અમદાવાદ: (Ahmedabad) જળ શાસન (Water Governance) અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (Sustainable Development) માટે તેના મહત્ત્વ અંગે જાગૃતિ ફેલાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશને (AMA) ‘વોટર ગવર્નન્સ ફોર પ્રોસ્પેરિટી’ વિષય પર એક વાર્તાલાપનું આયોજન કર્યુ હતું, જેમાં કેન્દ્ર સરકારના નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સના ડાયરેક્ટર જનરલ ભરત લાલે (Bharat Lal) જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે ગુજરાતમાં પાણીની ગંભીર અછત વર્તાતી હતી. રાજ્યમાં વિકટ દુષ્કાળની પરિસ્થિતિ હતી. ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય છે અને અહીંના લોકો જે મહેનત કરતા તો જોઇને અમે એવું વિચારતા કે જો ગુજરાતમાં પાણીની સ્થિતિ સારી થઈ જાય તો આ રાજ્ય ક્યાંનું ક્યાં પહોંચી જાય! ગુજરાતનો ઓછો આર્થિક વિકાસદર અને અન્ય સમસ્યાઓના અભ્યાસ દ્વારા અમને સમજાયું કે ગુજરાતના સર્વાંગી વિકાસમાં, ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસમાં તેમજ ગુજરાત રાજ્યની ગરીબી અને અન્ય મુશ્કેલીઓને દૂર કરવામાં જો કોઈ એક સૌથી મોટું વિઘ્નકારી પરિબળ હતું તો તે પાણીની ગંભીર અછત હતી.
એક સમય હતો જ્યારે ગુજરાતમાં પાણીની ગંભીર અછત વર્તાતી હતી
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશને ‘વાઘ બકરીના ઉપક્રમે ‘વોટર ગવર્નન્સ ફોર પ્રોસ્પેરિટી’ વિષય પર યોજાયેલા પરિસંવાદમાં ભરત લાલે વધુમાં કહ્યું કે, 1921માં ભારતની વસતી આશરે 36 કરોડ હતી, જે આજે વધીને 140 કરોડ થઈ છે. જેમ-જેમ વસતી વધતી ગઈ, વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વધતી ગઇ, તેમતેમ લોકોની સમૃદ્ધિ પણ વધતી ગઇ. પરિણામે એક સમયે પ્રતિ વ્યક્તિ 5000 ક્યુબિક મીટરથી પણ વધુ પાણી ઉપલબ્ધ થતું હતું, તે આજે ઘટીને ખૂબ જ ઓછું થઈ ગયું છે. લોકોની સમૃદ્ધિ જ્યારે વધે છે, ત્યારે તે સમૃદ્ધિ જાળવી રાખવા માટે પાણીનો વપરાશ વધી જ જતો હોય છે. પરિણામે આપણને વધુ ને વધુ પાણીની જરૂર પડવાની જ છે.