સુરતમાં સતત ત્રીજી વખત ભાજપે તમામ 12 બેઠક પર વિજય મેળવ્યો, સુરતને ત્રણ મંત્રાલય
સુરત : સુરત શહેરની તમામ 12 બેઠક ઉપર ભાજપે સતત ત્રીજી વખત વિજય મેળવીને ઇતિહાસ રચી દીધો હતો. સુરત પશ્વિમની બેઠક ઉપર પૂર્ણેશ મોદી, મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી, ચોર્યાસી બેઠક પરથી સંદીપ દેસાઇ, ઉધના બેઠક પરથી મનુ પટેલ, લિંબાયત બેઠક પરથી સંગીતા પાટીલ, સુરત્ત ઉતર બેઠક પરથી કાંતિ બલર, વરાછા બેઠક પરથી કુમાર કાનાણી, કામરેજ બેઠક પરથી પ્રફુલ્લ પાનશેરિયા, કતારગામ બેઠક પરથી વિનુ મોરડિયા અને ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલે વિજય મેળવ્યો હતો. જેમાં હર્ષ સંઘવીને ફરી ગૃહ વિભાગ, પ્રફુલ્લ પાનશેરિયાને શિક્ષણ અને મુકેશ પટેલને કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા હતાં. આમ નવા મંત્રાલયમાં સુરતનું વજન જળવાયું હતું.
શિવસેનામાં બળવો, સુરત બન્યુ એપી સેન્ટર
શિવસેનામાં બળવો થયો, 32 જેટલા ધારાસભ્યો સુરતની ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા, દેશના એક મોટી રાજકીય હલચલનું કેન્દ્ર સુરત બન્યું હતું અને ત્યારબાદ તમામ ધારાસભ્યોને ગૌહાટી ખસેડવામાં આવ્યા હતાં.
સુરતમાં 15 વર્ષથી ઉપરના બાળકોનું રસીકરણ તેમજ બુસ્ટર ડોઝનો પ્રારંભ
3 જાન્યુઆરી સુરતમાં 15 વર્ષથી ઉપર વર્ષના તરૂણોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માટે મનપાએ જુદી જુદી શાળામાં ભણતા વિદ્યાર્થી તેમજ કોલેજ સ્ટુડન્ટને આવરી લેવા કુલ 175 જેટલી ટીમ બનાવી હતી. તેમજ દરેક ઝોનમાં અલાયદી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી. પહેલા જ દિવસે સુરતમાં 26,124 વિદ્યાર્થીનું રસીકરણ કરી દેવામાં આવ્યું હતું. 11 જાન્યુઆરીથી સુરતમાં કોરોના સામે રક્ષણ આપતા બુસ્ટર ડોઝ મૂકવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પહેલા દિવસે 4422 લોકોને બુસ્ટરડોઝ આપવામાં આવ્યો હતો.
સુરતમાં એક જ દિવસમાં કોરોનાના 2505 પોઝિટિવ કેસીઝ
13 જાન્યુઆરી સુરતમાં કોરોનાનો નવો રેકોર્ડ સર્જાયો, એક જ દિવસમાં 2505 કેસ નોંધાયા આ પહેલા બીજી લહેરમાં સૌથી વધુ 23મી એપ્રિલ 2021ના રોજ સુરતમાં કોરોનાના સૌથી વધુ 2361 દર્દી નોંધાયા હતાં.
ગ્રીષ્મા વેકરિયાની સરાજાહેર હત્યા
12 ફેબ્રુઆરી સુરતની ગ્રીષ્મા વેકરિયાની ક્રુર હત્યાં કરી નાંખવામાં આવી હતી. સરાજાહેર થયેલી આ હત્યાથી સમગ્ર સમાજ હચમચી ગયો હતો. આ ઘટનામાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટે ગણતરીના દિવસોમાં જ ફાંસીની સજા સંભળાવી હતી.
સુરતમાં મગર દેખાતા લોકો ઉમટી પડ્યા
નાનપુરા નાવડી ઓવારા ઉપર મગર દેખાતા લોકોમાં કૂતુહલ જોવા મળ્યું હતુ્ં. આ પહેલા ઘંટા ઓવારાના પાળા નજીક પણ મગર જોવા મળ્યો હતો તેમજ મકાઇપુલની નીચે પણ મગર જોવા મળ્યો હતો.
કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલની ટીમમાં સુરતનો હરમીત ઝળક્યો
સુરતના ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઇ કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો અને સુરતનું નામ રોશન કર્યું હતું. મેન્સ ટેબલ ટેનિસ ફાઇનલમાં તેણે આ સિદ્ધિ હાંસલ કરી હતી. સુરતીઓએ એરપોર્ટ ઉપર તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
સુરત મહાનગર પાલિકામાં વિપક્ષે રાત વિતાવી
સુરત મહાનગર પાલિકાના ઇતિહાસમાં પહેલી વખત વિપક્ષ આપના સભ્યોએ વિરોધ કરવા માટે આખી રાત સામાન્ય સભામાં વિતાવી, વિપક્ષના સભ્યો ગાદલાગોદળા લઇને પહોંચ્યા હતા સામાન્ય સભામાં આ પ્રકારે પહેલી ઘટના બની હતી. આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આ પ્રકારનો વિરોધ કરી લોકોને અને શાસકોને અચંબામાં નાંખી દીધા હતાં.
પશુપાલકોની હડતાળને પગલે દૂધની લૂટફાટ
પશુપાલકોની હડતાળના કારણે ઠેરઠેર દૂધની લૂંટફાટ થઇ હતી. પશુપાલકો તેમની માંગ સાથે સરકાર સામે આંદોલન પર ઉતર્યા હતા.
સુરતમાં ત્રિરંગા છવાયા
પૃથ્વી ફરતે અઢી વખત લપેટાઇ તેટલા ત્રિરંગા સુરતમાં બન્યા હતાં જળ, નભ, થલ સમગ્ર સુરત ત્રિરંગામાં લપેટાયું, હર ઘર ત્રિરંગાને અદભૂત પ્રતિસાદ મળ્યો હતો
રિંગ રોડને નડતરરૂપ મંદિર અને દરગાહ રાતોરાત દૂર કરી દેવાયા
સુરતમાં 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ
સુરત ખાતે નેશનલ ગેમ્સનો પ્રારંભ ઇનડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યો હતો. અહીં દેશના જાણીતા ખેલાડી સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા હતાં. બેડમિન્ટન સ્ટાર પી.વી.સિંધુ પણ સુરત આવી હતી જો કે, તેણે સ્પર્ધામાં ભાગ લીધો ન હતો.
અમરોલીમાં ત્રિપલ મર્ડરની ઘટનાથી સુરત હચમચી ઉઠ્યું
અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં વેદાંત ટેક્સોમાં રવિવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. સામાન્ય લડાઇ અને બોલાચાલીમાં ટ્રીપલ હત્યા થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. ફાઇનાન્સ કેપિટલ તરીકે જાણીતું સુરત શહેર વધુ એક વખત મર્ડર કેપિટલ તરીકે ચર્ચામાં આવ્યું છે. અંજની ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બે કારીગરોએ તેમના શેઠ પિતા, પુત્ર તથા મામાની કરપીણ હત્યા કરી હોવાની વિગત જાણવા મળી છે. કામદારો ચાલુ નોકરીએ ઉંઘતા હોવાથી તેઓને મારનાર કલ્પેશ દ્વારા નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ કારીગરોને ફટકારવાની સામાન્ય ઘટના ટ્રીપલ હત્યાકાંડ સુધી પહોંચી ગઇ હતી.
સુરત એરપોર્ટ ઉપરથી ચેવડાના પેકેટમાં લઇ જવાતા 6.50 કરોડના હીરા પકડાયા
સુરત એરપોર્ટ ઉપરથી શારજાહ જતાં યુવાન પાસેથી 6.50 કરોડના હીરા મળ્યા, ચેવડાના પેકેટમાં કાર્બનમાં લપેટીને લઇ જવાતા હતાં ડાયમંડ. ડાયમંડ દુબઇ લઇ જવામાં આવતા હતાં. આ નવી તરકીબથી કસ્ટમના અધિકારી પણ ચોંકી ગયા હતાં.
સુરત હીરા બુર્સમાં ગણેશ સ્થાપના
સુરત હીરાબુર્સમાં વિકાસનું કામ પૂર ઝડપે કરવામાં આવ્યું હતું. ગણેશ સ્થાપના દિવસે અહીં 4200 લોકોએ સામૂહિક આરતી કરી હતી.
