ડાકોર: યાત્રાધામ ડાકોરમાં પોલીસતંત્રની રહેમનજર હેઠળ દેશી-વિદેશી દારૂની બદી સતત વધી રહી છે. જેના પુરાવા સ્વરૂપ નગરમાં ઠેર-ઠેર દારૂની ખાલી બોટલો અને પોટલીઓના ખડકલાં જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને મંદિર તેમજ ગોમતીઘાટ જેવી પવિત્ર જગ્યાની આસપાસ જ દારૂની ખાલી બોટલો અને પોટલીઓ પડેલી જોઈને શ્રધ્ધાળુઓની લાગણી દુભાઈ રહી છે. ત્યારે ડાકોરમાં બેફામ બનેલાં બુટલેગરો સામે પોલીસ લાલ આંખ કરે તે જરૂરી છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં છેલ્લાં ઘણાં સમયથી પોલીસતંત્રની નબળી કામગીરીને કારણે બુટલેગરો બેફામ બન્યાં છે. જેથી નગરમાં દેશી-વિદેશી દારૂની બદી ફુલીફાલી છે.
નગરના મુખ્ય માર્ગો પર રાત્રીના સમયે દારૂડીયાઓ લટાર મારતાં જોવા મળી રહ્યાં છે. તો વળી બીજી બાજુ ડાકોરમાં આવેલ વિશ્વ વિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિર આસપાસના વિસ્તારો ઉપરાંત ગોમતીઘાટ, સ્કુલ-કોલેજના મેદાનો સહિતની વિવિધ જગ્યાઓ પર વિદેશી દારૂની ખાલી બોટલો તેમજ દેશી દારૂની ખાલી પોટલીઓ જ્યાં-ત્યાં પડેલી જોવા મળે છે. તે જોતાં યાત્રાધામ ડાકોરમાં દારૂબંધીનો કાયદો લાગુ પડતો ન હોવાનું લાગી રહ્યું છે. મંદિર તેમજ ગોમતીઘાટ જેવી પવિત્ર જગ્યાઓ આસપાસ જ દારૂની ખાલી બોટલો અને પોટલીઓ જોઈ યાત્રાળુઓની લાગણી દુભાઈ રહી છે.
સાથે-સાથે યાત્રાધામ ડાકોરની છબિ પણ ખરડાઈ રહી છે. તેમછતાં પોલીસતંત્ર નગરમાં દારૂના વેપલાને રોકવા માટે કોઈ તસ્દી લેતું નથી. જેને પગલે પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ હોવાની ચર્ચા પણ ફુલીફાલી છે. ત્યારે યાત્રાધામની છબિ ખરડાતી અટકાવવા અને યુવાધનને ખોટા રવાડે ચઢતાં અટકાવવા માટે પોલીસતંત્ર સક્રિયતા દાખવી નગરમાં દારૂબંધીનો કડકપણે પાલન કરાવે તેવી જાગૃત તેમજ ગાંધીવાદી નાગરીકોની માંગ ઉઠવા પામી છે. ડાકોરમાં દારૂબંધીના અમલ માટે અગાઉ પણ ફરિયાદો ઉઠી હતી. પરંતુ સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાથી આ બદી ફુલી ફાલી છે.