જે વાતનો હંમેશા ડર રહેલો છે તે ફરી થયું. ચીને પોતાની જાત બતાવી અને સરહદે આવેલા તવાંગમાં ઘૂસણખોરી કરી. તવાંગ એ અરૂણાચલ પ્રદેશનો ભાગ છે અને ચીન સતત એવો દાવો કરતો રહ્યું છે કે અરૂણાચલનો કેટલોક વિસ્તાર તેનો પ્રદેશ છે. ચીન સતત એવા પ્રયાસો કરતું રહે છે કે અરૂણાચલ પ્રદેશ રાજ્યને તે હડપ કરી જાય. આ કારણે જ ચીનના સૈનિકો અવારનવાર તવાંગમાં ઘૂસી આવે છે. તા.9મીના રોજ ચીની સૈનિકો તવાંગમાં ઘૂસી આવ્યા પરંતુ આપણા સૈનિકોએ તેમને મારી હટાવ્યા. ચીન સાથેની ભારતની સરહદ પર એવો કરાર થયો છે કે બંને દેશોએ હથિયારોથી લડવાનું નહી. આ કારણે ચીન અને ભારતના સૈનિકોએ ડંડા વડે લડવું પડે છે અને આ વખતે ભારતના સૈનિકોના ડંડા ચીની સૈનિકો પર ભારે પડ્યા. થયું એવું કે ચીનના સૈનિકોએ કાવતરૂં ઘડ્યું કે તવાંગમાં ઘૂસણખોરી કરવી.
પરંતુ ભારતીય લશ્કરને તેની ખબર પડી જતા વધુ સૈનિકો બોલાવી લેવામાં આવ્યા અને જ્યારે 300 ચીન સૈનિકો યાંગત્સે વિસ્તારમાંથી ભારતના તવાંગમાં ભારતની પોસ્ટને હટાવવા માટે પહોંચ્યા કે તુરંત ભારતીય જવાનો પણ પહોંચી ગયા. ચીની સૈનિકો પાસે કાંટાળા ડંડા હતા તો ભારતીય સૈનિકોએ પણ તેવા જ ડંડા લઈને ચીની સૈનિકો પર હુમલો કરી દીધો. બંને દેશના સૈનિકો વચ્ચે મારામારી અને પથ્થરમારો પણ થયો પરંતુ ભારતીય જવાનોએ ચીનના સૈનિકોને ખદેડી દીધા. ચીની સૈનિકોને દોડાવતા દોડાવતા ચીની ચેકપોસ્ટ સુધી ધકેલી દેવામાં આવ્યા. જોકે, બાદમાં એકબીજાને ચેતવણી સાથે મામલો થાળે પડ્યો.
તવાંગમાં ચીની સૈનિકો શા માટે વારંવાર ઘૂસણખોરી કરવા માટે પ્રયાસો કરે છે તે માટે તવાંગ શું છે તે સમજવું જરૂરી છે. ભૂતકાળમાં અંગ્રેજો દ્વારા જેને ભારતમાં ભેળવી દેવામાં આવ્યું તે તવાંગ અરૂણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં આવેલું મુખ્ય શહેર છે. તવાંગ 3048 મીટરની ઉંચાઈએ આવ્યું છે. ગુવાહાટીથી આ નગર 555 કિ.મી. દૂર છે અને તેની વસતી પણ આશરે 55 હજારની આસપાસ છે. અહીં ભારતનો સૌથી મોટો અને વિશ્વનો બીજા નંબરનો મોટો બૌદ્ધ મઠ છે. આ પહાડી વિસ્તાર છે અને શિયાળામાં તો અહીં બરફ સિવાય કાંઈ હોતું નથી. અતિસંવેદનશીલ ગણાતા તવાંગની મુલાકાત લેવા માટે પ્રવાસીઓએ પરવાનગી લેવી પડે છે.
મેદાની વિસ્તારમાંથી તીવ્ર ઢોળાવવાળા રસ્તાઓ પસાર કરીને બાદમાં તવાંગ પહોંચી શકાય છે. ભૂતકાળમાં હેલિકોપ્ટરની સેવા શરૂ કરાઈ હતી. જે હાલમાં પણ યથાવત છે. ભૂતકાળમાં જ્યારે 2009માં દલાઈ લામા દ્વારા તવાંગ ખાતેના બૌદ્ધ મઠની મુલાકાત લેવામાં આવી ત્યારે ચીને તેની સામે વાંધાઓ ઉઠાવ્યા હતા. આ તો તવાંગની વાત થઈ પરંતુ ચીન દ્વારા એવા પ્રયાસો કરવામાં આવી જ રહ્યા છે કે છાશવારે કોઈકને કોઈક પ્રદેશનો વિવાદ ઊભો કરવો જ. અગાઉ ડોકલામ બાદમાં ગલવાન અને હવે તવાંગ. ચીન જે રીતે વારંવાર ઘૂસણખોરીના અને ભારતના પ્રદેશો પચાવી પાડવા માટે પ્રયાસો કરે છે તે બતાવે જ છે કે ચીનની દાનત ખૂબ જ ખોરી છે.
પહેલા એવું હતું કે, પાકિસ્તાન ભારતનું સૌથી મોટું દુશ્મન છે પરંતુ જે રીતે ચીન દ્વારા અવારનવાર ભારતના વિસ્તારોમાં ઘૂસણખોરી કરવામાં આવી રહી છે તે બતાવી રહ્યું છે કે સૌથી મોટું દુશ્મન પાકિસ્તાન નહીં પરંતુ ચીન બની રહ્યું છે. ભારતે હવે ચીન તરફથી ભારે સચેત રહેવાનો સમય છે. જ્યારે પણ ઠંડી વધે છે ત્યારે ચીન દ્વારા ઘૂસણખોરી કરવાના પ્રયાસો કરવામાં આવે છે. અરૂણાચલ પ્રદેશને પોતાનો ભાગ માનતું ચીન તેને પડાવી લેવા માટે સતત પ્રયત્નશીલ છે. ભારતે હવે ચીન સરહદે સૈનિકોની સાથે પોસ્ટ પણ વધારવાની જરૂરીયાત છે. ભારતીય સૈનિકોએ જે રીતે તવાંગમાં ચીની સૈનિકોને મજા ચખાડી છે તેની અસર રહેશે પરંતુ સાથે સાથે ભારત સરકારે ચીન સરહદે લશ્કરીદળો વધારવા પડશે તે નક્કી છે.