નડિયાદ : ઠાસરા તાલુકાના કાલસર ગામમાં છેલ્લાં ત્રણ દિવસથી કોઈ કારણોસર પાણીનો સપ્લાય સદંતર બંધ કરી દેવામાં આવ્યો હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયાં છે. ઠાસરા તાલુકાના કાલસર ગ્રામપંચાયતનો વહીવટ છેલ્લાં ઘણાં સમયથી સતત કથળી રહ્યો છે. એમાંય વળી ખાસ કરીને વહીવટદારની નિમણુંક કરાયાં બાદ તો ગ્રામપંચાયતની હાલત કફોડી બની છે. પંચાયતની તિજોરી ખાલી થઈ ગઈ હોવાથી વિકાસના કામો પણ ટલ્લે ચડી ગયાં છે. જેને પગલે ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારવા પડી રહ્યાં છે.
ગામમાં બિસ્માર રોડ-રસ્તાં, ઉભરાતી ગટરો, સ્ટ્રીટલાઈટનો અભાવ જેવી અનેકવિધ સમસ્યા પહેલેથી જ હતી. એવામાં છેલ્લાં ત્રણ દિવસથી ગામમાં પાણીનો સપ્લાય પણ સદંતર બંધ કરી દેવામાં આવ્યો હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયાં હતાં. પીવાના પાણી માટે ગ્રામજનો રીતસરના વલખાં મારતાં જોવા મળી રહ્યાં છે. પીવા તેમજ ઘરવપરાશના ઉપયોગ માટે જરૂરી પાણી ભરવા માટે ગામમાં આવેલ હેન્ડપંપ પાસે ગ્રામજનોની લાઈનો લાગે છે. પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં ગ્રામજનોએ આ મામલે પંચાયતના વહીવટદારને રજુઆત કરી છે.
પરંતુ, વહીવટદાર દ્વારા ગ્રામજનોની રજુઆતને ધ્યાને લેવામાં આવતી નથી. જેને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલાં ગ્રામજનો આ સમસ્યા ઉભી થવા પાછળ ગ્રામપંચાયતનાં અણઘડ આયોજનને જવાબદાર ગણાવે છે. ત્યારે આ મામલે કાલસર ગામનાં વહીવટદાર દેવયાનીબેનને પુછતાં તેમણે મોટર બળી ગઈ હોવાથી પાણીની સમસ્યા સર્જાઈ હોવાનો બચાવ કર્યો હતો. તદુપરાંત વહેલીતકે મોટર રીપેરીંગ કરાવ્યાં બાદ ગામમાં પાણીનો સપ્લાય પુન: શરૂ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ભ્રષ્ટાચારમાં વ્યસ્ત તંત્રને, પ્રજાની સમસ્યાઓ દૂર કરવામાં રસ નથી
કાલસર ગામમાં રહેતાં રજીયાબાનું જણાવે છે કે, ગામમાં છેલ્લાં ત્રણ દિવસથી પીવાના પાણીની તકલીફ પડી રહી છે. આ ઉપરાંત ગામમાં બિસ્માર રોડ-રસ્તા તેમજ ગટર ઉભરાવવા સહિતની વિવિધ સમસ્યાઓ પહેલેથી જ છે. છતાં સ્થાનિક તંત્ર આ સમસ્યાઓ દૂર કરવામાં રસ દાખવતું નથી. તંત્રને ભ્રષ્ટાચાર આચરવામાં જ રસ છે. ગામમાં છેલ્લાં બે વર્ષથી ભ્રષ્ટાચારીઓ વહીવટ કરી રહ્યાં છે. આ ભ્રષ્ટાચારીઓ પ્રજાના ટેક્સના રૂપિયા ઉપરાંત સરકારની આખેઆખી ગ્રાન્ટો ચાઉં કરી ગયાં છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.
ઠાસરા તાલુકામાં નલ સે જલ યોજના ઠગારી નીવડી ?
એક તરફ સરકાર નલ સે જલ યોજના થકી દરેક ઘરોમાં પાણી પહોંચાડવામાં આવતું હોવાની વાતો કરી રહ્યું છે. જોકે, બીજી બાજુ ઠાસરા પંથકમાં ડાકોર સહિત અનેક ગામોમાં છાશવારે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. આવા વિસ્તારોમાં એક-બે નહીં પરંતુ અનેક દિવસો સુધી પાણીનું ટીપું પણ પહોંચતું ન હોવાથી સરકારની યોજના ઠગારી નીવડી હોવાનું લોકો જણાવી રહ્યાં છે.
પંચાયતની તિજોરી ખાલીખમ : પગાર ચુકવવાના રૂપિયા નથી
પાણીની બોરમાં ફરજ બજાવતો કર્મચારી પગાર ન મળવાને કારણે ભાગી ગયો હોવાની જાણ થઈ છે. પરંતુ, કાલસર ગ્રામપંચાયત પાસે રૂપિયા રહ્યાં જ નથી, ગ્રાન્ટ આવે તેની રાહ જોવાય છે, ગ્રાન્ટ આવ્યાં બાદ જ તેનો પગાર ચુકવવામાં આવશે. ગામના બિસ્માર રસ્તાઓ પણ ગ્રાન્ટ આવ્યાં બાદ જ નવા બની શકશે. – દેવયાનીબેન, વહીવટદાર