Columns

ન્યાયાધીશની નિયુક્તિનો વિવાદ: સરકારનો હાથ ઉપર રહેશે?

હાલમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને રોજબરોજ તેની નોંધ મીડિયા લઈ રહ્યું છે. આ વિવાદનું મૂળ એટલે કૉલેજિયમ સિસ્ટમ. આ અંગે કાયદામંત્રી, પૂર્વ ન્યાયાધીશો અને કાયદાના નિષ્ણાતો પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. ન્યાય પ્રણાલીનો મહત્ત્વનો મુદ્દો હોવા છતાં તે વિશેની ચર્ચા સામાન્ય લોકોમાં નથી કારણ કે તેની ચર્ચા અટપટી છે. જો કે જાગ્રત નાગરિક તરીકે આવા મુદ્દા સમજવા જરૂરી છે અને તેની સમજ આપતો એક વીડિયો ઇન્ટરવ્યૂ સ્વરૂપે ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલે બનાવ્યો છે. તેમાં કૉલેજિયમ સિસ્ટમ અને તેના વિવાદ વિશે સુપ્રીમ કોર્ટના એડવોકેટ નીતિન મેશરામ વિગતે માહિતી આપી છે.

આ વિવાદમાં સૌ પ્રથમ પ્રશ્ન એ જ છે કે કૉલેજિયમ સિસ્ટમ એટલે શું? તેનો અર્થ એડવોકેટ નીતિન આપે છે કે, “કૉલેજિયમ સિસ્ટમ એટલે ન્યાયાધીશોની સમિતિ. આ સમિતિ સુપ્રીમ કોર્ટમાં પણ હોય છે અને હાઈકોર્ટમાં પણ. જો કે હાઈકોર્ટની સમિતિની સત્તા મર્યાદિત છે જ્યારે સુપ્રીમની સમિતિની સત્તા અમર્યાદિત છે. સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોથી આ સમિતિનું ગઠન થાય છે. તેમાં એક સભ્ય ચીફ જસ્ટીસ ઑફ ઇન્ડિયા હોય છે અને બીજા ચાર સુપ્રીમના સીનિયર મોસ્ટ ન્યાયાધીશો. સુપ્રીમ કોર્ટની આ સમિતિ મળીને નિશ્ચિત કરે છે કે સુપ્રીમ કોર્ટમાં આગામી ન્યાયાધીશો કોણ બનશે. દેશના ચીફ જસ્ટીસની નિયુક્તિના મામલે ખુદ વર્તમાન ચીફ જસ્ટીસ પોતે તે નિર્ણય લે છે. આ રીતે હાઈકોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિ વખતે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અને હાઈકોર્ટના અન્ય 2 સીનિયર મોસ્ટ ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટની ન્યાયાધીશોની સમિતિ (કૉલેજિયમ)ને માત્ર પ્રસ્તાવ મોકલે છે, તેને ફાઈનલ સુપ્રીમની ન્યાયાધીશની સમિતિ કરે છે. એ રીતે હાઈકોર્ટની સમિતિને મર્યાદિત સત્તા મળી છે.”

 “1993માં સુપ્રીમ કોર્ટની 9 ન્યાયાધીશોની બેન્ચે એક ચુકાદો આપ્યો હતો. જે ચુકાદામાં ન્યાયાધીશોએ કહ્યું કે અમારું આ વિશે અર્થઘટન આર્ટીકલ 124 અને 217 મુજબ કર્યું છે. આ આર્ટીકલ મુજબ ન્યાયાધીશોની સમિતિ જે નામો મોકલે છે તે રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરવામાં આવે. તેને નામંજૂર કરવાનો સરકાર કે રાષ્ટ્રપતિ પાસે કોઈ અધિકાર નથી.” તેનો સીધોસીધો અર્થ એવો થાય છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સમિતિ જેમને ન્યાયાધીશ બનાવવા ઇચ્છે તે જ તે પદ ઉપર આવી શકે, અન્ય કોઈ નહીં.

