તહેવારો મનને હંમેશા આનંદ આપે છે, ને આપણાં દેશ ઉપરાંત સુરતમાં અનેક ધર્મ અને પ્રાંતના લોકો વસેલા હોવાથી સમયાંતરે કોઈને કોઈ તહેવારોનો લહાવો લેવાનો મોકો મળી જ જતો હોય છે. તહેવારોની વાત કરીએ તો હાલમાં જ હવે ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર નાતાલની ઉજવણીને ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ખ્રિસ્તી પરિવારોના ચર્ચો અને મકાનોને ડેકોરેટ કરીને પ્રભુ ઇસુ ખ્રિસ્તના જન્મને વધારવા માટેની તૈયારીઓ કરી દેવાઈ છે. જો કે આ ઉજવણીમાં દર વર્ષની પરંપરા મુજબ ભેટ-સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન પત્રિકાઓની આપ-લે, ચર્ચમાં થતી ઉજવણી, કેક ઉપરાંત વિવિધ સુશોભનોની સાથે જ ઉજવણીને ખાસ બનાવવા માટે કેટલાક લોકો કઈક ખાસ આયોજન પણ કરી રહ્યા છે.
એક તરફ ક્રિસમસને લઈને સુરતમાં રહેતા ખ્રિસ્તી પરિવારો ઉત્સાહિત છે તેમાં પણ રોમન કેથલીક ખ્રિસ્તી પરિવારનો ઉત્સાહ બેવડાયો છે કારણ કે, ક્રિસમસના 30 દિવસ પહેલાં જ તેમને ચેપલની ભેટ મળી છે. જયાં તેઓ દિવસના કોઈપણ સમયે જઈને મૌન પ્રાર્થના એકલાં જ બેસીને કરી શકશે અને પ્રભુ સાથે એકાત્મકતા સાધી શકશે. આ ચેપલમાં અલગતાનો પણ ઉમેરો કરાયો છે જે ગુજરાતના બીજા ચેપલ કરતા તેને અલગ પાડે છે તે કઈ રીતે ? તે વિશે જાણીએ.
ચેપલમાં સ્ટેશન્સ ઓફ ઘ ક્રોસ ઓન ઘ ક્રોસ છે યુનિક
નાનપુરા ડચ ગાર્ડન પાસે સ્થિત લેડી ઓફ માઉન્ટ કાર્મલ ચર્ચમાં આ ચેપલ તૈયાર કરાયું છે. જેનું નિર્માણ કાર્ય એક વર્ષ પહેલાં શરૂ થયું હતું. આ ચેપલ ગુજરાતના બીજા ચેપલ કરતા યુનિક એટલાં માટે છે કે તેમાં સ્ટેશન્સ ઓફ ધ ક્રોસ ઓન ધ ક્રોસ છે. દરેક ચર્ચમાં દીવાલ પર સ્ટેશન્સ ઓફ ધ ક્રોસ હોય છે જ્યારે આ ચેપલમાં સ્ટેશન્સ ઓફ ધ ક્રોસ ઓન ધ ક્રોસ છે (રોમન હાકેમ પિલાતુસ ઈસુ પર મરણદંડ ઠરાવે છે તે પહેલું સ્ટેશન એટલે કે પ્રથમ સ્થાનથી ઈસુને વધસ્તંભે જડે છે અને ત્યાર બાદના બીજા ત્રણ સ્ટેશન આમ 14 સ્ટેશન જેને ક્રૂસના માર્ગની ભક્તિ ક્રૂસ એટલે કે ક્રોસ પર બતાવી છે). આ ચેપલની ડીઝાઇન ચર્ચના ફાધર રિચર્ડ પરેરાએ તૈયાર કરાવી છે.
પ્રથમવાર યોજાશે કેંડલ સર્વિસ: આશિષ ગામિત
શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી એક સોસાયટી તો ક્રિસમસમા લાઇટના ડેકોરેશનથી ઝળહળી ઊઠે છે. આપણે જે સોસાયટીની વાત કરી રહ્યા છીએ એ આખી સોસાયટીમાં ફક્ત ક્રિશ્ચયન પરિવારો જ વસે છે એટ્લે ક્રિસમસની તમામ રોનક અહીં જોવા મળતી હોય છે. આ અંગે અહી રહેતા આશિષભાઇ ગામિત જણાવે છે કે, અમારી સોસાયટીમાં 24 તારીખથી જ ઉજવણી શરૂ થઈ જાય છે આ ઉજવણી માટે અમે પોતપોતાના ઘરોને તો સ્ટાર, ક્રિસમસ ટ્રી કે લાઇટિંગથી ડેકોરેટ કરીએ જ છીએ પણ સાથે જ આખી સોસાયટીમાં પણ લાઇટિંગ કરવામાં આવે છે.
