વડોદરા: વડોદરા (Vadodara) શહેરના મકરપુરા (Makarpura) વિસ્તારમાં કોમી રમખાણ જેવી ઘટના બની હતી, જ્યાં સાંતાક્લોઝના (Santa Claus) વેશમાં આવેલા 4 લોકો પર કેટલાક અજાણ્યા યુવકોએ હુમલો (Attack) કર્યો હતો. માથાભારે યુવકોએ હુમલો કરતા કહ્યુું કે આ હિન્દુ વિસ્તાર છે. હુમલામાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હુમલાની જાણ થતા જ ક્રિશ્ચિયન સમાજના (Christian society) અગ્રણીઓએ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં નાતાલની ઉજવણી પહેલા સાંતાક્લોઝના ડ્રેસ પહેરી અવધૂત સોસાયટીમાં વધામણાં આપવા માટે પહોંચ્યા હતા. 25 ડિસેમ્બરના રોજ નાતાલનો તહેવારની ઉજવણી માટે ઉજવવા ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા. ત્યારે અવધૂત સોસાયટીમાં રહેતા ખ્રિસ્તી પરિવાર શશીકાંત ડાભી સાંતાક્લોઝનો વેશ ધારણ કરી વધામણાં આપવા ગયા હતા. તેમની સાથે ખ્રિસ્તી સમાજની મહિલા સહિત અન્ય ચાર લોકો પણ ગયા હતા. ત્યારે શાંતિપૂર્ણ ખ્રિસ્તી પરિવારમાં નાતાલ પૂર્વેની ઉજવણી ચાલી રહી હતી. ત્યારે કેટલાક અસામાજિક તત્તવો ખ્રિસ્તી પરિવારના ઘરમાં ધસી આવ્યા હતા.
હુમલાખોરોએ સાંતાક્લોઝનો ડ્રેસ, દાઢી તેમજ ફાધરના કપડાં ફાડી નાખ્યા હોવાનો આક્ષેપ
ખ્રિસ્તી પરિવારના ઘરમાં ધસી આવેલા કેટલાક લોકોએ મહિલા સહિત ચાર લોકો પર હિમલો કર્યો હતો. અને કહ્યું કે આ વિસ્તાર હિન્દુઓનો છે જેથી અહીં તમારે આ પ્રકારની ઉજવણી કરવાની નથી. સામસામે ઝંપાઝપીમાં ખ્રિસ્તી સમાજની મહિલા સહિત અન્ય ચાર લોકો પર ગંભીર રીતે હુમલો કરાતા, એક વ્યક્તિને ફ્રેક્ચર આવ્યું હતું. હુમલાખોરે સાંતાક્લાઝનો ડ્રેસ, દાઢી કાઢી નાંખી હતી તેમજ ફાધરના કપડાં ફાડી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ ખ્રિસ્તી સમાજના અગણીઓ મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.
મોડી રાત્રે ખ્રિસ્તી સમાજના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા
ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ રેવ માર્ટિન પ્રિટ્રિશને આ ઘટના અંગે જણાવતા કહ્યું હતું કે અવધૂત સોસાયટીમાં અમારા મેથોડિસ ચર્ચનાં ખ્રિસ્તી ભાઇઓ અને બહેનો નાતાલનાં વધામણાં માટે ગયાં હતાં. ત્યારે મેથોડિસ મંડળના ચાર લોકો ઉપર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે આ ઘટના બની હતી. 30થી 35 જેટલા લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને હુમલો કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે હુમલો કરવા માટે કોણ આવ્યું હતું એની ખબર નથી. અમે આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે મકરપુરા પોલીસ દ્વારા પહેલાથી જ નાતાલના પર્વ પર કોઈ અનીચ્છનીય ઘટના ન બને તેની પૂર્વે તૈયારી કરવામાં આવી હતી. પરંતુ ગતરોજ બનેલી આ ઘટનાથી પોલીસ તંત્ર પણ વધુ સજ્જ બન્યું છે. ઘટનાની જાણ મળતા જ ખ્રિસ્તી સમાજ પોલીસ સ્ટેશન પહોંચી અજાણીયા ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.