અત્યારે જે કૉલેજિયમ સિસ્ટમ ચાલે છે તે 1993થી લાગુ છે પણ તે પહેલાંય ન્યાયાધીશોની નિયુક્તિ સુપ્રીમ કોર્ટમાં થતી હતી તે કેવી રીતે થતી હતી? અને બંધારણમાં તે વિશેની જોગવાઈ શું હતી? આ વિશે એડવોકેટ નીતિન કહે છે કે, “આર્ટીકલ 124(2) અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં અને આર્ટીકલ 217(1) અંતર્ગત હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક થાય છે. આર્ટીકલ 124(2) અગત્યની જોગવાઈ છે, જેમાં નિર્દેશિત કરવામાં આવ્યું હતું કે ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. રાષ્ટ્રપતિ આ નિયુક્તિ માટે ચીફ જસ્ટીસ ઑફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટના અન્ય કોઈ પણ ન્યાયાધીશની સલાહ લઈ શકતા હતા. સલાહ લેવામાં ન્યાયાધીશોની સંખ્યા પર કોઈ બાધ નથી. તેઓ એક ન્યાયાધીશને પણ પૂછી શકે અને 10ને પણ અને હાઈકોર્ટના ન્યાયાધીશની પસંદગી કરતી વખતે રાષ્ટ્રપતિ રાજ્યના ચીફ જસ્ટીસને અને રાજ્યના ગવર્નરની સલાહ લેશે તેવી જોગવાઈ હતી. તે પછી જ રાષ્ટ્રપતિ ન્યાયાધીશની નિયુક્તિ કરી શકતા હતા.”

આ વ્યવસ્થામાં હવે ન્યાયધીશોની નિયુક્તિમાં રાષ્ટ્રપતિની કોઈ ભૂમિકા રહી નથી. રાષ્ટ્રપતિની ભૂમિકા આ પ્રક્રિયામાંથી નાબૂદ થઈ ગઈ છે તેના કારણોમાં એડવોકેટ નીતિન કહે છે કે, “પહેલાં નિયુક્તિની પ્રક્રિયાની શરૂઆત રાષ્ટ્રપતિ કરતા હતા, હવે નવા ચુકાદા અનુસાર સુપ્રીમની ન્યાયાધીશોની સમિતિ તેનો આરંભ કરે છે. બીજું કે ન્યાયાધીશોની નિયુક્તિની પ્રક્રિયામાંથી રાષ્ટ્રપતિની જેમ વડા પ્રધાન અને કાઉન્સિલ ઑફ મિનિસ્ટરોની ભૂમિકા રદબાતલ કરી દેવામાં આવી છે. ત્રીજી વાત રાષ્ટ્રપતિ જ્યારે ન્યાયાધીશોની પસંદગી કરીને પોતાની ભલામણ મોકલે ત્યારે તેની તપાસ કાઉન્સિલ ઑફ મિનિસ્ટર(કેન્દ્રિય કેબિનેટ) કરતું.

કાઉન્સિલ ઑફ મિનિસ્ટર્સ પોતાની રીતે પણ તેની તપાસ કરીને પછી ફાઈનલી નિયુક્તિ આપતું.” આ પૂરી પ્રક્રિયાને જોઈએ તો હવે તેમાં માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના ન્યાયધીશોની ભૂમિકા રહી છે, બીજું કોઈ પણ તેમાં દખલ કરી શકતું નથી. એડવોકેટ નીતિન આ મુદ્દે તર્ક મૂકતાં કહે છે કે પહેલાં ન્યાયાધીશોની નિયુક્તિ વિશે રાષ્ટ્રપતિ, કાઉન્સિલ ઑફ મિનિસ્ટર સહિત અનેકો સાથે તેની ચર્ચા થતી પરંતુ હવે માત્ર ને માત્ર 5 ન્યાયાધીશ બંધ કમરામાં બેસીને પોતાની એક યાદી મોકલાવી દે છે અને યાદી મુજબ ન્યાયાધીશોની જાહેરાત થાય છે. ઉપરાંત, રાજ્યોની હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિ બાબતે ગવર્નરોની જે ભૂમિકા હતી તે સાવ કાઢી નાંખવામાં આવી છે.

હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિ મામલે ગવર્નર પોતાની ભૂમિકા અંતર્ગત એમ કહી શકતા કે, હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે તમે જેમને મોકલી રહ્યા છો તેમને અમારા રાજ્યની ભાષા નથી આવડતી. ભાષા ન આવડે ત્યારે તેનાથી કામનું ભારણ વધે છે અને ન્યાયમાં મોડું થાય છે. આ બધા મુદ્દાઓ સમજાવીને એડવોકેટ નીતિનનું માનવું છે કે બંધારણની જોગવાઈઓને 1993ના ચુકાદાથી બિલકુલ વિપરીત કરી દેવામાં આવી છે અને તેનાથી ન્યાયપ્રણાલીને નુકસાન થઈ રહ્યું છે. હવે પ્રશ્ન એ આવે છે કે 1993 પહેલાંની જે સ્થિતિ હતી તે બદલવાની જરૂર કેમ પડી? અને તે બદલવા માટે 9 બેન્ચે તેની તરફેણમાં કેમ ચુકાદો આપ્યો? આ વિશે એડવોકેટ નીતિનનું કહેવું છે કે : “ન્યાયાધીશોની 3 મહત્ત્વની દલીલો છે. જો કે આ વાત બંધારણીય નથી, તેમ છતાં તેમના મુદ્દા જાણવા જોઈએ.

