SURAT

સુરત: મેટ્રોના ખોદકામમાં BSNLની લાઈન કપાઈ જતાં ફાયર બ્રિગેડના ફોન કલાકો સુધી મૂંગામંતર

સુરત: સુરત (Surat) શહેરમાં મેટ્રો (Metro) રેલ માટે ખોદકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ચોકબજાર પાસે ક્રાઇમ બ્રાન્ચ પોલીસમથકની (Police Station) સામે મેટ્રો પાઈલિંગની કામગીરી દરમિયાન જમીનની અંદર ૪૦ મીટર ઊંડે બીએસએનએલની લાઈન તૂટી ગઈ હતી, જેમાં સુરત મહાનગર પાલિકાના (SMC) ફાયરબ્રિગ્રેડ વિભાગની લાઈન તૂટી જતાં ફાયરબ્રિગ્રેડના તમામ ફોન માત્ર ડબ્બા બની ગયા હતા. સાંજે પાંચ વાગ્યાથી ફાયરબ્રિગ્રેડની તમામ નોર્મલ લાઈન સાથે હોટ લાઈનો બંધ થઈ જવાના કારણે મનપાના અધિકારીઓ સાથે બીએસએનએલના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આખી રાત બીએસએનએલના જોડાણની કામગીરી થવી શક્ય ન હોવાના કારણે લોકોએ ફાયરબ્રિગ્રેડનો સંપર્ક કરવા માટે ૧૦૧ નંબરનો જ ઉપયોગ કરવો પડશે.

  • આઠ સાદી લાઈન સાથે ટોરેન્ટ, જીઈબી, પોલીસ અને એરપોર્ટ સહિતની હોટલાઇન પણ બંધ
  • નપાના અધિકારીઓ સાથે બીએસએનએલના અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા

ચોકબજારમાં મેટ્રો રેલ પાઈલિંગની કામગીરી ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની સામે ૪૦ મીટર ઊંડા ખોદાણની કામગીરી દરમિયાન સાંજે ૫ વાગ્યાના અરસામાં અચાનક જ બીએસએનએલની લાઈનમાં વાયર કપાઈ ગયા હતા. જેના કારણે આજુબાજુના બીએસએનએલ ધારકોના ફોન તો બંધ થઇ ગયા હતા. પરંતુ સુરત શહેર માટે ખૂબ જ અગત્યના એવા ફાયરબ્રિગ્રેડ વિભાગના પણ તમામ ફોન લોક સંપર્ક વિહોણા થઇ ગયા હતા. ફાયરબ્રિગ્રેડ વિભાગની કુલ આઠ લાઈન બંધ થઇ ગઈ હતી. આ ઉપરાંત ખૂબ જ અગત્યની એવી ટોરેન્ટ, જીઇબી, પોલીસ અને એરપોર્ટ સાથેની કનેક્ટિંગ હોટલાઈનો પણ બંધ થઇ જતાં ફાયરબ્રિગ્રેડના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. તાત્કાલિક બીએસએનએલના અધિકારીઓને જાણ કરવામાં આવતાં તેઓના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ જમીનની અંદર ૪૦ મીટર ઊંડે વાયર કપાતાં રાત્રિ કામગીરી શક્ય ન હોવાથી આખી રાત ફાયરબ્રિગ્રેડના કોઈ ફોન ચાલુ થવાની શક્યતા નથી. જેથી હવે ફાયરબ્રિગ્રેડના અધિકારીઓ દ્વારા ૧૦૧ નંબર મારફતે લોકોના સંપર્કમાં રહેવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top