ગાંધીનગર : ચીન, જાપાન, બ્રાઝિલ અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) જેવા કેટલાક દેશોમાં તાજેતરના કોરોનાના (Corona) કેસોમાં થયેલા વધારાને પગલે કેન્દ્ર સરકારે હવે રાજ્યને સાવચેતી સાથે કોરોનાના નવા વેરિએન્ટ BF.7 ને ધ્યાને લીધા સિવાય કોરોનાને કાબુમાં રાખવાની વ્યૂહરચના ચાલુ રાખવાની સલાહ આપી છે. આજે નવી દિલ્હીમાં (New Delhi) કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. જુન – 2022માં સર્વેલન્સની વ્યૂહ રચના જાહેર કરાઈ હતી. તેનો અમલ ચાલુ રાખવા જણાવાયુ છે.
કેન્દ્રએ આપેલી સલાહ મુજબ, કોવિડના નવા વેરિઅન્ટ્સને ધ્યાનમાં લીધા વિના, ‘ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેટ અને કોવિડ સંબંધિત યોગ્ય વર્તણૂકનું પાલન’એ કોવિડના વ્યવસ્થાપન માટે પરખાયેલી વ્યૂહરચના તરીકે જળવાઇ રહે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, આનાથી યોગ્ય જાહેર આરોગ્યના પગલાં હાથ ધરવામાં સરળતા રહેશે. રાજ્યો,કેન્દ્રશાસિત પ્રદેશોને 22 ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થતા સપ્તાહે, પ્રતિ મિલિયન 79 પરીક્ષણોના વર્તમાન દરથી ઝડપથી પરીક્ષણનો દર વધારવા માટે પણ જણાવવામાં આવ્યુ છે.
દેશમાં ફેલાઇ રહેલા કોરોનાના નવા પ્રકાર BF.7, જો કોઇ હોય તો, સમયસર શોધી શકાય તેની ખાતરી કરવા માટે ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) નેટવર્ક દ્વારા વેરિયન્ટ્સને ટ્રેક કરવા માટે પોઝિટિવ કેસના સેમ્પલના સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ માટે સર્વેલન્સ સિસ્ટમ મજબૂત કરવામાં જણાવાયુ છે. આરોગ્ય સુવિધા આધારિત સેન્ટિનલ સર્વેલન્સ, સાર્વત્રિક-શ્વસન વાઇરસ સર્વેલન્સ, સમુદાય આધારિત દેખરેખ, અને ગટર,ગંદાપાણીની બાબતે સ્વચ્છતા રાખવા માટે જણાવવામાં આવ્યુ છે.