Business

ગુજરાત વિધાનસભા ગૃહને મંદિર માની આ ધારાસભ્ય નતમસ્તક થયા

ગાંધીનગર: સામાન્ય રીતે આપણે કોઈ પણ મંદિરમાં જઈએ છે તો મંદિરમાં પ્રભુને નત મસ્તક થઈને પ્રણામ કરતા હોય છે. પરંતુ આવા દ્રશ્યો કોઈ મંદિરમાં નહિ પરંતુ ગુજરાત વિધાનસભા ગૃહની બહાર જોવા મળ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પ્રચંડ જીત બાદ ભાજપે ફરી એક વાર રાજયમાં પોતાની સરકાર બનાવી છે. નવી સરકારની શપથ વિધિ બાદ હવે નવરચિત ગુજરાત વિધાનસભામાં આજે પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે શપથ લીધા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા હતા. પ્રોટેમ સ્પીકર પહેલા સી.એમ ભુપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. ત્યાર બાદ માજી અધ્યક્ષ રમણલાલ વોરા અને ગણપત વસાવા અને પ્રોટેમ સ્પીકર બાદ કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ, મહિલા ધારાસભ્યો અને અંતે પુરુષ ધારાસભ્યોએ શપથ લીધા હતા. આ શપથ વિધિ લીધા બાદ તમામ ધારાસભ્યો ગૃહમાં પ્રવેશ કરી રહ્યા હતા. આ દરમિયાન જોવા મળેલા દ્રશ્યોએ લોકોને ચોંકાવી દીધા હતા.

ધારાસભ્યનું ગૃહને નતમસ્તક પ્રણામ
હકીકતમાં તમામ ધારાસભ્યો ગૃહમાં પ્રવેશ કરી રહ્યા હતા તે સમયે એક ધારાસભ્ય વિધાનસભા ગૃહને નતમસ્તક થઇ પ્રણામ કર્યા હતા. આ ધારાસભ્યનું નામ સંજય કોરડીયા. સંજય કોરડીયા જુનાગઢના ધારાસભ્ય છે. આજે તમામ ધારાસભ્યો જ્યારે વિધાનસભામાં જઈ રહ્યા હતા તે સમયે સંજય કોરડીયાએ ગૃહને નત મસ્તક થઇ પ્રણામ કર્યા બાદ ગૃહમાં પ્રવેશ કર્યો હતો. તેઓનું માનવું છે કે વિધાનસભા ગૃહને તેઓ મંદિર માને છે. લોકોની સુખાકારીના કાર્યો અહીંથી જ તેમણે કરવાના છે જેથી તેઓએ અહીં પ્રણામ કર્યાં હતા. આ દ્રશ્યો જોતા અન્યોએ ધારાસભ્યની પ્રશંસા કરી હતી.

બે મહિલા ધારાસભ્યોએ સંસ્કૃતમાં શપથ લીધા
વિધાનસભામાં આજે ધારાસભ્યોની શપથ વિધિ દરમિયાન બે મહિલા ધારાસભ્યોએ સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા. મંત્રીમંડળના સભ્યોના ધારાસભ્ય પદના શપથ બાદ મહિલા ધારાસભ્યોએ ધારાસભ્ય પદના લીધા શપથ લીધા હતા. દરમિયાન રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ અને નાંદોદના મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે સંસ્કૃતમાં ધારાસભ્ય પદના શપથ લીધા હતા.

આવતી કાલે યોજાશે ગૃહના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી
આવતી કાલે એક દિવસીય વિધાનસભાનું સત્ર મળશે. જેમાં ગૃહના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી ચોજાશે. સોમવારના રોજ શપથ વિધિ પહેલા વિધાનસભાનાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આવતી કાલે સત્ર શરુ થતા જ ચુંટણી યોજાશે. જો કે અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડ લગભગ નિશ્ચિત છે.

Most Popular

To Top