બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં ભૂવાસણ-ઝાંખરડા ગામના એનઆરઆઈ (NRI) ના બોગસ આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ (Election Card) બનાવી તેના આધારે સરખા નામનો ગેરલાભ ઉઠાવી એક શખ્સે ગેરકાયદે રીતે અન્ય વ્યક્તિના નામનો ખોટો પાવર ઓફ એટર્ની (Power Of Attorney) બનાવ્યો હતો. આ પાવર ઓફ એટર્નીના આધારે જમીનનો વેચાણ દસ્તાવેજ બનાવી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બારડોલી ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે સાત જણા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
- બારડોલીના ઝાંખરડામાં NRIની જમીન પચાવવાનો કારસો
- બોગસ પાવર ઓફ એટર્નીના આધારે ખેલ કર્યો, બારડોલી ગ્રામ્ય પોલીસે સાત જણા વિરુદ્ધ ગુનો નોંધ્યો
જમીન માલિકના પાવરદાર તેમના સગા ભાઈ બીપીનભાઈ પૂંજીયાભાઈ પટેલ (રહે., ભૂવાસણ, પટેલ ફળિયું, તા. બારડોલી)એ આપેલી ફરિયાદ મુજબ તેમના મોટા ભાઈ મહેન્દ્રભાઈ પૂંજીયાભાઈ પટેલ વર્ષોથી તેમના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા છે. તેમના નામે ઝાંખરડા ગામે બ્લોક નંબર 77 સર્વે નંબર 46/2 અને બ્લોક નબર 838 સર્વે નંબર 47/2 વાળી જમીન આવેલી છે. તેઓ અમેરિકા ખાતે રહે.,તા હોય જમીનના વહીવટ માટેનો પાવર ઓફ એટર્ની તેમના ભાઈ બીપીનભાઈને કરી આપ્યો છે. દરમિયાન ગત 1/11/2022ના રોજ ગામના ખેડૂત ભરતસિંહ વિજયસિંહ પરમારે આ જમીન વેચાણ કરવાની વાત ચાલતી હોવાનું જણાવતા બીપીનભાઈએ મામલતદાર કચેરીમાંથી રેવન્યુ રેકર્ડ તેમજ કાચી ફેરફાર નોંધની નકલ કઢાવતાં તેમની જમીનનો ખોટી અને ગેરકાયદે રીતે પાવર ઓફ એટર્ની તથા રજિસ્ટર દસ્તાવેજ થયેલો હોવાનું જાણવા મળ્યું હતું.
વેચાણ દસ્તાવેજની નકલ કઢાવતા તેમના મહેન્દ્રભાઈ પૂંજીયાભાઈ પટેલ (રહે., શિવ દરશાહન સોસાયટી, અંકલેશ્વર, જી. ભરૂચ)એ જમીનના સાચા માલિક મહેન્દ્રભાઈ પૂંજીયાભાઈ પટેલ (રહે., ભૂવાસાણ, તા. બારડોલી, જિ.સુરત, હાલ-અમેરિકા)નું ખોટું નામ ધારણ કરી ખોટા આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ રજૂ કરી ભરતભાઇ ઈશ્વરભાઈ પટેલ (રહે., નવા ધંતુરિયા, તા. અંકલેશ્વર)ને ખોટા પાવર ઓફ એટર્ની બનાવી આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ પાવર ઓફ એટર્નીમાં સાક્ષી તરીકે મહમદ મોબિન જાવિદ અન્સારી (રહે., આશિયાના નગર, કીમ, તા.ઓલપાડ) અને ઇમરાન જાવિદ શેખ (રહે., આશિયાના નગર, કીમ, તા. ઓલપાડ)એ સહી કરી હતી. તેમજ આ પાવરના આધારે સરફરાજ અલ્લારખા મુલતાની (રહે., પટેલ સ્ટ્રીટ, ખોલવડ, તા. કામરેજને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. દસ્તાવેજમાં યાકુબ ઇબ્રાહિમ સોની (રહે., સોની સ્ટ્રીટ, રાણી તળાવ, સુરત અને અબ્દુલ અઝીઝ અબ્દુલ લતીફ શેખ (રહે., રૂબી કોમ્પ્લેક્સ, ધાસ્તીપુરા, સુરત)એ સાક્ષી તરીકે સહી કરી હતી.
દસ્તાવેજમાં પક્ષકારના નામ અને સરનામા સદંતર ખોટા લખી તેમજ ફોટોગ્રાફ્સ પણ ખોટા લગાવી અવેજ દસ્તાવેજના નાણાં પણ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ખોટી રીતે ગેરકાયદેસર દસ્તાવેજની જાણકારી મળતા જ સાચા માલિક મહેન્દ્રભાઈના પાવરદાર બીપીનભાઈએ બારડોલી મામલતદારમાં લેખિત વાંધા અરજી આપી હતી. ત્યારબાદ તેમણે બારડોલી પોલીસને જાણ કરી હતી.
આમ ખોટી સહી અને ખોટા ઓળખ કાર્ડના આધારે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી તેના આધારે બોગસ વેચાણ દસ્તાવેજથી અંદાજિત 12 વીંઘા જેટલી જમીન વેચી મારવાનો કારસો ઝડપાતા સાચા જમીન માલિકે બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે મહેન્દ્ર પૂંજીયા પટેલ (સમાન નામ ધારક), ભરત ઈશ્વર પટેલ, સરફરાઝ અલ્લારખા મુલતાની, મહમદ મોબિન જાવિદ અન્સારી, ઇમરાન જાવેદ શેખ, યાકુબ ઇબ્રાહિમ સોની અને અબ્દુલ અઝીઝ અબ્દુલ લતીફ શેખની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.