અમિતાભ બચ્ચનનો દિકરો અમિતાભ કેમ નથી જો કોઇ એવું પૂછે તો સવાલ જ ખોટો છે. એજ રીતે કોઇ પૂછે કે જીતેન્દ્રનો દિકરો જીતેન્દ્ર કેમ નથી, તો ફરી કહેવાનું થાય કે ખોટા સવાલ કરો તો ખોટા ઉત્તર જ મળે. જીતેન્દ્રએ પોતાના નામ સાથે અટક જોડવી પડી નહોતી પણ તુષાર આવ્યો તો ‘કપૂર’ અટક સાથે આવ્યો. તેણે એવું એટલા માટે કરેલું કે ‘કપૂર’ અટકવાળા અભિનેતા બજારમાં ચાલતા હતા. તુષારે તો પોતાના નામને ઇંગ્લિશનમાં લખતી વેળા બે ‘ડડ’ જોડયા હતા. આવા નુસખાઓથી સફળતા મળતી નથી તે હવે તેને પણ સમજાય ગયું છે.
તુષારની બહેન એકતા મોટી નિર્માતા છે જે ટી.વી. સિરીયલો અને ફિલ્મો પણ બનાવે છે પણ તે તેના પ્રોડકશન હાઉસમાં તુષારને સ્થાન આપતી નથી. તુષારને ફિલ્મો મળતી નથી એટલે હવે સ્વયં નિર્માતા થયો છે. તેણે અક્ષયકુમાર અને કિયારા અડવાણીને લઇ ‘લક્ષમી’ બનાવી હતી પણ થોડી ફિલ્મ નબળી બની હતી અને કોરોના સમયમાં રજૂ થઇ એટલે ન ચાલી. તે ફિલ્મમાં તુષારે સ્વયં કામ નહોતું કર્યું. હવે તેની ‘મારિચ’ ફિલ્મ આવી રહી છે જેમાં નસીરુદ્દીન શાહ, અનિતા હસનંદાની, રાહુલ દેવ સાથે સ્વયં તુષાર છે.
આ સ્ટારકાસ્ટ જાણી કોઇ પણ કહી શકે કે કમર્શીઅલી સફળતા અપાવી શકે તેવા સ્ટાર્સ નથી. જો ધંધા માટે જ ફિલ્મ બનાવાતી હોય તો ધંધાના નિયમ પ્રમાણે બનાવવી જોઇએ પણ તુષાર તેવું કરી શકયો નથી. હા, તેમાં તેણે એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી છે અને આ એક થ્રીલર પ્રકારની ફિલ્મ છે જેના એકથી વધુ અંત સમાવાયા છે. હવે એ બધું પ્રેક્ષકોને ગમે તો તુષાર સફળતાની અપેક્ષા કરી શકે. ‘ગોલમાલ’ સિરીઝની ફિલ્મોમાં પોતાના પાત્ર વડે ખૂબ જાણીતો રહેલો તુષાર કોમેડીમાં સફળરહ્યો છે એવું કહી શકાય અને તો તેણે કોમેડી બનાવી હોત તો પ્રેક્ષકો કદાચ તેને વધારે સ્વીકારતે.
ખેર, ‘મારીચ’ જોયા વિના આપણે વધારે કહી ન શકીએ. આપણે એટલું જરૂર કહી શકીએ કે જો તેની આ ફિલ્મ ચાલી જાય તો નવા આત્મવિશ્વાસ સાથે તે આગળ વધી શકે. 2001થી તે ફિલ્મોમાં સ્ટ્રગલ કરે છે અને 21 વર્ષે પણ મેળ નથી પડયો. આ દરમ્યાન તેની 37 ફિલ્મો રજૂ થઇ છે. શરૂઆત તેણે હીરો તરીકે કરેલી અને તેની હીરોઇન કરીના કપૂર, રિન્કી ખન્ના હતી. સતીશ કૌશિક દિગ્દર્શક અને વાસુ ભગનાની નિર્માતા હતો. બધું બરાબર તો પણ તુષાર સફળ ન રહ્યો. પછી તેણે એશા દેઓલ સાથેની ‘કયા દિલને કહા’ અને ફરી ‘જીના સિર્ફ તેરે લિયે’માં કરીના કપૂર સાથે કામ કર્યું.
ત્યાર પછીની ‘કુછ તો હે’નું નિર્માણ એકતા અને શોભા કપૂરે કરેલું જેમાં ફરી એશા દેઓલ હતી અનિતા હસનંદાની પણ હતી. અનિતા તેની ખાસ છે એટલે ‘યે દિલ’માં તો અનિતા તેની હીરોઇન હતી પણ હીરો તરીકે નિષ્ફળતા મળતા તે પહેલીવાર રાજકુમાર સંતોષીની મલ્ટી સ્ટારર ‘ખાકી’માં આવ્યો અને પછી મલ્ટીસ્ટારર જ તેને માટે કાયમી બની ગઇ પણ તેમાં ‘કયા કુલ હે હમ’, ‘ગોલમાલ’ શ્રેણી ‘સન્ડે’, ‘ધ ડર્ટી પિકચર’ વગેરે ચાલી. પણ ત્યાં સુધીમાં બધા સમજી ગયા કે તુષાર ફિલ્મ ચલાવવામાં મદદ ન કરી શકે. તેણે ‘પોસ્ટર બોયઝ’ અને ‘ગોલમાલ અગેઇન’માં લકી નામ રાખ્યું તો પણ હકીકત ન બદલાઇ. શું હવે ‘મારીચ’ તેની કારકિર્દીને કયાંક ગોઠવશે? 46 વર્ષનો થઇ ચુકેલો તુષાર વગર લગ્ને પિતા થયો છે તો હવે અજ ભૂમિકા યોગ્ય રહેશે? •