તેમનું કહેવું છે કે આ નિયુક્તિની પ્રક્રિયા સહિયારી છે અને તેમાં રાષ્ટ્રપતિએ નિયુક્તિ વેળાએ ચીફ જસ્ટીસ ઑફ ઇન્ડિયા સાથે સલાહસૂચન કરવાનાં રહે છે. અન્ય સુપ્રીમના ન્યાયાધીશો સાથે તેઓ ઇચ્છે તો જ સલાહ લેશે, પણ ચીફ જસ્ટીસ ઑફ ઇન્ડિયા સાથે સૂચન લેવું જરૂરી છે. આ રીતે ચીફ જસ્ટીસ ઑફ ઇન્ડિયાને ન્યાયાધીશોની પસંદગી બાબતે પ્રાથમિકતા અપાય છે. બીજું કે અમે જે જગ્યાએ છીએ તે જગ્યાએથી વધુ સારી રીતે નક્કી કરી શકીએ કે આગામી ન્યાયાધીશ કોણ બની શકે. ત્રીજું કે આ નિયુક્તિની પ્રક્રિયાની બંધારણીય જોગવાઈ સહિયારી બનાવાઈ છે અને તે સહિયારી પ્રક્રિયા માટે વધુ યોગ્ય અમે છીએ. આ વિશે તેમણે એ પણ દલીલ મૂકી કે વકીલોમાંથી જે ન્યાયાધીશ બને છે તો તેઓની ઘણી વાતોનો અમને ખ્યાલ હોય છે, જે સંભવત: બહારના પદાધિકારીઓને ખ્યાલ ન હોય.” છેલ્લે આ ચુકાદામાં બેન્ચે એમ પણ કહ્યું કે સારા અને નિષ્પક્ષ ન્યાયાધીશોની વરણી અમે જ કરી શકીએ અને એમ પણ કહ્યું કે આ પ્રક્રિયામાં જ ન્યાયતંત્રને શાસકથી અભડાવાથી દૂર રાખી શકાય.

‘ધ પ્રિન્ટ’ની આ મુલાકાતમાં આઝાદી વખતે બંધારણીય સભાની ચર્ચામાં આ મુદ્દો કેવી રીતે ચર્ચાયો હતો તે વિશે પણ વાત થઈ હતી. તે વિશે એડવોકેટ નીતિન મેશરામ કહે છે: “આ વિશે 23 અને 24 મે 1949માં બંધારણસભામાં લાંબી ચર્ચા થઈ હતી. તેમાં ઘણાં લોકો સામેલ હતા. એ ચર્ચામાં વાત થઈ હતી કે લોકશાહીમાં ન્યાયાધીશોની નિમણૂક અગત્યનો મુદ્દો છે કારણ કે તેની યોગ્ય નિયુક્તિથી કાયદાનું શાસન બરકરાર રહે છે અને જ્યારે શાસક તેના પાવરથી બહાર જઈને વર્તે ત્યારે ન્યાયતંત્ર તેને અંકુશ કરી શકે છે. આ ચર્ચા વખતે કેટલીક અગત્યની ઘટના બની. જેમ કે પ્રોફેસર કે. ટી. શાહ બંધારણીય સભાના સભ્ય હતા.

તેમનું કહેવું હતું કે સુપ્રીમ અને હાઈકોર્ટ સરકારથી બિલકુલ વેગળા હોવા જોઈએ અને તે અંગેનો સુધારો અલગથી કરવાનો વિચાર થયો. આ મુદ્દે કે. ટી. શાહના વલણથી આંબેડકરે નારાજગી વ્યક્ત કરી. આંબેડકરનું કહેવું હતું કે આપણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોને અગાઉથી જ સ્વતંત્રતા આપી છે, હવે અલગથી તે અંગે સુધારો ન થવો જોઈએ અને આ રીતે તેના પર ખૂબ ચર્ચા થઈ અને 23 તારીખે વાઈસરૉયે આ સુધારાને નકાર્યો.”  કૉલેજિયમ સિસ્ટમના આ વિવાદમાં સરકાર જો ખરેખર અગાઉની બંધારણીય જોગવાઈ લાવીને ન્યાયને વધુ સચોટ કરવા ઇચ્છતી હોય તો તે યોગ્ય છે પણ તે સિવાય તેમનો કોઈ ઇરાદો હોય તો તે અત્યારે ચાલી રહેલી વ્યવસ્થા કરતાં મસમોટું નુકસાન કરશે અને તે નુકસાન કાયમી હશે.

Most Popular

To Top