નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતાં હોય છે. દર્શનાર્થે આવનાર મોટાભાગના શ્રધ્ધાળુઓ મંદિરની સામે આવેલ પવિત્ર ગોમતી તળાવની અવશ્ય મુલાકાત લેતાં હોય છે. જેને ધ્યાનમાં રાખી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા થોડા વર્ષો અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે પવિત્ર ગોમતી તળાના બ્યુટીફિકેશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગોમતી તળાવના મુખ્ય ઘાટ ઉપર પથ્થરો ઉપર કોતરણી કરી કલાત્મક મઢુલીઓ બનાવવામાં આવી હતી. જે તે વખતે ગોમતીના બ્યુટીફિકેશનની કામગીરીમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની બુમો પણ ઉઠી હતી.
આ મામલે પૂર્વ ધારાસભ્ય ઉપરાંત નગરના જાગૃત નાગરીકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ, જાણે કે સરકાર તેમજ અધિકારીઓની પણ આ ભ્રષ્ટાચારમાં મિલીભગત હોય તેમ કોન્ટ્રાક્ટર ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી જેમતેમ કામ પૂર્ણ કરી દીધું હતું. પરિણામ સ્વરૂપ કરોડો રૂપિયાના ખર્ચે ગોમતીઘાટ પર બનાવવામાં આવેલ મઢુલીઓ તુટવા લાગી છે. એકાદ મહિના અગાઉ જ તળાવના મુખ્ય ઘાટ ઉપર એક મઢુલીની છત એકાએક તુટી પડી હતી.
જોકે, રાત્રીના સમયે આ બનાવ બન્યો હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. તુટેલી મઢુલીનો કાટમાળ એક મહિના બાદ પણ ત્યાં જ પડી રહ્યો છે. તંત્ર દ્વારા તે મઢુલી ફરતે દોરડાં બાંધીને સંતોષ માન્યો છે. પરંતુ કાટમાળ હટાવવાની કે તુટેલી મઢુલીનું સમારકામ કરવાની તસ્દી લેવામાં આવી નથી. વચ્ચોવચ કાટમાળ પડેલો હોવાથી ગોમતીઘાટની મુલાકાતે આવતાં સહેલાણીઓને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તેમછતાં તંત્ર ઘોર લાપરવાહી દાખવી રહ્યું છે. જેને પગલે ગ્રામજનો ઉપરાંત ગોમતીઘાટની મુલાકાતે આવતાં દર્શનાર્થીઓ અને સહેલાણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.