જેમાં એક ઇવેંટ એવી હોય છે કે, ત્યાં હાજર રહેલા લોકોમાં જે પણ ટેલેન્ટ હોય એ પ્રમાણેની કૃતિ રજુ કરે છે જેમાં ડાન્સ, નાટક, સિંગીંગ વગેરેનો સમાવેશ થાય છે. જો કે આ વખતે એમાં અમે પ્રથમવાર કેંડલ સર્વિસનો સમાવેશ કર્યો છે જેમાં ચર્ચમાં કેંડલ આપીશું. આમાં ઇલેક્ટ્રિસિટી નહીં હશે એટ્લે ફકત કેંડલના અજવાળના કારણે અદ્ભુત નજારો હશે. આ ઇવેન્ટમાં અમે ક્રિસમસની બુક આપીશું અને જેમાં ક્રિસમસના સોંગ વગેરે હશે સાથે સિંગિંગ પણ હશે. 24મીએ અમે દર વખતની જેમ ચર્ચમાં બાઈબલના પેસેજનું રીડિંગ કરીને સ્પીચ બાદ છૂટા પડીશું. જો કે આ ઉપરાંત અમે 31 મી ડિસેમ્બરના રોજ થેંક્સ ગિવીંગ તરીકે ઉજવીએ છીએ જેમાં અમે આખું વર્ષ કેવું રહ્યું, ઈશ્વરે કેવી કૃપા કરી અને દરેક પોતપોતાના અનુભવો શેર કરી એકબીજા માટે પ્રાર્થના કરીએ છીએ.
ફ્રેન્ચ કલાકારે તૈયાર કરેલા 26 ચિત્ર છે યુનિક : ફાધર રિચર્ડ પરેરા
આ ચર્ચના ફાધર રિચર્ડ પરેરાએ જણાવ્યું કે આ ચેપલમાં ઈસુના જીવનના પ્રસંગના ચિત્ર એક ફ્રેન્ચ કલાકારે બનાવ્યા હતા. જે તેમને 35 વર્ષ પહેલાં પ્રાપ્ત થયા હતા આ પિક્ચરની ખાસિયત એ છે કે તેમાં કાન,નાક, હોઠ નથી દેખાતા પણ એક્સપ્રેશન દેખાય છે આ ચિત્રના રંગ હજી પણ સ્પ્રેડ નથી થયા આ પિક્ચર યુનિક છે. આ ઈસુના ચમત્કાર જેમકે કોઈને આંખે રોશની આપી એ ઉપરાંત બીજા ચમત્કારના છે.
ચર્ચમાં 300-400 વર્ષ જૂનું સ્ટેન્ડ ગ્લાસ છે યુનિક
ઇંગ્લેન્ડના એક ચર્ચમાં આ સ્ટેન્ડ ગ્લાસ હતું જે ચર્ચમાં આગ લાગી હતી તેમાં ચર્ચ ને નુકસાન થયું હતું પણ આ સ્ટેન્ડ ગ્લાસને જરા સરખું પણ નુકસાન થયું નહીં હતું તે સ્ટેન્ડ ગ્લાસને વડોદરાના પહેલાં બિશપને આપવામાં આવ્યું હતું જે હવે આ ચર્ચને આપવામાં આવ્યું.
ગરબા સ્વરૂપે કરાય છે ઈશુને પ્રાર્થના: શેરુબ વિકટર
શેરૂબ વિકટર કહે છે કે, ‘આમ તો અમે ડિસેમ્બર શરૂ થાય ત્યારથી જ ક્રિસમસની ઉજવણીની તૈયારી કરી દઈએ છીએ અને ફન ફેર, કલ્ચરલ પ્રોગ્રામ વગરેનું આયોજન થાય છે જેમાં જે વ્યક્તિમાં જે પણ ટેલેન્ટ રહેલું હોય તે દર્શાવવાનો મોકો મળે છે. જેના ભાગરૂપે કોમેડી, ડ્રામા, ડાન્સ કે બીજી કોઈપણ ટેલેન્ટ જોવા મળે છે એટ્લે હું તો આ ઇવેંટમાં જવાનું ક્યારેય નથી ચૂકતો. જો કે આ ઇવેન્ટમાં ગુજરાતની ઓળખ ગણાય એવી એક કૃતિનો પણ સમાવેશ થાય છે જેમાં ગુજરાતી ગરબાની થીમ હોય છે આમાં એક દમ ટ્રેડિશનલ નવરાત્રી જેવો જ ડ્રેસ પહેરીને એવા જ સ્ટેપ્સ પર ગરબા રમવામાં આવે છે જેમાં એકગ્રૂપ દ્વારા ગરબા ગાવામાં આવે છે. જો કે આમાં ફર્ક માત્ર એટલો જ હોય છે કે, આ ગરબામાં ઈશુના સોંગ્સ હોય છે. પણ એક નજરે તમે જુઓ તો નવરાત્રીની યાદ તો આવી જ જાય.’