વિરપુર : વિરપુરના ભાટપુરા ગ્રામ પંચાયતના નાયક ફળીયામાં પાકો રસ્તો કરવામાં આવતો નથી. જેના લીધે ગામમાં 108 એમ્બ્યુલન્સ આવતી નથી. જ્યારે કોઈ મહિલાની ડીલેવરી હોય ત્યારે ઝોલામાં લઈને એક કીલો મીટર સુધી લાવવી પડે છે. આ અંગે સરપંચ, તલાટી તેમજ જીલ્લા કક્ષાએ પણ અનેક રજુઆતો કરી છે, છતાં સુધી અમારો નવો રોડ બનતો નથી. વિરપુર તાલુકાના ભાટપુર ગ્રામ પંચાયત હસ્તક આવતા નાયક વિસ્તારનો એક કિલોમીટરનો માર્ગ આઝાદીના આટલા દાયકાઓ બાદ પણ બન્યો નથી. કેટલાય વર્ષાથી આ માર્ગ ઠેરનો ઠેર કાચો છે.
જેના કારણે ગ્રામજનોને હાલાકી પડી રહી છે. સાથોસાથ વિદ્યાર્થીઓને પણ અવરોધ થાય છે, એક તરફ રાજ્ય સરકાર ગામડાઓને શહેર સમક્ષ બનાવવાની વાતો કરી રહી છે. તો બીજી તરફ તાલુકાના ભાટપુર ગામના લોકોએ આઝાદી બાદ ગામને જોડતો પાકો રસ્તો જોયો નથી. નાયક વિસ્તારને જોડતો એક કિલોમીટરનો રસ્તો વર્ષોની માંગ બાદ પણ નહીં બનતા અહીંના લોકોને ચોમાસા દરમિયાન કાદવ કીચડ ડહોળીને રસ્તો પસાર કરવો પડી રહ્યો છે. જો કોઈ બીમાર પડે તો આ જગ્યામાં એમ્બ્યુલન્સ તો દૂર પણ ટ્રેકટર પણ પહોંચી શકતું નથી. જેના કારણે દર્દીને સ્થાનિકોની મદદથી ઝોળી બનાવી તેમાં બેસાડી દવાખાના સુધી પહોંચાડવા પડે છે.