હમણાં જ એક દિવસીય પ્રવાસ વડનગર એકસપ્રેસમાં કરવાનો થયો. તેમાં વિડંબણા એવી જોવા મળી કે અમારું અગાઉથી આવવા જવાનું બુકીંગ થઇ ગયું હતું અને અમારા જેવા ઘણા બધા મુસાફરોએ લાંબા સમય પહેલાં રેલવેની આ નવી ટ્રેનની મુસાફરી માટે બુકીંગ કરાવ્યું જ હોય અને આ નવી સવી ટ્રેનને ફાસ્ટ ટ્રેનની યાદીમાંથી સુપર ફાસ્ટ ટ્રેનની યાદીમાં લાવતા ટીકીટ ચેકર બાબુના માથે એ જવાબદારી વધી ગઇ કે બુકીંગ કરાવેલ તમામ મુસાફરો પાસે સીટ દીઠ રૂા. 15 રોકડા વસુલવાના અને તેની રસીદ બનાવી મુસાફરોને આપવાની. સવારે 6.40 ક. ઉપડતી ટ્રેનમાં અને પરત આવતી વખતે તે દિવસની રાત્રે 11.20 ક.ની ટ્રેનમાં વહેલી સવારે જે ટીકીટ ચેકર રૂ. 15 મુસાફરો પાસે ઉઘરાવતો હતો તે બિચારો બાપડો રાત્રે પણ રૂા.15 મુસાફરો પાસે ઉઘરાવી થાકી ગયો જણાતો હતો.
વળી મુસાફરો પાસેથી રૂા.15નો સુપર ફાસ્ટ જાહેર થતાં લેવા જાય ત્યારે મુસાફરો નરેન્દ્રભાઇ મોદીના નામે તેના દૂષિત વિચારો ટી.સી. સમક્ષ રજૂ કરતા અને કેટલાક તો ટી.સી.ની વિનંતી યાચનાને ફગાવી દઇ રૂા.15 જેવી કાયદેસરની રકમ પણ ટીસીને આપતા ન હતા અને તિરસ્કારની લાગણી વ્યકત કરતા હતા. ટીસીનું કામ ટીકીટ ચેક કરવાનું ખોટા મુસાફરો મુસાફરી ન કરે તે જોવાનું છે. તેની જગ્યાએ આવી અણવિચારી ફેરફાર કરવાથી રેલવેનો જવાબદાર ટીકીટ ચેકર યાચકની ભૂમિકામાં આવી જતા જોવા મળ્યા! આમ પણ ટીકીટ ચેકરોની ઇમ્પ્રેશનથી આપણે સર્વે વાકેફ છીએ જ ત્યારે આવી પરિસ્થિતિ રેલવે મંત્રાલયે ન ઊભી કરતા ચાર મહિના પછીની તારીખથી તે ફેરફારની અસર જાહેર કરવી જોઇએ જેથી મુસાફરો અને ટીકીટ ચેકરને પણ અનુકૂળતા રહે.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.