નડિયાદ : નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર સમસ્યાઓ હવે સામાન્ય બની ગઈ હોવાનું જણાઈ રહ્યુ છે. શહેરના નાનાકુંભનાથ રોડ પર ગટરના પાણી ઉભરાઈને રોડ પર આવી ગયા છે. રોડની સાઈડે ગટરના પાણીનું વહેણ વહી રહ્યુ છે. આ પાણીનો ભરાવો છેક ઈપ્કોવાલા હોલના મુખ્ય દરવાજા સુધી પહોંચ્યો છે. આ પોશ વિસ્તાર હોય, અહીંયા દૂષિત પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નડિયાદ શહેરમાં કાંસની યોગ્ય સફાઈના અભાવે અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. ક્યાંક રહેણાંક મકાનો નજીક ગટરોના પાણી અટકી જતા લોકોના ઘરમાં પાણી ઘુસી રહ્યા છે, તો હવે નડિયાદના નાના કુંભનાથ રોડ પર પણ આવી જ સમસ્યા સર્જાઈ છે.
ગટરો અને કાંસની યોગ્ય સફાઈ ન ભુતનાથ મંદિર પાસે ગટર ઉભરાઈ છે. જેના દૂષિત પાણીનો રેલો મંદિરની બહારથી લઈ આગળ મુખ્ય સ્મશાનની બહાર અને ઈપ્કોવાલા હોલના ગેટ પાસે પહોંચ્યો છે. અહીંયા મુખ્ય સ્મશાન હોવાથી ત્યાં મોટા પ્રમાણમાં લોકો અંતિમ વિધીમાં આવતા હોય છે, તો વળી, ઈપ્કોવાલા હોલની આસપાસ પણ મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહે છે અને ભુતનાથ મંદિરમાં પણ શ્રદ્ઘાળુઓ આવતા હોય છે. તેમને આ ગટરના પાણીના કારણે અગવડતા ભોગવવી પડે છે. તંત્રની અણઆવડતના કારણે વધુ એક વિસ્તારમાં સમસ્યા માથાનો દુઃખાવો બની છે. તાત્કાલિક અહીંયા યોગ્ય કામગીરી કરી ગટરના પાણી ન ઉભરાય તેવી વ્યવસ્થા કરવા માગ ઉઠી છે.
સ્મશાનની બહાર ગંદકીનું સામ્રાજ્ય
નડિયાદના મુખ્ય સ્મશાનની બહાર લોકો કચરો ઠાલવી રહ્યા છે. જેના કારણે મોટા પ્રમાણમાં અહીંયા કચરાનું સામ્રાજ્ય જામ્યુ છે. લોકો સુકો અને ભીનો કચરો ઠાલવતા ત્યાં દુર્ગંધ મારી રહી છે. લાંબા સમય સુધી પ્રશાસન દ્વારા અહીંયા ગંદકી સાફ ન કરતા લોકો માટે ત્યાંથી પસાર થવુ પણ મુશ્કેલ બન્યુ છે. ત્યારે સ્મશાનની બહાર આ પ્રકારની ગંદકી જોઈ અંતિમ વિધીમાં આવતા લોકો પણ તિખળ કરી રહ્યા છે.