Charchapatra

લીવ–ઇન રીલેશન અને કૌટુંબિક જીવનપ્રથા

 ‘ગુજરાતમિત્ર’ના ચર્ચાપત્ર વિભાગમાં થોડા દિવસ પહેલાં ભાઇ શ્રી અરુણભાઇ પંડ્યાનું લીવ-ઇન રીલેશનમાં રહેવાનાં યુવક-યુવતીઓમાં વધતા જતા પ્રમાણ અંગે આજના સમયમાં ઘણાં મા­-બાપને સતાવતા પ્રશ્નને છેડ્યો એ યોગ્ય જ નહીં, પરંતુ અત્યંત જરૂરી પણ છે. આજે થોડા દેખાતા કિસ્સા ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરી વર્ષોથી સ્થાયી થયેલ સામાજિક માળખાને ભવિષ્યમાં વેરવિખેર ન કરી શકે એવું કોઇ કહી ન શકે. આ પરિસ્થિતિના નિર્માણમાં એમના વડીલોની જીવનશૈલી કે ભૂમિકા પણ ઘણો મોટો ભાગ ભજવી શકે છે. ઘણાં કુટુંબોના કિસ્સામાં જોવા મળે છે કે મા-બાપને એમની વ્યસ્તતા કે અન્ય કારણે સંતાનો સાથે સવારે કે સાંજે/રાત્રે એક સાથે જમવા બેસવાનો કે સાથે બેસી નિખાલસતાથી કૌટુંબિક, સામાજિક કે અન્ય વાતો કરવાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, જેને કારણે લાંબા ગાળે બન્ને એકબીજાના સાથ સહકાર વિના રહેતા ટેવાઇ જાય છે. યુવાન સંતાનો એમના કૌટુંબિક જીવનમાં વિચારોના આદાનપ્રદાન કરવામાં ઊભો થતો આ અવકાશ પોતાના સાચા, સારા કે અન્ય પ્રકારના મિત્રો સાથે પૂરો કરવાની કોશિશ કરે છે. જેથી કુટુંબના વડીલોને ઘણી વખત એમનાં સંતાનોની પ્રવૃત્તિ કે એમની સંગતમાં રહેતાં યુવક/યુવતીઓની પ્રવૃત્તિ વિષે જાણવા/સમજવાનો અવકાશ જ નથી રહેતો જે મા-બાપને એમના સંતાનોની પ્રવૃત્તિઓથી પણ અજાણ રહેવામાં પરિણમી શકે છે. જેના કારણે એમના કોઇક સંતાન સાચા કે ખોટા માર્ગે જાય છે કે કેમ એ પણ ખબર નથી પડતી જે લાંબેગાળે અનઅપેક્ષિત બનાવમાં પણ પરિણમી શકે એ સમયે એમના વડીલો માટે પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બને છે અથવા કોઇક સંજોગોમાં એ સંભાળવાનો મોકો પણ નથી મળતો. અલબત્ત બધા કિસ્સામાં આવું નથી બનતું પરંતુ દરેક કટુંબોમાં એક બીજા સાથે થતા વિચારોનું આદાનપ્રદાન કે સામાન્ય વાતચીત કુટુંબના સભ્યોને એકબીજા સાથે જોડેલા રાખવામાં મદદરૂપ થઇ નવયુવાન સંતાનોની ગેરમાર્ગે જવાની શક્યતા ઘણી ઓછી કરી શકે છે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરતના પોલીસ કમિશનરે કાવસ દારૂવાળાની યાદ અપાવી
તા. 6.12.22ના રોજ અડાજણના જ્યોતીન્દ્ર બાગમાં એક નવું દૃશ્ય જોયું. મીલીટરીના સૈનિકો જેવા લાગતા થોડાંક જુવાનો બાગમાં કૂચ કરી રહ્યા હતા. પૂછપરછ કરતાં જણાયું કે એ તો સુરત પોલીસના જુવાનો હતા તેમાં કોન્સ્ટેબલથી માંડી ઉચ્ચ કક્ષાના પો. અમલદારો હોવા જ જોઈએ, એક મિત્રે દૂરથી બતાવી કહ્યું. ‘‘પેલા સફેદ પી.ટી. યુનિફોર્મમાં છે તે પોલીસ કમિશનર તોમર સાહેબ છે.’’ પોલીસ કમિશનર એટલે આઈ.જી.પી.ની કક્ષા તો ખરી જ તો સુરતમાં એસ.પી. ડીઆઈજી આઈજીપી કક્ષાના પોલીસ અમલદારો છે જ, પરંતુ ઘણાંના ચહેરા ‘મેં કદી જોયા નથી શ્રી તોમર પોલીસ જવાનો સાથે ડ્રીલ કરતા હતા તે જોઈ મને આનંદ થયો. મારી પ્રેક્ટીકલ ટ્રેનીંગ શ્રી કાવસ દારૂવાલા સાથે થઈ.

