બીલીમોરા: (Bilimora) ભગવાનની જાત્રા કરીને પરત ફરી રહેલી બીલીમોરાની 52 વર્ષીય મહિલા રેલવે ટ્રેક (Railway Track) ક્રોસ કરવા જતા સ્ટેશને (Station) લેવા આવેલા પતિની નજર સામે અડફટે ચડી જતા તેણીનું કરુણ મોત નીપજ્યું હતું. પતિ નરેશભાઈએ પત્ની ગીતાબેનને સામેથી આવતી ટ્રેનથી (Train) બચવા ખૂબ બૂમાબૂમ કરી હતી. પણ બેધ્યાન ગીતાબેન રેલવે ટ્રેક ક્રોસ કરવા જતા કરુણાંતિકા સર્જાઇ હતી.
- બીલીમોરા રેલવે સ્ટેશને પતિની નજર સામે પત્ની ટ્રેનની અડફટે ચઢી ગઇ
- તીર્થયાત્રાથી પરત ફરેલી મહિલા રેલવે ટ્રેક ઓળંગતી વખતે ધસમસતી ટ્રેનની અડફેટે આવી જતા મોતને ભેટી
પ્રાપ્ત વિગત મુજબ બીલીમોરા વખારીયા બંદર રોડ મરાઠી શાળાની સામે રહેતી 52 વર્ષીય ગીતાબેન નરેશભાઈ પટેલ તેના પુત્ર પ્રતિક સાથે જાત્રા કરવા ગયા હતા. મુંબઈથી ફાસ્ટ ટ્રેનમાં સુરત ઉતરેલા બંને માતા પુત્રે મંગળવારે સવારે સુરત વિરાટ શટલમાં બેસીને બીલીમોરા આવવા નીકળ્યા હતા. જ્યાં ગીતાબેન બીલીમોરા રેલ્વે સ્ટેશનને ઉતરી ગયા હતા અને પુત્ર પ્રતિક તેની વલસાડ મૂકેલી મોટરસાયકલ લેવા વલસાડ જતો રહ્યો હતો.
જો કે પ્રતિકે પિતા નરેશભાઈને તેઓ વિરાર શટલમાં આવી રહ્યાની ટેલીફોનિક જાણકારી આપતા નરેશભાઈ પ્લેટફોર્મ નંબર 2 ઉપર પત્ની ગીતાબેનને લેવા આવ્યા હતા. ટ્રેનમાંથી ઉતરીને ગીતાબેન 2 નંબરના પ્લેટફોર્મ પરથી રેલ્વ ટ્રેક ઓળંગીને 1 નંબરના પ્લેટફોર્મ ઉપર જતી વખતે સામેથી ધસમસતી આવતી કોનરાજ ગુડસ ટ્રેનની અડફેટે ગીતાબેન આવી જતા તેમનું કરુણ મૌત નિપજ્યું હતું. પતિ નરેશભાઈએ પત્ની ગીતાબેનને સામેથી આવતી ટ્રેનથી બચવા ખૂબ બૂમાબૂમ કરી હતી. પણ બેધ્યાન ગીતાબેન રેલવે ટ્રેક ક્રોસ કરવા જતા કરુણાંતિકા સર્જાઇ હતી. બીલીમોરા રેલવે આઉટ પોસ્ટ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.