તમિલનાડુ : ચીનમાં કોરોનાને કારણે હાહાકાર મચી ગયો છે. આમ છતાં ત્યાંથી લોકો ભારત આવી રહ્યા છે. ચીનથી કોલંબો થઈને મદુરાઈ પહોંચેલા બે લોકોમાં કોરોના પોઝીટીવ આવ્યા છે. તેમને તમિલનાડુના આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. મદુરાઈ એરપોર્ટ પર એક 36 વર્ષીય મહિલા અને તેના છ વર્ષના બાળકે કોરોનાનું ટેસ્ટીંગ કરાવતા તેઓ પોઝીટીવ હોવાનું સામે આવ્યું હતું.
દેખરેખ માટે અધિકારી નિયુક્ત
તમિલનાડુના આરોગ્ય પ્રધાન મા સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે તેઓ હાલમાં હોમ આઇસોલેશન હેઠળ છે અને તેમના સ્વાસ્થ્યની સ્થિતિ પર નજર રાખવા માટે એક અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ કયા વેરિયન્ટથી કોરોના સંક્રમિત થયા છે તે નક્કી કરવા માટે લોહીના નમૂનાઓ રાજ્યની જાહેર આરોગ્ય પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવતા ચારથી પાંચ દિવસ લાગશે,
RT-PCR ટેસ્ટ કરાવવા માટેની સલાહ
આ બંને લોકો સાથે અન્ય એક વ્યક્તિ પણ હતી. જે બે દર્દીઓને મદુરાઈ એરપોર્ટ પર છોડીને ચેન્નાઈ પરત ફર્યા હતા તેઓને પણ આરોગ્ય વિભાગે કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવા કહ્યું છે. આરોગ્ય મંત્રી સુબ્રમણ્યમે કહ્યું કે વિભાગે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને તાઈવાનથી આંતરરાષ્ટ્રીય આગમન પર RT-PCR પરીક્ષણની સલાહ આપી છે.
દેશભરની હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરાઈ
ચીન અને જાપાન સહિત ઘણા દેશોમાં કોરોના સંક્રમણની ઝડપ પર કોઈ બ્રેક લાગી નથી. અન્ય દેશોમાં પણ કોરોનાના વધતા જતા કેસો અંગે ભારત સરકાર સતર્ક છે. કેન્દ્ર સરકાર કોરોનાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. દરમિયાન આજે દેશભરની તમામ હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. તે જ સમયે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ લોકોને માસ્ક પહેરવા અને કોવિડ -19 સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવા અને સાવચેત રહેવા વિનંતી કરી છે.
આરોગ્યમંત્રીએ 4Tનો આગ્રહ રાખ્યો
માંડવિયાએ ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ માર્ગદર્શિકાની નીતિને અનુસરવા અને સંવેદનશીલ લોકોને સાવચેતીનો ડોઝ આપવા પણ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આપણે સતત સામૂહિક પ્રયાસો દ્વારા જ ચેપ પર કાબુ મેળવી શકીએ છીએ. આરોગ્ય મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. ચીનના કેસોમાં વિસ્ફોટક વધારા બાદ સમગ્ર વિશ્વ કોરોનાને લઈને એલર્ટ થઈ ગયું છે. કેન્દ્ર સરકારે છેલ્લા અઠવાડિયાથી અનેક બેઠકો યોજી છે. સરકાર દરેક રીતે સુનિશ્ચિત કરવા માંગે છે કે વાયરસ ન ફેલાય.