ગાંધીનગર : અમદાવાદમાં (Ahmedabad) આજે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્દધાટન પ્રસંગે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે રાજસત્તાને ધર્મસત્તાનું માર્ગદર્શન અને આશિષ હંમેશા મળતા રહ્યા હોવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, અમારી નવી સરકારને પણ જનહિત કાર્યોમાં સદૈવ કાર્યરત રહેવાની પ્રેરણા સંત શક્તિ આપશે. મુખ્યમંત્રી તરીકે મારો પહેલો જાહેર કાર્યક્રમ સંત શક્તિના ચરણોમાં અને પૂજ્ય બાપાના શતાબ્દી મહોત્સવના શુભારંભથી થાય તેનાથી વધુ સૌભાગ્યપૂર્ણ બાબત કોઇ ના હોઇ શકે.
ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતુ કે ગુણાતિત સંત પરંપરાના પાંચમા અનુગામી પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ એ જન-જનનો ઉત્સવ છે. પ્રમુખસ્વામી મહારાજનો ૧૦૦મો જન્મોત્સવ એ આપણા પરનું તેમનું ઋણ ચૂકવવાનો અવસર છે. પ્રમુખસ્વામી મહારાજે જીવનના નવ નવ દાયકા સુધી કર્મઠ રહીને માનવસેવાનાં અનેક ક્ષેત્રોમાં પોતાનું સમસ્ત જીવન સમર્પિત કર્યું છે. આપત્તિઓના સમયમાં માનવ સમાજને બેઠો કરવાનું અને શાંતિના સમયમાં મજબૂત કરવાનું, તેનું ઘડતર કરવાનું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ સતત કરતા રહ્યા હતાં. તેમણે જીવનની પળેપળ ખપાવી માનવીના સામાજીક –આદ્યાત્મિક ઉત્કર્ષ અને સેવાનો અનોખો ચીલો પ્રમુખ સ્વામી મહારાજ કંડાર્યો છે તેમના આ કાર્યોને બિરદાવવાનો આ ઉત્સવ છે.
પ્રમુખ સ્વામીના જીવનકાર્યો અંગે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કુદરતી વિપદામાં અને સમાજના દીન-દુખિયાઓ પ્રત્યે હંમેશાં કરુણાથી છલકાતા પ્રમુખસ્વામી મહારાજે અનેક આપત્તિઓમાં વિરાટ સ્તરે રાહત-સેવાઓનો હાથ લંબાવીને લાખો આપત્તિગ્રસ્તોને હૂંફ અને સધિયારો આપ્યાં છે.