દારૂવાળાનો એટલો પ્રભાવ કે સુરતનો નાનો છોકરો હંમેશા તૈયાર રહે. ઘણી વાર મારે તેમને ઘેર જવું પડતું. સવારના 9/10 વાગ્યા સુધી ઘણાં માણસો તેમની ફરિયાદ પોલીસને લગતી પોતાના કુટુંબને લગતી સામાજિક બાબતોને લગતી ફરિયાદ લઈને દારૂવાળા સાહેબના દરબારમાં હાજર દારૂવાળા સા. બધાને સાંભળી પોતાનાથી જે થઈ શકે તે કરતાં. અમારા ડીવાયએસપી ગુણવંત નાયક કહેતા‘‘ રાતે પતિ પત્નીને ઝઘડો થયો હોય, તો બંને ફરિયાદ કરવા દારૂવાળા સાહેબ પાસે જતાં!’’ કારણ? એવી પ્રતિભા પેદા કરેલી કે ન્યાય જોઈતો હોય, તો પોલીસ કે મેજીસ્ટ્રેટ પાછળથી આવે, પણ દારૂવાળા એકી ધડાકે ન્યાય કરી દેતા, આ વાત છે. 1971/72ની! પોતે ભાગળ, ચોક, દિલ્હીગેટ પર રસ્તા પર ઊભા રહેતા અને મારે પણ ઊભા રહેવું પડતું! લોકો મને ઓળખતા થતા, તેમનો માપદંડ એ હતો કે પોલીસ અમલદારોએ રોડ પર ઊભા રહેવું. લોકો તેમને ઓળખે, કોઈને નાનાનાના ગુનામાં જતા કરીને પોલીસ તંત્રની સારી ઈમેજ ઊભી કરાય. મારી રૂબરૂ તેમણે ઈન્સ્પેક્ટરોને કહેતા સાંભળ્યા છે’’ હું તમને રોડ પર યુનિફોર્મમાં જોવા માંગું છું. ત્યાં ઊભા રહો તો લોકો તમને ઓળખતાં થશે, તમારા સંપર્ક જનતા જોડે ડાયરેક્ટ થતા થશે. જનતા સામેથી તમને મળવા આવવા તત્પર થશે… તેમની પાસેથી તમને શહેરની ઘટનાઓ, ગુંડાગીરી, ગુનાખોરીની માહિતી મળવા લાગશે.’’… જનતા તમને ઓળખે, વિશ્વાસ મૂકે એવાં કામ કરવાં જરૂરી છે. અમદાવાદના પો.કમિ.શ્રી હરીશચન્દ્ર સિંહ હેઠળ હું થોડો સમય હતો. મેં જાણ્યું આખો દિવસ જાહેર જનતા તેમને મળવા લાઈન લગાવી ઊભી હોય! અમને એવા કમિશનર જોવા છે, 25/50 વર્ષ પછી પણ તેમને યાદ કરવા જેવા.
સુરત     – ભરત પંડયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top