નવી દિલ્હી: બાંગ્લાદેશ (Bangladesh) સામેની પહેલી ટેસ્ટ (Test Match) મેચમાં શાનદાર પ્રદર્શન કરી ડ્રીમ કમબેક કરનાર સ્પીનર કુલદીપ યાદવને (Kuldeep Yadav) આજથી શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં ડ્રોપ (Drop) કરવામાં આવ્યો છે. પહેલી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવે બે ઈનિંગમાં 8 વિકેટ લીધી હતી, જ્યારે પહેલી ઈનિંગમાં 40 રન બનાવી ઓલરાઉન્ડ પ્રદર્શન દર્શાવ્યું હતું. આ શાનદાર પ્રદર્શન માટે કુલદીપને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. લાંબા સમય બાદ કુલદીપ યાદવે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી હતી. ચારેતરફ કુલદીપ યાદવની પ્રશંસા થઈ રહી હતી ત્યારે બીજી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવને જ ડ્રોપ કરી દેવામાં આવતા ભારતીય ક્રિકેટના ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. કુલદીપનું ન રમવું ખૂબ જ આશ્ચર્યજનક છે. ભારતીય ટીમના કાર્યકારી કેપ્ટન કે.એલ. રાહુલ (KL Rahul), કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને બીસીસીઆઈને (BCCI) આ મામલે ચાહકો ટ્રોલ કરી રહ્યાં છે.
ફેન્સ આવી કોમેન્ટ કરી રહ્યાં છે
- કુલદીપ યાદવને ડ્રોપ કેમ કરવામાં આવ્યો?
- મેન ઓફ ધ મેચ પ્લેયરને ડ્રોપ કરનાર તમે લોકો ગાળો સાંભળવાને લાયક છો.
- શું મજાક ચાલી રહ્યો છે
- બ્રેકિંગ ન્યૂઝ: કુલદીપ યાદવ અને સંજુ સેમસન ક્રિકેટના નિયમો બદલી 12 પ્લેયરને રમાડવા માટે આઈસીસીમાં પીટીશન દાખલ કરી
- કે.એલ. રાહુલ ક્રિકેટની દુનિયાનો સૌથી મોટો ફ્રોડ છે. કુલદીપ યાદવને ડ્રોપ કરી તેણે ગંદી રમત રમી છે.
ચાઈનામેન બોલર કુલદીપ યાદવને બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં તક મળી નથી. 28 વર્ષીય કુલદીપ યાદવની સ્થાને ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટનો (Jaydev Unadkat) સમાવેશ કરવામાં આવ્યો છે. કેએલ રાહુલે ટોસ દરમિયાન કુલદીપના ટીમમાંથી બહાર થવાની જાહેરાત કરી હતી. કુલદીપ યાદવને બાકાત રાખવાના નિર્ણયથી ઘણા ચાહકો ખુશ નથી અને તેઓએ ટ્વિટર દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ચાહકોનું માનવું છે કે મેચ વિનિંગ પરર્ફોમન્સ બાદ કુલદીપને પડતો મૂકવો આઘાતજનક છે. ચાહકો કુલદીપને બહાર કરવાના નિર્ણયથી ખુશ નથી અને તેમણે BCCI અને ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવ્યા છે.
કુલદીપ યાદવે ભારત માટે 8 ટેસ્ટ, 73 ODI અને 25 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેના નામે 197 વિકેટ છે. કુલદીપે જૂન 2017માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. એટલે કે પાંચ વર્ષમાં તે માત્ર આઠ ટેસ્ટ જ રમી શક્યો છે.
શું કહ્યું કે.એલ. રાહુલે?
કેએલ રાહુલે કહ્યું કે કુલદીપનું ન રમવું તે દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ જયદેવ ઉનડકટ માટે આ એક શાનદાર તક છે. કેએલ રાહુલે કહ્યું, ‘અમે પણ પહેલા બેટિંગ કરવા માંગતા હતા. વિકેટમાં થોડો ભેજ છે અને અમારે ઝડપી વિકેટ લેવાની જરૂર છે. અમે એક ફેરફાર કર્યો છે, કુલદીપની જગ્યાએ જયદેવનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલદીપને બહાર રાખવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ ઉનડકટ માટે આ એક મોટી તક છે.
ચાહકોએ બીસીસીઆઈને ટ્રોલ કરી
કુલદીપ યાદવને બીજી ટેસ્ટ મેચમાં પડતો મુકવામાં આવતા ચાહકો ગુસ્સે ભરાયા છે. સોશિયલ મીડિયા પર કે.એલ. રાહુલ, કોચ રાહુલ દ્રવિડ અને બીસીસીઆઈને ચાહકો ટ્રોલ કરી રહ્યાં છે. એક ચાહકે લખ્યું કે શું મજાક ચાલી રહ્યો છે. પાછલી મેચના મેન ઓફ ધી મેચને ડ્રોપ કરનાર તમે લોકો ગાળો સાંભળવાને લાયક છો. કોમેન્ટેટર આકાશ ચોપરાએ પણ કુલદીપ યાદવને ડ્રોપ કરવા મામલે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.