પલસાણા: (Palsana) સુરત જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લોને મળેલી બાતમીના આધારે કામરેજ ચાર રસ્તા પાસેથી એક મહેન્દ્ર પિકઅપ (Pickup Tempo) ટેમ્પોમાં ચોરખાનું બનાવી 1.60 લાખનો દારૂ (Alcohol) ઝડપી પાડ્યો હતો. એલ.સી.બી સુરત ગ્રામ્ય સુરતના પોલીસના (Police) માણસો કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મહિન્દ્રા બોલેરો પિકઅપમાં પાછળના ડાલામાં ચોરખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો મનોરથી ભરી નીકળ્યો છે અને આ પિકઅપ નાશીક, સાપુતારા થઇ મહુવા, બારડોલી થઇ કામરેજ થઇ સુરત શહેર તરફ જનાર છે.
ટેમ્પોમાં ચોર ખાનામાં છુપાવીને લાવી રહ્યા હતા દારૂ
કામરેજ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર કામરેજ ગામથી કામરેજ ચાર રસ્તા તરફ જતા રસ્તા ઉપર ખેતલાઆપા ટી સ્ટોલની સામે રોડ ઉપર પોલીસની એક ટીમે વોચ ગોઠવી બોલેરો પિકઅપ નં.(MH-18-AA-8673) આવતાં તેને રોકી લઈ, બોલેરો પિકઅપ ગાડીના પાછળના બોડી (ડાલા)ના ભાગે ચોરખાનું બનાવ્યું હોવાથી ચોરખાનામાં તપાસ કરતાં 720 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ચાલક અશોકકુમાર ગોકલારામ બિશ્નોઇ (ઉં.વ.27) (રહે.,શોભાલા દર્શન ગામ, સેડવા, તા.ચૌહટન, જિ.ભાડમેર, રાજસ્થાન)ની અટકાયત કરી પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર રમેશભાઇ (રહે., સુરત)ને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુના સંદર્ભે 1,60,800નો વિદેશી દારૂ અને પિકઅપ ગાડી તેમજ મોબાઇલ મળી 3,66,440નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગ્રીડ ચાર રસ્તા પાસેથી 2.40 લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 ઝડપાયા
નવસારી : ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે નેશનલ હાઇવે નં. 48 ઉપર ગ્રીડ ચાર રસ્તા પાસેથી 2.40 લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2ને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે દારૂ ભરાવનાર 2 અને દારૂ મંગાવનાર 4 સહીત 6ને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર ગ્રીડ ચાર રસ્તા પાસે એક ક્રેટા કાર (નં. જીજે-15-સીજી-3609) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 2,40,120 રૂપિયાની વિદેશી દારૂની 900 બાટલીઓ મળી આવતા બારડોલી તાલુકાના નિઝર ગામે માહ્યાવંશી મહોલ્લામાં રહેતા આયુષ ઉર્ફે જીલુ પ્રવિણભાઈ માહ્યાવંશી અને વલસાડના ઉમરગામ તાલુકામાં સરીગામ સરી ગામ ત્રણ રસ્તા પાસે નુતુરનગર ફળીયામાં ગંગાજમના સરસ્વતી એપાર્ટમેન્ટમાં રહેતા આનંદ ચંદ્રશેખર સિંહને ઝડપી પાડ્યા હતા.
પોલીસે 6 બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા
પોલીસે આયુષ ઉર્ફે જીલુ અને આનંદની પૂછપરછ કરતા દમણના રીંગણવાડામાં રહેતા અંકિત પટેલ અને દમણના બામણપુજામાં રહેતા ફેનિલ પટેલે દારૂ ભરાવી આપ્યો હતો. તેમજ મહુવા તાલુકાના તરસાડી ગામે રહેતા દિનેશ સુરેશભાઈ સોની ઉર્ફે દિનેશ મારવાડી, મહુવા તાલુકાના કણઈ ગામે રહેતા અમિત જીતુભાઈ દરબાર, મહુવા તાલુકાના પથરણ ગામે રહેતા ભરત પટેલ અને સુરત કામરેજ તાલુકાના અંત્રોલીમાં રહેતા રીંકોએ દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે દારૂ ભરાવનાર 2 અને દારૂ મંગાવનાર 4 સહીત 6ને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 5 લાખની કાર અને 20,500 રૂપિયાના 4 મોબાઈલ મળી કુલ્લે 7,60,620 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.