મથુરાઃ મથુરા (Mathura) ની શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વચ્ચેના વિવાદ મામલે મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. જ્ઞાનવાપીની જેમ શ્રી કૃષ્ણ જન્મભૂમિનો સર્વે કરવામાં આવશે. સિવિલ જજે ઐતિહાસિક ચુકાદો આપતા કોર્ટ કમિશનરની નિમણૂક કરી છે. કોર્ટ કમિશનર મસ્જિદ પરિસરમાં પુરાવાઓની તપાસ કરશે અને તેનો રિપોર્ટ 20 જાન્યુઆરી સુધીમાં કોર્ટને સુપરત કરશે. સિવિલ જજ સિનિયર ડિવિઝન સોનિકા વર્માએ હિન્દુ પક્ષની અરજી પર આ નિર્ણય આપ્યો છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા અને ઉપાધ્યક્ષ સુરજીત યાદવે 8 ડિસેમ્બર 2022ના રોજ સિવિલ કેસ દાખલ કર્યો હતો.
જાણો શું છે મથુરાના વિવાદ
મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વચ્ચે 13.37 એકર જમીનની માલિકીનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં 10.9 એકર જમીન શ્રી કૃષ્ણના જન્મસ્થળ પાસે અને 2.5 એકર શાહી ઈદગાહ મસ્જિદ પાસે છે. હિંદુઓનો દાવો છે કે ઔરંગઝેબે કાશી અને મથુરામાં મંદિરો તોડીને ત્યાં મસ્જિદો બનાવી હતી. ઔરંગઝેબે 1669માં કાશીમાં વિશ્વનાથ મંદિરનો નાશ કર્યો હતો અને 1670માં મથુરામાં ભગવા કેશવદેવના મંદિરને તોડી પાડવાનો આદેશ જારી કર્યો હતો. આ પછી, કાશીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઓગસ્ટ મહિનામાં અલ્હાબાદ હાઈકોર્ટે પણ શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર પેન્ડિંગ પિટિશન પર ચાર મહિનામાં સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો સંભળાવવાનો નિર્દેશ આપ્યો હતો. વાસ્તવમાં, વિવિધ પક્ષો તરફથી આ મામલે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. જસ્ટિસ પીયૂષ અગ્રવાલે ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા આદેશ આપ્યો કે તેની સુનાવણી ચાર મહિનામાં પૂર્ણ કરવામાં આવે.
મુસ્લિમ પક્ષની દલીલ
બીજી બાજુ, શાહી ઇદગાહ મસ્જિદ સાથે સંબંધિત મામલામાં, મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું કે મંદિર ટ્રસ્ટે 1968ના જૂના કરાર સામે ક્યારેય વાંધો ઉઠાવ્યો નથી અને બહારના લોકો આ મામલે અરજી કરી રહ્યા છે. શાહી ઈદગાહ ટ્રસ્ટના એડવોકેટ તનવીર અહેમદનું કહેવું છે કે તે ખૂબ જ વિચિત્ર છે કે કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ અને સંસ્થાએ હજુ સુધી આ મામલે કોઈ વલણ અપનાવ્યું નથી, જ્યારે હિન્દુ અરજીકર્તાઓએ તેમને પક્ષકાર બનાવ્યા છે.