જાન્યુઆરી
18 સુરતમાં રાજધાની ટ્રાવેલ્સમાં વિસ્ફોટ સાથે આગ મહિલા ભડથું, 11 દાઝી ગયા
24 સુરતના ટેનિસ સ્ટાર હરમીત દેસાઇને ફ્રાન્સના પેરિસમાં લૂંટી લેવાયો
29 સુરતના આકાશમાં બે વિમાનો અથડાતા રહી ગયા
ફેબ્રુઆરી
04 આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાઇ ગયા
07 કોરોનાનું સંક્રમણ ઘટતા સુરતમાં ફરી શાળાઓ શરૂ થઇ પહેલા દિવસે 75 ટકા હાજરી નોંધાઇ
12 સુરતની એબીજી શિપયાર્ડની દેશની બેંકો સાથે સૌથી મોટી છેતરપિંડી, 22,842 કરોડની છેતરપિંડી
માર્ચ
01 પોલીસ બંદોબસ્ત વચ્ચે માથાભારે સજ્જુ કોઠારીના ઘરનું ડિમોલિશન
07 પાંડેસરામાં 11 વર્ષની બાળકીની નજર સામે માતાની હત્યા કરનાર હર્ષ સહાયને ફાંસી
31 સ્મીમેરના રેગિંગ કેસમાં ચાર સિનિયર ડોક્ટરને સસ્પેન્ડ કરાયાં
એપ્રિલ
12 ધો. 12 સાયન્સના પરિણામમાં રાજ્યમાં સૌથી વધુ સુરતના તેજસ્વી તારલા ઝળક્યા
14 ભારતીય નૌકાદળના જહાજને આઇએનએસ સુરત નામ અપાયું
27 શ્રીનગરના જોજિલા માર્ગ ઉપર ટવેરા ખીણમાં ઉતરી જતાં સુરતના ટુર ઓપરેટર સહિત 9નાં મોત
29 સુંવાલીના દરિયામાં સુરતના પાંચ યુવાનોના ડૂબી જતાં મોત
મે
15 ભારતના સંરક્ષણ મંત્રાલયે 7400 ટન વજન ધરાવતા યુદ્ધ જહાજને INS-Surat નામ આપી સુરતનું ગૌરવ વધાર્યું.
25 ખરાબ હવામાનના લીધે કેદારનાથના માર્ગ ઉપર સુરતના યાત્રાઓ ફસાયા હતા. બે રાત બસમાં વીતાવવી પડી હતી..
જૂન
05 4200 દિવાની મહાઆરતી સાથે સુરત ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના કરવામાં આવી
06 સમગ્ર રાજ્યમાં ધો. 10 બોર્ડના પરિણામમાં સુરત જિલ્લાનો 74.64 ટકા સાથે જયજયકાર
18 ઉધના રેલવે સ્ટેશનનું રૂપિયા રૂપિયા 244 કરોડના ખર્ચે નવીનીકરણ, પીએમ મોદીના હસ્તે ઇ ખાતમુહુર્ત
જુલાઇ
01 સુરતમાં મેઘતાંડવ, વરાછામાં 12 કલાકમાં 11 ઇંચ વરસાદ
09 સુરતના પ્રવાસીઓની બસ સાપુતારાની ખીણમાં ખાબકી, બેનાં મોત
26 પૂણામાં બાળકી ઉપર બળાત્કાર ગુજારી હત્યા કરનાર લલનસિંહને ફાંસી
ઓગસ્ટ
16 સુરત જિલ્લામાં ભારે વરસાદથી સુરતમાં ખાડીપૂર
18 ઉઘરાણાનું શુટિંગ કરતા વકીલ મેહુલ બોઘરા ઉપર ટીઆરબી સાજન ભરવાડનો હુમલો, વકીલોમાં ભારે આક્રોશ, રેલી કાઢી વિરોધ પ્રદર્શન
31 સુમુલે દૂધના ભાવમાં લિટરે રૂપિયા 2નો વધારો ઝીંક્યો
સપ્ટેમ્બર
04 ચાઇનિઝ રમકડાંની આડમાં સુરતમાં ઘૂસાડાતી 20 કરોડની ઇ સિગરેટ ઝડપાઇ
11 સચિનની કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં છનાં મોત
13 પૂણામાં પ્રેમીને બંધક બનાવીને પ્રેમિકા ઉપર પાંચ નરાધમોનો સામુહિક બળાત્કાર
19 સુરતમાં 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ
ઓક્ટોબર
01 સુરત મ્યુનિ. કમિ. બંછાનિધિ પાનીની વડોદરા બદલી, નવા કમિ. તરીકે શાલિની અગ્રવાલ
03 સુરતમાંથી 1200 કરોડના ક્રિકેટ પરના સટ્ટાના આંતર રાષ્ટ્રીય વ્યવહાર પકડાયા
નવેમ્બર
02 સિટીલાઈટ રોડ પર બે વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરાયું. આ કેસમાં મહિલા હેડ કોન્સ્ટેબલની સતર્કતાના લીધે ગણતરીના કલાકોમાં આરોપી પકડાયો.
03 અંડર 19 કુચ બિહાર ટ્રોફીમાં સુરતના ચાર ખેલાડી રૂદ્ર પટેલ, ક્રિશ ગુપ્તા, ઉજ્જવલ ભગત અને દેવ કથીરિયાની પસંદગી કરાઈ.
ડિસેમ્બર
14 સુરતમાંથી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIનો એજન્ટ દીપક સાળુંકે પકડાયો. આર્મીની ગુપ્ત માહિતી પાકિસ્તાની એજન્ટને પહોંચાડતો હતો.
26 અમરોલીમાં ટ્રીપલ મર્ડરની ઘટના બની: કામદારોએ માલિક તેના પિતા અને મામાને રહેંસી નાંખ્યા.