અમદાવાદ: રાજ્યમાં થર્ટી ફર્સ્ટની (Thirty-First) ઉજવણીને લઈ યુવા હિલોળે ચડતા હોય છે, અને દારૂની મહેફિલ સહિત ડાન્સની પાર્ટીઓના આયોજનો થતા હોય છે. તેવામાં રાજ્યની પોલીસ (State Police) દ્વારા આ ઉજવણીને લઈને એક્શન મોડમાં (Action Mode) આવી છે. રાજ્યમાં પ્રવેશતા તમામ સરહદી ચેકપોસ્ટો સહિત ઠેર ઠેર ચેકિંગ પોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડ્રગ્સ અને નશો કરેલા યુવાનોને શોધી કાઢવા પોલીસ બોડી વોર્ન કેમેરા તેમજ ડ્રોન દ્વારા નજર રાખશે. આ ઉપરાંત પાર્ટી પ્લોટો, ફાર્મ હાઉસ અને ક્લબોમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ ઉજવણી દરમિયાન મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસ પણ સતત નજર રાખશે.
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ પોલીસે આગોતરી તૈયારીઓ શરૂ
રાજ્યમાં આ વખતે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ પોલીસે આગોતરી તૈયારીઓ શરૂ કરી છે. આ ઉજવણીમાં ક્યાંય પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં એ માટે રાજ્યભરમાં પોલીસે જુદા જુદા ચેકિંગ પોઈન્ટ્સ ઊભા કર્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત તમામ શહેરોમાં પોલીસ કમિશનર દ્વારા થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો ઉપર 200થી વધુ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, અને પોલીસ દ્વારા નાકાબંધીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને એસજી હાઇવે, એસપી રિંગ રોડ, અડાલજ સર્કલ, અસલાલી સર્કલ, નરોડા સર્કલ, બોપલ સર્કલ સહિતના તમામ શહેરમાં પ્રવેશવાના માર્ગો ઉપર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
ક્લબો તેમજ હોટલો ઉપર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું
થર્ટી ફર્સ્ટને દિવસે યુવાનો નશાની હાલતમાં ઉજવણી કરતા હોય છે. તેવામાં આવા લોકોને પકડી લેવા માટે બ્રીથ એનલાઈઝર, બોડી વોર્ન કેમેરા સહિત પોલીસને ફરજ ઉપર ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત શહેરના ફાર્મ હાઉસો, પાર્ટી પ્લોટ, ક્લબો તેમજ હોટલો ઉપર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. તેમજ મોટા મલ્ટિપ્લેક્સ, મોલ, ગાર્ડન, રિવર ફ્રન્ટ, સિંધુભવન રોડ, વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ સર્કલ સુધીનો માર્ગ, સીજી રોડ, એસજી હાઇવે, વસ્ત્રાપુર લેક, કાંકરિયા સહિતના તમામ માર્ગો ઉપર અને વિસ્તારોમાં પોલીસે ખાસ નાકાબંધી કરી સુરક્ષાને સઘન બનાવી છે.
ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ અલગ ટુકડી જુદા જુદા માર્ગો પર તૈનાત
થર્ટી ફસ્ટની ઉજવણીઓમાં મહિલાઓ પણ વિશેષ ભાગ લેતી હોય છે. તેવામાં મહિલાઓની છેડતી અટકાવવા માટે મહિલા પોલીસ દ્વારા એન્ટી રોમિયો સ્કવોડ તૈયાર કરી, ખાનગી ડ્રેસમાં મહિલા પોલીસોને ખાસ પોઇન્ટ ઉપર ગોઠવવામાં કરવામાં આવ્યા છે. નવા વર્ષની ઉજવણીના ઉનમાદમાં યુવાનો ઓવર સ્પીડમાં બાઈક ચલાવી ચિચિયારી પાડીને છાંકટા બનતા હોય છે. આવા યુવાનો-મસ્તીખોર લોકોને પકડી લેવા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ અલગ ટુકડી જુદા જુદા માર્ગો પર તૈનાત કરવામાં આવશે. જે ઓવરસ્પીડ વાહનચાલકોને પકડી સ્થળ પર જ દંડનીય તેમજ બાઈક જપ્તી સહિતની કાર્યવાહી કરશે.