સુરત : ચીન જેવી જ કોરોનાની ભયંકર સ્થિતિ ભારતમાં નહીં આવે તે માટે ફરી એક વખત કોવિડ-19ની (Covid-19) ગાઇડ લાઇનનું (Guide line) પાલન થઈ રહ્યું છે. ભારત સરકારે (Government Of India) પણ ભીડભાડ વાળી જગ્યા પર માસ્ક (Mask) પહેરવાનું સૂચન કર્યું છે. તેવામાં જ સુરતમાં સ્કૂલે પણ પોતાના વિદ્યાર્થીઓને માસ્ક પહેરે તેવું સૂચન કર્યું છે. જોકે, તે ફરજિયાત નહીં હોવાનું જણાવ્યું હતુ.સુરતમાં 1629 શાળા કાર્યરત છે. સંચાલકો અને આચાર્યોએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ ન થાય તે માટે શાળાઓમાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરે તે હિતાવહ છે. જોકે તેમાં કોઈ વિદ્યાર્થીઓને ફરજ પાડવામાં નહીં આવે. શાળાઓમાં લાખ્ખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઉપરાંત ઘણી સ્કૂલોમાં આચાર્યોએ વાલીઓને સૂચના આપી છે કે વિદ્યાર્થીને શરદી કે ખાંસી કે પછી તાવ આવતો હોય તો સ્કૂલે મોકલવા નહીં અથવા તો કોવિડ-19નો રિપોર્ટ કઢાવી લીધા બાદ જ આવવું. વાત એવી છે કે શિયાળાને પગલે ઘણા બાળકો અને વાલીઓ શરદી કે ખાંસી કે તાવના કેસો જોવા મળી રહ્યા છે.
સ્કૂલોએ વાલીઓને સૂચના આપી: માસ્ક અને સેનિટરાઇઝર લઇને જ મોકલવા
જેથી ડીઇઓના મૌખિક આદેશથી સ્કૂલ સંચાલકોએ સૂચના આપી છે કે વિદ્યાર્થી કે ટિચિંગ કે પછી નોન-ટિચિંગ સ્ટાફના કર્મચારી બિમાર હોય તો રજા આપવી. જે પછી સ્કૂલોએ વાલીઓને સૂચના આપી છે કે વાલીઓએ તેમના બાળકોને સ્કૂલમાં કઇ કઇ પ્રકારની તકેદારી રાખવી તે બાબતની પૂરતી સમજ આપવાની રહેશે. ઉપરાંત માસ્ક અને સેનિટરાઇઝર લઇને જ મોકલવા પણ સૂચના આપી છે.
જિલ્લા પંચાયત અને શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પણ સૂચના અપાઈ
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પરિપત્ર કરવાની સાથે જણાવ્યું હતું કે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની તમામ શાળાઓમાં કોવિડ-19 એસઓપીનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. કોવિડ-19 સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. માટે તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકો, શૈક્ષણિક કર્મચારીઓ અને બિન શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા સલામતીના પગલાં લેવાના રહેશે. જેમાં શાળા પરિસરની યોગ્ય સ્વચ્છતા, સેનિટાઇઝેશન કરવું. હાથ અને ચહેરો ધોવા માટેની યોગ્ય સુવિધા પૂરી પાડવી અને વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને હાથ અને ચેહરાની સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહિત કરવા. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને યોગ્ય રીતે માસ્ક પહેરવા સૂચના આપવામાં આવી છે.