Dakshin Gujarat

સેલવાસના મસાટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 દાઝ્યા

સેલવાસ-દમણ : સંઘપ્રદેશ સેલવાસના (Selvas) મસાટ ગામની (Masat village) એક ચાલના રૂમમાં વહેલી સવારે જમવાનું બનાવવા માટે કામદારોએ ગેસ ચાલુ તો કર્યો પણ ગેસનું લાઈટર ચાલુ કરતાની સાથે જ બોંબ જેવા ધડાકા સાથે સિલિન્ડર ફાટવાની (Cylinder Blast) ઘટના સર્જાઈ હતી. જેમાં 3 કામદાર ગંભીર રીતે દાઝી જતાં તેમને સેલવાસની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તુરંત મુંબઈની હોસ્પિટલમાં રીફર કરાયા છે.મળતા જાણકારી પ્રમાણે શનિવારે સેલવાસના મસાટ ગામની રામનાથ ચૌધરીની ચાલમાં રહેતા પરપ્રાંતિય કામદારો જેઓ આલોક કંપનીમાં કામ અર્થે જવાના હોય અને તેમનું જમવાનું બનાવવા માટે વહેલી પરોઢિયે ઉઠી રૂમમાં મુકેલા ગેસને ચાલુ કરી લાઈટર મારતાની સાથે જ ગેસનો સિલિન્ડર બોંબ ફાટ્યો હોય એમ મોટો ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો.

ઘટના ઘટતા જાણે ધરતીકંપ થયો હોય એમ ચાલની રૂમ ધણધણી ઉઠ્યા હતા
ઘટના ઘટતા જાણે ધરતીકંપ થયો હોય એમ ચાલની રૂમ ધણધણી ઉઠતાં ચાલના ઓરડાઓમાં રહેતા અન્ય લોકો રૂમમાંથી બહારની તરફ ભાગ્યા હતા. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેઓ પણ આવી બનાવ સ્થળે આવી પહોંચ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા કામદારોને સારવાર જલ્દી મળે એ માટે એમ્બ્યુલન્સની સાથે મસાટ પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ જગ્યા સ્થળ પર પહોંચી ગંભીર રીતે દાઝેલા કામદારોને સારવાર અર્થે પ્રથમ સેલવાસની વિનોબા ભાવે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા

ઘટનામાં ઘરનો સામાન તથા અન્ય ઘરવખરીને મોટું નુકસાન થયું
પરંતુ ત્રણેય કામદારો ગંભીર રીતે દાઝી જવાને લઈ તેમને વધુ સારવાર અર્થે તુરંત મુંબઈની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કમલ નારાયણ રામગોપાલ પાલ (ઉં. 22 રહે. ઉત્તરપ્રદેશ), પિન્ટુ આત્મજન બૈગા (ઉં. 20 રહે. ઉત્તરપ્રદેશ) અને શ્રીરામ સીયારામ એગાહી (ઉં. 30 રહે. ઉત્તરપ્રદેશ) આ ત્રણ કામદાર ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં ઘરનો સામાન તથા અન્ય ઘરવખરીને મોટું નુકસાન થવા પામ્યું છે.

Most Popular

To Top