Vadodara

જાંબુઘોડાની સરકારી કોલેજ જોશો તો ફરી ભણવાનું મન થઇ જશે !

જાંબુઘોડા: જાંબુઘોડા પહોંચતા પૂર્વે બે ટેકરીઓ વચ્ચે રાજમાર્ગની બાજુમાં જ આ સરકારી કોલેજ બનાવવામાં આવી છે. આમ તો જાંબુઘોડામાં વર્ષ ૨૦૧૭થી કોલેજ કાર્યરત કરવામાં આવી હતી. પણ, ૨૦૨૧માં કોલેજનું આ નવું બિલ્ડિંગ રૂ. ૧૬ કરોડના ખર્ચથી બનાવી ત્યાં તમામ સુવિધાઓ સાથે શિક્ષણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. કોલેજની સામે ઉત્તર તરફે નારૂકોટનો ડુંગર અને પાછળના દક્ષિણ ભાગે કડા ડેમની ટેકરીઓ છે. કોલેજના વર્ગ ખંડમાંથી જૂઓ તો કુદરતનું સર્વાંગ સૌંદર્યના દર્શન થાય છે. આર્ટ્સ વિભાગનું બિલ્ડિંગ ત્રણ માળ અને સાયન્સ વિભાગનું બિલ્ડિંગ બે માળનું છે.

આ સરકારી કોલેજ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. તેના કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ કહે છે, રાજ્ય સરકારના શિક્ષણ પ્રત્યેના ઉમદા અભિગમને પરિણામે જાંબુઘોડામાં સરકારી કોલેજ કાર્યરત કરવામાં આવી છે. આવા અંતરિયાળ વિસ્તારોમાં આર્ટ્સ અને સાયન્સ કોલેજ શરૂ થતાં કન્યા શિક્ષણને પણ પ્રોત્સાહન મળ્યું છે. ધોરણ ૧૨ પછી ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતી આદિવાસી છાત્રાઓને ઘર આંગણે કોલેજની સુવિધા મળી છે. હાલમાં આ કોલેજમાં દૂર દૂરના વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થિનીઓ સાયન્સ અને આર્ટ્સ વિદ્યાશાખામાં અભ્યાસ કરવા આવે છે.

કોલેજના પ્રાચાર્ય ડો. જયેશ યાજ્ઞિક કહે છે, જાંબુઘોડા સરકારી કોલેજમાં હાલમાં કુલ ૮૬૨ છાત્રો અભ્યાસ કરે છે. જેમાંથી ૨૨૭ છાત્રો વિજ્ઞાન વિદ્યાશાખા અને બાકીના વિનયન શાખામાં છે. રાજ્ય સરકાર દ્વારા એકદમ ઉપયુક્ત સ્થળે કોલેજ બનાવવામાં આવી છે. અહીંના ૫૦ કિલોમિટરના વર્તુળમાં સાયન્સ કોલેજ નથી. તેથી દૂરદરાજના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે. હાલોલ, બોડેલી, ઘોઘંબા અને જરોદથી પણ છાત્રો અભ્યાસ કરવા માટે દાખલ થયા છે. ખાસ કરીને આદિવાસી છાત્રાઓ માટે આ કોલેજ તો આશીર્વાદ સ્વરૂપ છે.

હાલમાં આ કોલેજમાં વિજ્ઞાન પ્રવાહમાં રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર અને વિનયનમાં મુખ્ય ભાષા સહિતના અભ્યાસની તક મળે છે. છાત્રોને અભ્યાસેત્તર પ્રવૃતિ પણ કરાવવામાં આવે છે. છાત્રોને સરકારના નિયમો મુજબની શિષ્યવૃત્તિ સાથે ફ્રિ શીપ કાર્ડ પણ મળે છે. વળી, અહીં કોલેજ દ્વારા યુવતીઓ માટે એક અલાયદો રૂમ પણ ફાળવ્યો છે. જેમાં રિસેસ સમયમાં તે બેસી શકે છે. આવી વ્યવસ્થા ગુજરાતની એક પણ કોલેજમાં નથી.બોડેલીથી અભ્યાસ કરવા માટે આવતી ટી.વાય. બીએસસીની છાત્રા દીપાલી બારિયા કહે છે, ધોરણ બારનો અભ્યાસ કર્યા બાદ નજીકમાં કોલેજ હોવાથી આગળ વધવાની તક મળી છે.

નહીં તો અમારે બહાર જવું પડ્યું હોત. મોટા શહેરોમાં શિક્ષણ સાથે રહેવાનો ખર્ચ પણ થાય છે. તેની સામે મારા ઘરથી માત્ર ૧૫ કિલોમિટર દૂર કોલેજ હોવાથી ખર્ચમાં પણ બચત થઇ છે. આવી જ વાત હાલોલની જ્યોતિકા પરમારની પણ છે. તે કહે છે, માત્ર રૂ. ૫૦૦માં અમને અહીં અભ્યાસ કરવાની તક મળી છે. મેં પહેલા વડોદરાની કોલેજમાં પ્રવેશ લીધો હતો. ત્યાં અપડાઉનમાં બહુ મુશ્કેલી પડતી હતી. હવે અહીં ખૂબ જ સરળતા રહે છે. આવા વિસ્તારોમાં કોલેજમાં શરૂ કરવા બદલ ગુજરાત સરકારનો આભાર માનવો ઘટે. આમ, રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં શરૂ કરવામાં આવેલી વિજ્ઞાન પ્રવાહની શાળા અને મહાશાળાઓ અનેક છાત્રોને ઉચ્ચ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવાનું ઉમદા કાર્ય કરી રહી છે.

Most Popular

To Top