુનો નોંધવો જોઇએ, તેઓને સત્તા છે. ત્યારે હજુ સુધી તેઓએ કોઇ કાર્યવાહી કરી નથી. પુરાવા નાશ થાય એ માટે આ સમગ્ર મામલે વિલંબ કરાઈ રહ્યો છે. આ ડેમ નજીક એકમાત્ર જે.કે.પેપર મિલ આવેલી છે. જેથી આ મિલમાંથી કેમિકલ્સયુક્ત પાણી છોડાય છે કે કેમ? અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અંગેની પણ તપાસ થવી જનહિત માટે અત્યંત જરૂરી છે.