આણંદ : આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં દસ વર્ષ જુના આધારકાર્ડ ધરાવતા નાગરિકોને તેમના કાર્ડ અપડેટ કરાવવા તાકીદ કરવામાં આવી છે. જોકે, આ સંદર્ભે વહીવટી વિભાગ દ્વારા તૈયારી કરવામાં આવી છે. આથી, દસ વર્ષ જુના આધારકાર્ડને અપડેટ ન કરાવ્યું હોય તેવા રહેવાસીઓ સત્વરે તેમનું આધાર અપડેશન કરાવે તેમ જણાવવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્યની વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે. છેલ્લા દસ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે વ્યાપક રીતે ઉપયોગમાં આવી રહ્યો છે.
તાજેતરમાં ભારત સરકારની યુનિક આઇડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (યુ.આઈ.ડી)ના જણાવ્યાનુસાર, જે રહેવાસીઓએ 10 વર્ષથી વધુ સમય પહેલા આધારકાર્ડ કઢાવ્યું હોય અને છેલ્લા 10 વર્ષના સમયગાળા દરમ્યાન કોઈ આધાર અપડેશન કરવામાં આવ્યું ન હોય, તો તેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે આધારકાર્ડ અપડેટ કરવાનું રહેશે. આ આધારકાર્ડ અપડેટ માટે સરકાર દ્વારા રૂ.50 (અંકે રૂપિયા પચાસ પુરા) નો દર નક્કી કરવામાં આવ્યો છે.
તેથી જે રહેવાસીઓએ આધાર અપડેટ કરાવવાનુ થતુ હોય તેઓએ જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુઆઈડીએઆઈ દ્વારા દસ વર્ષ પહેલા ઇશ્યુ થયેલા આધારકાર્ડને અપડેટ કરવાની નવી એસઓપી જાહેર કરી છે. છેલ્લા દસ વર્ષ દરમિયાન ઓળખના સૌથી સ્વીકૃત પુરાવા તરીકે ઉભરી આવી છે. તેમાં બાયોમેટ્રીક પ્રમાણીકરણથી રહિશની ઓળખ કરવાની જોગવાઇ છે. રહિશો દ્વારા સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે. આથી, યોજનાકીય લાભ મેળવવા માટે આધારની વિગતો સમયાંતરે અપડેટ કરવી જરૂરી છે.