બારડોલી: બારડોલીની (Bardoli) જનતાનગર સોસાયટીમાં રહેતા NRI વૃદ્ધ બાથરૂમમાં (Bathroom) મૃત (Dead) હાલતમાં મળી આવ્યા હતા. બારડોલીના જનતાનગરમાં રહેતા મગન દાજી ચૌહાણ (ઉં.વ.82) ઘણા સમયથી લંડનના લિસ્ટરમાં સ્થાયી થયા હતા. હાલ તેઓ માદરે વતન આવ્યા હોવાથી બારડોલીના જનતાનગર સ્થિત તેમના ઘરે રહેતા હતા. ગુરુવારે સવારે મગનભાઇ તેમના ઘરના બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મગનભાઇને મૃત જાહેર કર્યા હતા. પોલીસે (Police) પાડોશમાં રહેતા છગનભાઈ ચૌહાણની જાહેરાત બાદ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
તળાવ કિનારે લેટરીન કરવા ગયેલા આધેડનું પાણીમાં ડૂબી જતા મોત
નવસારી : ગણદેવીના રહેજ ગામે તળાવ કિનારે લેટરીન કરવા ગયેલા આધેડનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના રહેજ ગામે તળાવ ફળીયામાં શંકરભાઈ બુધાભાઈ હળપતિ (ઉ.વ.આ. 55) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 15મીએ સાંજે શંકરભાઈ દારૂના નશામાં હતા. અને તેઓ ફળીયામાં આવેલા તળાવના કિનારે લેટરીન કરવા ગયા હતા. જ્યાં આકસ્મિક રીતે શંકરભાઈ તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જોકે સ્થાનિકોએ તેમને બહાર કશી તાત્કાલિક સારવાર અર્થે ગણદેવી રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પી.એસ.આઈ. એસ.વી. આહિરે હાથ ધરી છે.
સોનગઢ મોટા તાડપાડામાં પિકઅપ પલટી જતાં એકનું મોત, અન્ય એક ઘવાયો
વ્યારા: સોનગઢના મોટા તાડપાડા ગામે ઉંચલા ફળિયામાં બોલેરો પિકઅપ પલટી ખાઇ જતાં એકનું મોત, જ્યારે અન્ય એકને ઇજા પહોંચી હતી. મોટા તાડપાડા પિલાજીભાઇ બાબલીયાભાઇ ગામીતના ઘર નજીક રોડ ઉપર બપોરે 3:30 વાગ્યાના અરસામાં બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઇવર પ્રકાશ સુકાભાઇ ગામીતે પોતાના કબજાની ગાડી પૂરઝડપે હંકારતો હોવાથી ઢાળ ચઢાવતી વેળાએ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં પિકઅપ ગાડી પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ગાડીમાં બેસેલા રમણભાઇ મગનભાઇ ગામીતને શરીરે ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક સવાર અર્જુનભાઇ પોસલીયાભાઇ ગામીતને જમણા હાથ તેમજ પગમાં ફેક્ચર થયું હતું. આ અકસ્માત અંગે મોતને ભેટેલા રમણભાઇ ગામીતના પુત્ર કમલેશ ગામીતે પિકઅપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.