SURAT

2023 સુધીમાં સુરત એરપોર્ટનું ખાનગીકરણ થશે, 2025 સુધીમાં દેશનાં 25 એરપોર્ટ આવશે PPP હેઠળ

સુરત: (Surat) રાજ્યસભામાં સંદોષકુમાર પી.દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રના રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી (Minister) રિટાયર્ડ જનરલ વિકે.સિંધે ઉત્તર આપ્યો હતો કે, સરકાર સુરત,વડોદરા સહિત દેશના 25 એરપોર્ટ (Airport) નેશનલ મોનિટાઇઝેશન પોલિસી હેઠળ પીપીપી મોડ પર એટલેકે ખાનગી કરણ તરફ લઈ જવા માંગે છે. આ કાર્ય 2025 સુધી પૂર્ણ કરવામાં આવશે. જમીન,બિલ્ડિંગ સિવાયની લિઝિંગ કોસ્ટ એટલે કે, એસ્ટીમેટેડ કેપેક્સ વેલ્યુ સુરતની 301 કરોડ અને વડોદરાની 245 કરોડ, આંકવામાં આવી છે. જોકે હજી આંકડો વધી શકે છે. કારણકે સુરત એરપોર્ટ (Surat airport) પર અત્યારે 353 કરોડના ડેવલપમેન્ટનાં (Development) કામો ચાલી રહ્યાં છે. પીપીપી મોડ પર ખાનગી કંપનીને ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ માટે રાઇટ્સ આપવામાં આવશે.

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) હેઠળ સુરત એરપોર્ટને લઈ જવાની કામગીરી 2023 માં અને વડોદરા એરપોર્ટની કામગીરી 2023માં પૂર્ણ કરવામાં આવશે. નાણાંકીય વર્ષ 2019-20 માં સુરત એરપોર્ટથી 15 લાખ પેસેન્જરોએ અવરજવર કરી હતી. અત્યારે કેન્દ્ર સરકારે MNP હેઠળ 11 લાખ વાર્ષિક પેસેન્જરનો અંદાજ મુકવામાં આવ્યો છે. અત્યારે દેશના 13 એરપોર્ટ PPP મોડ પર લિઝ પર આપવામાં આવ્યા છે. નેશનલ મોનેટાઇઝેશન પોલિસી હેઠળ પીપીપી મોડ પર સુરત, વડોદરા, ભુવનેશ્વર, વારાણસી,અમૃતસર, ત્રિચી, ઈન્દોર, રાયપુર, કાલિકટ, કોઈમ્બતુર, નાગપુર, પટના, મદુરાઈ, રાંચી, જોધપુર, ચેન્નાઈ, વિજયવાડા,ભોપાલ, તિરુપતિ, હુબલી, ઇમ્ફાલ, અગરતલા, ઉદયપુર, દેહરાદૂન અને રાજામુન્દ્રીને વર્ષ 2022 થી 2025 દરમિયાન ભાડાપટ્ટા આપવા માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે.

AAI દ્વારા અત્યાર સુધી લીઝ પર આપવામાં આવેલા એરપોર્ટમાં દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ, લખનૌનું ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, ગુવાહાટીમાં લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, મેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટનો સમાવેશ થાય છે. જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ એમાં સમાવેશ પામી છે. આ નિર્ણયથી સુવિધાઓ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને વધુ કનેક્ટિવિટીની સુવિધા મળશે. લીઝ્ડપર આપવામાં આવેલા એરપોર્ટ્સમાંથી AAI દ્વારા પ્રાપ્ત થતી આવકનો ઉપયોગ સમગ્ર દેશમાં એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં કરવામાં આવે છે.

અદાણી ગ્રુપના જીત અદાણીએ શનિવારે સુરતમાં રજૂ કરેલું એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રેઝન્ટેશન સૂચક બનશે?
અદાણી ગ્રુપના અગ્રણી ઉદ્યોગકાર જીત અદાણીએ સુરતનાં ટેક્સટાઈલ ઉદ્યોગકારો સમક્ષ એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન ખૂબ સૂચક બની રહ્યું છે. એવી ચર્ચાઓ સુરતનાં 92,000 નાગરિકોના બનેલા એરપોર્ટ એવિએશન ગ્રુપમાં ચાલી રહી છે. જેમાં ગ્રુપના એક સભ્ય એ સુરત એરપોર્ટ અદાણી ગ્રુપ પીપીપી હેઠળ લેવામાં રસ દાખવે છે કે કેમ એવા પ્રશ્નના ઉત્તરમાં જીત અદાણીએ અમદાવાદ અને મુંબઈ એરપોર્ટ લિઝ પર રાખ્યા પછી થયેલા આક્ષેપો તરફ ઈશારો કર્યો હતો.જોકે તેમણે સુરતથી આવો આવકાર્ય પ્રશ્ન પૂછાયો એ સ્પિરિટને આવકાર્યું હતું.

Most Popular

To Top