ગણદેવી: (Gandevi) ધમડાછા વિભાગ શિક્ષણ મંડળની સ્થાપનાને સાઠ વર્ષ પૂર્ણ થયાના અવસરે શાળાના લાભાર્થે શનિવાર રાત્રે કચ્છી કોયલ ગીતા રબારીનો (Geeta Rabari) લોકડાયરો (Lok Dairo) યોજાયો હતો. જેમાં ભજનો, લોકગીતો અને દેશ પ્રેમ રજૂ કરવાની આગવી હલક (લ્હેકો-ટહુકો) સાંભળી સેંકડોની જનમેદની આફરીન પોકારી ઉઠી હતી. તે સાથે સ્ટેજ રૂપિયાના વરસાદથી (Rupees Rain) છલકાઈ ઉઠ્યો હતો.
ધમડાછા વિભાગ શિક્ષણ મંડળના ભાવિ આયોજનો માટે ફંડ એકત્ર કરવા શનિવાર રાત્રે લોકડાયરા યોજાયો હતો. શાળા પરીસરના સામિયાણામાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. જેમની સમક્ષ કચ્છી કોયલ ગીતા રબારીએ પોતાની આગવી હલકમાં તાળી પાડો તો મારા રામની બીજી તાળી…, મા તારા આશીર્વાદ મને બહુ ફળ્યો… રોણા શેર માં રે…, માં તું કિતની… રજૂ કરતા જનમેદની આફરીન પોકારી ઉઠતા લાખ્ખો રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. મંડળના પ્રમુખ અનિલ વશીએ જણાવ્યું હતું કે સંસ્થાના સાઠ વર્ષના ગૌરવવંતા ઇતિહાસમાં દસ હજારથી વધુ બાળકોએ અભ્યાસ કરીને તબીબ, ઈજનેર અને બિઝનેસમેન જેવા અનેક ક્ષેત્રે સફળતા મેળવી છે. આચાર્ય અશ્વિન પટેલ, પંકજ નાયક, નીરજ ચોકસી, જીજ્ઞેશ દેસાઈ, વિનોદ નાયક, હાર્દિક નાયક, ડો.રાજેશ્રી ટંડેલ, સંદીપ નાયક, પીએસઆઇ પઢેરીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ, બીલીમોરા અને દમણના ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી
વલસાડ, બીલીમોરા, દમણ : વલસાડ, બીલીમોરાના આંતલીયા ગામે કેથોલિક ચર્ચમાં અને સંઘપ્રદેશ દમણના ઐતિહાસિક ચર્ચ બોબ જીજસ ચર્ચ, ચર્ચ ઓફ અવર લેડી ઓફ સી, અવર લેડી ઓફ રેમેડિયસ ચર્ચ, સેન્ટ જેરોમ ચર્ચ, બ્રોકેન ચર્ચમાં ક્રિસમસ, પ્રભુ ઈસુના જન્મ નાતાલ પર્વની રોશનીના ઝગમગાટ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બીલીમોરામાં ફાધર રોબર્ટ મચાડોએ મેરી ક્રિસમસની શુભેચ્છા સાથે પ્રભુ ઈસુનો પ્રેમ, દયા, ક્ષમાનો સંદેશો પાઠવ્યો હતો. આંતલીયાના કેથોલિક ચર્ચમાં બે સપ્તાહ અગાઉથી નાતાલ પર્વની તૈયારીઓ હાથ ધરાઇ હતી. ઇસુ જન્મના આબેહૂબ દ્રશ્યો, જીવંત બન્યા છે. સમાજના સભ્યો પેરીશ કાઉન્સિલ મેમ્બરો પૈકી માઇકલ રીબેલો, શિવાજી સિંધિપૂરમ, મિ. પિન્ટોએ જહેમત ઊઠાવી હતી.
સૌએ મેરી ક્રિસ્મસની શુભકામના પાઠવી હતી, ૨૦૨૨ ના વર્ષને વિદાય આપી આવનાર ૨૦૨૩ના વર્ષને સત્કારવાના કાર્યક્રમો પણ શરૂ થયા છે. રાત્રે રોશનીના ઝગમગાટ સાથે નાતાલ પર્વને માણવા સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. દમણમાં પણ ભગવાન ઈસુના જન્મ નિમિત્તે ડેકોરેશન અને સુશોભિત ક્રિસમસ ટ્રી ઉપર શણગાર પણ કર્યો હતો. વલસાડના વિવિધ ચર્ચમાં ક્રિસમસની ઉજવણી નિમિત્તે ઈસુ ખ્રિસ્તના જન્મનું મોડેલ તૈયાર કર્યું હતું. રેડ અને વાઈટ ચર્ચમાં પ્રેયરનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ ભાગ લીધો હતો.