અરૂણાચલ પ્રદેશમાં ચીની સૈનિકોની ભારતીય સેના સાથે અથડામણ બાદ દેશમાં ચીનને લઈને રોષ વધી ગયો છે અને આની અસર હવે ચીનમાંથી આવનારા પ્રોડક્ટ પર પણ જોવા મળી રહી છે. સરહદ વિવાદને મુદ્દે થયેલા આ વિવાદથી ભારતીય નાગરિકોમાં નારાજગી છે અને તેઓ ચીની સામાનનો બહિષ્કાર કરવા લાગ્યા છે. આની સીધી અસર વેપાર પર પડી રહી છે તેથી વ્યાપારિક સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીએ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલને પત્ર લખીને સામાનની આયાત અને ઈ-કોમર્સ નીતિમાં પરિવર્તનનો આગ્રહ કર્યો છે. વેપારીઓના સંગઠને દરેક પ્રોડક્ટ પર મૂળ દેશના નામનો ફરજિયાતપણે ઉલ્લેખ કરવાની માંગ કરી છે.
ભારત-ચીનના સંબંધ તવાંગમાં સૈન્ય ગતિરોધના કારણે તણાવના સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેવા સમયે વેપારીઓએ આ માગ કરી છે. એક રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં કનોટ પ્લેસ વિસ્તારમાં ચીની સામાનોનો બહિષ્કાર એવુ વિરોધ પ્રદર્શન થયુ હતું. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ કેન્દ્રીય લખેલા પત્રમાં ગોયલને માલ-સામાનની આયાત અને ઈ-કોમર્સ નીતિમાં ફેરફાર કરવા વિનંતી કરી છે. સંગઠને તમામ માલ-સામાન પર ‘મૂળ દેશ’નું નામ લખવાનું ફરજીયાત કરવાનું પણ સૂચન આપ્યું છે, જેથી ગ્રાહકોને ખ્યાલ આવે કે, પ્રોડક્ટ કયા દેશની છે.
આ નિર્ણયથી ચીનનો બહિષ્કાર કરી શકાશે. CTIના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે જણાવ્યું કે, આયાતી સામાન પર ‘મૂળ દેશ’ લખવાનું ફરજિયાત બનાવવાનો આગ્રહ કરાયો છે. હાલ ઘણા ઉત્પાદનો પર કોઈ માહિતી નથી. ખાસ કરીને ઈ-કોમર્સ સાઈટ્સ પર ગ્રાહકો એ જાણી શકતા નથી કે કયું ઉત્પાદન ક્યાં દેશનું છે. બ્રિજેશ ગોયલે કહ્યું કે જ્યારે લોકો ચીનની પ્રોડક્ટ્સ ખરીદવા માંગતા નથી તેમ છતાં તેઓ તેને ખરીદે છે કારણ કે તે પ્રોડક્ટ પર ‘મૂળ દેશ’ની માહિતી લખેલી હોતી નથી. જો પ્રોડક્ટ પર ‘મૂળ દેશ’ની માહિતી લખાય તો તેનો બહિષ્કાર થઈ શકે છે. એટલા માટે CTIએ કેન્દ્ર સરકારને આ પ્રકારની નીતિ પર કામ કરવા અને તેની ઈ-કોમર્સ અને આયાત નીતિમાં ફેરફાર કરવા વિનંતી કરી છે.
બ્રિજેશ ગોયલે વધુમાં જણાવ્યું કે, ચીન ભારતીય બજારોમાંથી નાણાં કમાય છે અને તેનો દુરુપયોગ માત્ર ભારત વિરુદ્ધ કરી રહ્યું છે. આપણે ચીનની આર્થિક કમર તોડવી પડશે. જો ભારતીય ઉદ્યોગપતિઓ અને ગ્રાહકો ચીની વસ્તુઓનો બહિષ્કાર કરશે તો ચીન હોશમાં આવી જશે.આ વર્ષના પ્રથમ 9 મહિનામાં ભારત-ચીન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 103.63 અબજ ડોલરથી વધુ થયો છે. તો સ્થાનિક વેપાર ખાધ વધીને 75.69 અબજ ડોલરથી વધુ થઈ છે. આ દરમિયાન ચીનમાં ભારતની નિકાસ 89.66 અબજ ડોલર તો ભારતથી ચીનમાં માત્ર 13.97 અબજ ડોલરની નિકાસ થઈ હતી, જે 36.4 ટકાનો ઘટાડો નોંધાવે છે.
તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ મુદ્દે ખુલીને બહાર આવ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જ્યારે ચીન ભારત પર હુમલો કરી રહ્યું છે, ભાજપની કેન્દ્ર સરકાર તેને આયાત યથાવત્ રાખવાની મંજૂરી કેમ આપી રહી છે ? તેમણે કહ્યું કે, હું લોકોને ચીનના સામાનનો બૉયકૉટ કરવાની અપીલ કરું છું. આપણે ભારતીય સામાન ખરીદીશું, ભલે તેની કિંમત બેઘણી હોય. કેજરીવાલે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, એક તરફ ચીન આપણને બોર્ડર પર આંખો દેખાડી રહ્યું છે, બીજી તરફ આપણે તેની પાસેથી સતત સામાન ખરીદી રહ્યા છે અને દર વર્ષે અગાઉ કરતા વધુ સામાન ખરીદી રહ્યા છીએ. કેજરીવાલે કહ્યું કે, એવું થવું જોઈતું હતું કે આપણે ચીનને તેના ગંદા ઈરાદા માટે સજા આપવી જોઈએ, પરંતુ કેન્દ્ર સરકાર તેની પાસેથી સતત સામાન ખરીદી રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રી એક ડેટા શેર કરતા કહ્યું કે, 2020માં ભારતે ચીન પાસેથી સવા પાંચ લાખ કરોડનો સામાન ખરીદ્યો હતો. પછીના વર્ષે આ ખરીદી સાડા સાત લાખ કરોડે પહોંચી હતી. તેમણે કહ્યું કે, ભારતીયોને બહાર ભગાડવામાં આવી રહ્યા છે અને ચીનીઓને ગળે લગાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ચીનથી ભારતમાં આવતા 90 ટકા સામાન ભારતમાં પણ બની શકે છે. જોકે બિઝનેસમેનો ભારત છોડીને ભાગી રહ્યા છે. ભાજપ તેના પક્ષમાં ચોરોને સામેલ કરી રહી છે. સાથે જ બિઝનેસમેન અને અમીર લોકો વિરૂદ્ધ સીબીઆઈ અને ઈડીની કાર્યવાહીઓ કરાઈ રહી છે, એવામાં આ લોકો ભારત છોડી રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે, ગત 5-7 વર્ષમાં 12.5 લાખ લોકોએ ભારત છોડ્યું છે.
કોઈને પણ યોગ્ય રીતે કામ કરવા દેવાતું નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને અપીલ કરતા કહ્યું કે, ચીનનો સામાન ન ખરીદો, તેના સામાનનો બહિષ્કાર કરો. તેમણે લોકોને ભારતની પ્રોડક્ટ્સ ખરીદવાની અપીલ કરી છે, ભલે ભારતના સામાન ચીનના સામાન કરતા મોંઘો હોય. ચીને સરહદ ઉપર જે કરવું હોય તે કરે તેના માટે આપણા દેશના સૈનિક કાર્યરત છે જ પરંતુ દેશના નાગરિક તરીકે દેશમાં રહીને જો કંઇ કરવું તો કમસે કમ ચીનની પ્રોડક્ટનો બહિષ્કાર કરો એ જ સાચી દેશભક્તિ છે.