Editorial

કોરોનાની સ્થિતિ વધુ વકરતા ચીને હવે આંકડા છૂપાવવાનો ખેલ શરૂ કર્યો

કોરોના વાઈરસે ફરી એક વખત આખી દુનિયામાં ભારે હોબાળો મચાવ્યો છે. ચીન, જાપાન સહિત દક્ષિણ એશિયાના દેશોમાં કોરોના કેસમાં અસાધારણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે શનિવારે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા પ્રવાસીઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, ભારતે બીએફ.૭ વેરિઅન્ટથી ડરવાની, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવાની કે લોકડાઉન લાગુ કરવાની જરૂર નથી, પરંતુ લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા નિયમોના પાલન સહિતની તકેદારી રાખવી જોઈએ તેમ નિષ્ણાતોએ કહ્યું હતું.

ચીનમાં કોરોના વાઈરસે ભારે વિનાશ વેર્યો છે ત્યારે ભારતમાં પણ લોકડાઉન અંગે લોકોમાં ચિંતા થવા લાગી છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો પર પ્રતિબંધ મૂકવા અથવા લોકડાઉન લાગુ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ નિરીક્ષણ અને સાવધાની મજબૂત કરવી જોઈએ. એઈમ્સના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ભારતમાં કોરોનાના ગંભીર કેસ વધવા અને દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવનાઓ નથી, કારણ કે ભારતીયોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટી વિકસી ગઈ છે.

રસીકરણ પર રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર જૂથના અધ્યક્ષ ડૉ. એન. કે. અરોરાએ કહ્યું કે ભારતમાં લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી ભારત આવનારા પ્રવાસીઓમાં કોરોના વાઈરસની તપાસ કરવા માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત કરાયું છે. આ દેશોના પ્રવાસીઓમાં કોરોના વાઈરસના સંક્રમણના લક્ષણો જણાતા અથવા તપાસમાં તેમના સંક્રમણની પુષ્ટી થતાં અથવા તેમના રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને સીધા જ ક્વોરન્ટાઈન કરાશે. આ દેશોમાંથી આવતા પ્રવાસીઓએ એક ફોર્મ ભરીને પોતાની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે માહિતી પણ આપવી પડશે.

તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લુરુ, ચેન્નઈ, અમદાવાદ, પૂણે, ઈન્દોર અને ગોવા સહિતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર બે ટકા પ્રવાસીઓનું રેન્ડમ ટેસ્ટિંગ શરૂ પણ કરી દેવાયું છે. કેન્દ્રની નવી માર્ગદર્શિકા મુજબ પ્રત્યેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં બે ટકા પ્રવાસીઓનું રેન્ડમ ટેસ્ટિંગ શરૂ કરાયું છે. દેશમાં ૨૯ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે અને ૨૩મીએ દેશમાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા ૮૭,૯૬૬ છે તેમ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડેટા પરથી જણાયું છે.

દરમિયાન ભારતમાં બે દિવસમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. દેશમાં શનિવારે કોરોનાના નવા ૨૦૧ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા ૪,૪૬,૭૬,૮૭૯ કરોડે પહોંચી છે જ્યારે એક્ટિવ કેસ વધીને ૩,૩૯૭ થયા છે. કેરળમાં એક દર્દીના મોત સાથે કોરોનાનો મૃત્યુઆંક ૫,૩૦,૬૯૧ થયો છે. શુક્રવારે કોરોનાના ૧૮૫ કેસ હતા જ્યારે ગુરુવારે ૧૩૫ કેસ નોંધાયા હતા.બીજી તરફ વિશ્વભરમાં કોરોનાની બીજી લહેરનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને ચીનમાં આ વાયરસના કારણે સતત વધી રહેલા કેસોએ દરેકની ચિંતા વધારી દીધી છે.

એક દિવસ પહેલા જ ખુલાસો થયો હતો કે, ચીનમાં એક જ દિવસમાં કોરોનાના 3.7 કરોડ કેસ જોવા મળ્યા હતા, જે વિશ્વના કોઈપણ દેશમાં સંક્રમિત થવાનો રેકોર્ડ હતો. આ ડરની સ્થિતિ વચ્ચે ચીને હવે કોરોના કેસ અને મૃત્યુના દૈનિક ડેટા પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો છે.ચીનની સરકાર પહેલાથી જ કોરોનાના નવા કેસ અને મૃત્યુ વિશે માહિતી છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે તેણે ઈન્ટરનેટથી લઈને અખબારો સુધી સેન્સર નીતિ લાગુ કરી છે.  હવે ચીનના આરોગ્ય આયોગ દ્વારા કોવિડ ડેટા જાહેર ન કરવાથી સમગ્ર વિશ્વ માટે મોટો ખતરો ઉભો થઈ શકે છે. આ ડેટાના આધારે, વિવિધ દેશો ફ્લાઇટ્સની અવરજવર અને ચીન સાથે સતર્કતા અંગે નિર્ણય લે છે.

જો કે, NHCએ નવીનતમ ડેટામાં શું થશે તે અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી. ચીનમાંથી બહાર આવતા ડેટા પણ ભરોસાપાત્ર નથી. હકીકતમાં, ચીનમાં કરોડો કેસ હોવા છતાં, તેના દ્વારા ચેપ અને મૃત્યુના સાચા આંકડા જાહેર કરવામાં આવતા નથી. 22 ડિસેમ્બરે જ NHCએ જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાને કારણે કોઈ નવું મૃત્યુ થયું નથી. આ દિવસે, ચીનમાં કેસની સંખ્યા પણ માત્ર 3,761 હોવાનું નોંધાયું હતું. બીજી તરફ, 21 ડિસેમ્બરના રોજ, ચીનમાં 3030 કેસ અને કોઈ જાનહાનિની ​​વાત કરવામાં આવી હતી.

હાલમાં, ચીનની સરકાર ફક્ત એવા લોકોના મૃત્યુ પર વિચાર કરી રહી છે જેમને શ્વાસની સમસ્યા અથવા કોરોનાથી ન્યુમોનિયા થયો છે. અહેવાલો અનુસાર, ચીનમાં અત્યાર સુધીમાં 24 કરોડ 80 લાખ લોકોને કોરોના હોવાની ખબર સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનની 17.56 ટકા વસ્તી પહેલા 20 દિવસમાં જ વાયરસથી સંક્રમિત થઈ ગઈ છે. ચીનમાંથી ઘણી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં હોસ્પિટલોની બહાર ભારે ભીડ જોવા મળે છે. અમૂક અહેવાલો મુજબ, હાલ ત્યાંના શબઘરોમાં પણ ભીડ જોવા મળી રહી છે.

Most Popular

To Top